યુએનસ્થિત અમેરિકી પ્રતિનિધિ નિક્કી હેલી ભારતની મુલાકાતે

નવી દિલ્હીઃ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલાં યુનાઇટેડ નેશન્સસ્થિત અમેરિકી પ્રતિનિધિ નિક્કી હેલીએ જણાવ્યું હતું કે તેમની ભારતની મુલાકાતનો હેતુ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બનાવવાનો અને દુનિયાના સૌથી જૂના બે લોકશાહી દેશોના સંબંધો સંગીન કરવાનો છે.
ભારતીય મૂળનાં નિક્કી હેલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન અને નિક્કી હેલી વચ્ચે આતંકવાદ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી. મોદી અને હેલી વચ્ચે વેપાર અને અન્ય સહકાર અંગે પણ વાતો થઈ હતી. બન્ને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બન્ને દેશો વચ્ચેની ભાગીદારી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે ફળદાયી નીવડશે તેમ વડા પ્રધાન કાર્યાલયમાંથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું.


યુએનસ્થિત અમેરીકી પ્રતિનિધિ બન્યા પછી પ્રથમ વાર ભારતની મુલાકાતે આવેલાં નિક્કી હેલીએ દિલ્હી પહોંચીને ભારતસ્થિત અમેરીકી રાજદૂત કેનેથ જસ્ટર સાથે બુધવારે મુઘલ રાજવી હુમાયુના મકબરાની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે હુમાયુના મકબરાની ભારતમાં થતી જાળવણી ભારતીય સાંસ્કૃતિક મૂલ્યની જાળવણીની વાત કરે છે. તેમણે કહ્યું હતું કે ભારત માટેનો અમારો પ્રેમ વધારવા અને બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા હું ભારત આવી છું.
નિક્કી હેલીએ બાળઅધિકારના કર્મશીલ કૈલાસ સત્યાર્થી સાથે પણ મુલાકાત કરી હતી. બાળકો પ્રત્યે આચરવામાં આવતા ગુનાઓને માનવતાની સૌથી મોટી કટોકટી ગણાવતાં સત્યાર્થીએ હેલીને કહ્યું હતું કે આ સમસ્યાના ઉકેલ માટે યુનોના ઉપક્રમે ઇન્ટરનેશનલ રિસ્પોન્સ મિકેનીઝમની રચના થવી જોઈએ. નિક્કી હેલીએ કહ્યું કે ભારતમાં પરત આવતાં મારું દિલ ખૂબ ખુશ થઈ જાય છે. ઘરે પાછાં આવતાં હંમેશાં સારું લાગતું હોય છે. ધાર્મિક સ્વતંત્રતા વિશે તેમણે કહ્યું કે માનવઅધિકારો જેટલી જ વ્યક્તિની ધર્મ સ્વતંત્રતા જરૂરી છે.


નિક્કી હેલીએ કહ્યું કે ભારત-અમેરિકી સંબંધો આતંકવાદ સામેની લડાઈ, લશ્કરી પાસા સહિતના વિવિધ ક્ષેત્રે સુદ્રઢ સંબંધો કરવાની વ્યાપક તક ધરાવે છે. છેલ્લે નિક્કી હેલીએ 2013માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે તેઓ સાઉથ કેરોલીનાનાં ગવર્નર હતાં. હેલીના પિતા અજિત સિંહ રંધાવા અને માતા રાજકૌર રંધાવા અમૃતસરથી અમેરિકા જઈને વસ્યાં હતાં.