યુએસ દ્વારા પન્નુની હત્યાના કાવતરાના આક્ષેપ અંગે પ્રધાનમંત્રી મોદીએ મૌન તોડ્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ધરતી પર ભારત દ્વારા ખાલિસ્તાની અલગતાવાદી અથવા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા અંગેના આરોપ પર પહેલીવાર મૌન તોડ્યું છે. વડા પ્રધાને ભારત દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ સામે કથિત નિષ્ફળ હત્યાના કાવતરામાં ભારતીય જોડાણના યુએસ દ્વારા કરાયેલા દાવા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ પુરાવાઓની તપાસ કરશે.
જો આપણા નાગરિકોમાંથી કોઈએ કંઈ સારું કે ખરાબ કર્યું હોય તો અમે તેની તપાસ કરવા તૈયાર છીએ. આવી ‘કેટલીક ઘટનાઓ’ ભારત-અમેરિકાના સંબંધોને પાટા પરથી ઉતારી શકે નહીં. કાયદાના શાસન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છે. અમેરિકાએ તાજેતરમાં ભારત પર તેના નાગરિક અને અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્ટિસના જનરલ કાઉન્સેલ ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો હતો.
ભારતે પન્નુને આતંકવાદી ગણાવ્યો છે. અમેરિકાએ આ ષડયંત્રમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે . ગુપ્તા હાલમાં ચેક રિપબ્લિકની કસ્ટડીમાં છે. આ કાવતરામાં ભારત સરકારના કર્મચારીની સંડોવણી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ભારતે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે . વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે આ મામલો ગંભીર અને ભારતીય નીતિઓની વિરુદ્ધ છે.
વિદેશ સ્થિત કેટલાક ઉગ્રવાદી જૂથોની પ્રવૃત્તિઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતાં મોદીએ જણાવ્યું હતું કે આવા જૂથો અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં, ડરાવવા અને હિંસા ભડકાવવામાં વ્યસ્ત છે.
ભારત સરકારના કથિત રૂપે અમુક પ્રકારની રાજકીય હત્યામાં સામેલ હોવાના દાવાઓ અંગે વિવાદ હોવા છતાં ભારત અને યુએસ બંને પરિપક્વ અને વ્યૂહાત્મક ભાગીદારો છે. બંને દેશો એકબીજાને સારી રીતે જાણે છે અને તેઓ જે પણ ઈચ્છે તે અંગે વાત કરી શકે છે. જૂનમાં આતંકવાદી પન્નુ વિશેના કથિત કાવતરાનો પર્દાફાશ થયા બાદ પણ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. ગયા મહિને નવી દિલ્હીમાં 2+2 સંવાદ યોજાયો હતો.
તાજેતરમાં જ અમેરિકી ન્યાય વિભાગે કહ્યું હતું કે, 52 વર્ષનો એક ભારતીય નાગરિક જે ભારત સરકારનો કર્મચારી પણ છે. તેમણે ઉત્તરી ભારતમાં એક અલગ શીખ રાષ્ટ્રની વકાલાત કરનારા ન્યૂયોર્ક શહેરના નિવાસી પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યુ હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ બંને દેશો વચ્ચેની ભાગીદારીનો મુખ્ય ઘટક રહ્યો છે. મને નથી લાગતું કે, કેટલીક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે જોડવી યોગ્ય છે. આપણે એ તથ્યને સ્વીકારવાની જરૂર છે કે આપણે બહુપક્ષીયતાના યુગમાં જીવી રહ્યા છીએ. વિશ્વ એકબીજા સાથે જોડાયેલું હોવાની સાથે-સાથે એકબીજા પર નિર્ભર પણ છે. આ વાસ્તવિકતા જ આપણને મજબૂર કરે છે કે, એકબીજા પ્રત્યે સહયોગ માટે તમામ મામલે સંપૂર્ણ સંમતિ ન બની શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here