યુએસએ ક્રિકેટ દ્વારા પસંદગી પામેલા ખેલાડીઓની યાદીમાં ભારતીય-અમેરિકનોની બહુમતી

ન્યુ યોર્કઃ યુએસએ ક્રિકેટ દ્વારા પસંદગી પામેલા ખેલાડીઓની યાદીમાં ભારતીય-અમેરિકનોની બહુમતી છે. ટેક્સાસના હ્યુસ્ટનમાં અંતિમ ખેલાડીઓના સિલેક્શન કેમ્પમાં યુએસએ ક્રિકેટની સિલેક્શન પેનલ દ્વારા 39 ખેલાડીઓને આમંત્રિત કરાયા હતા, જેમાંના મોટા ભાગના ભારતીય-અમેરકન હતા.
યુએસએ ક્રિકેટની વેબસાઇટના જણાવ્યા મુજબ, યુએસએ ક્રિકેટ સિલેક્શન પોલિસીમાં તમામ 39 ખેલાડીઓએ પોતાની સ્કિલ, નીતિમત્તા, પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ ખેલાડીઓ ટીમને વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ટી-20 ક્વોલિફિકેશન જિતાડવામાં મદદરૂપ થશે.
પસંદગીકારોના ચેરમેન રિકાર્ડો પોવેલે જણાવ્યું હતું કે આ પ્રકારની ટેલેન્ટ હન્ટમાં ઘણા છુપાયેલા ચહેરાઓને તેમની શક્તિ બહાર લાવવાની તક મળે છે. હ્યુસ્ટનમાં આગામી અઠવાડિયું ખૂબ મહત્ત્વપૂર્ણ છે, જેમાં અમે સખત મહેનત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે અમારો દાવો મજબૂત કરીશું. ખેલાડીઓ હ્યુસ્ટનમાં ટી20 સિરીઝ અને 50 ઓવરની મેચોની સિરીઝ રમવા માટે આવશે, જે ટેક્સાસના પર્લલેન્ડમાં મુસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.