યુએનની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના, ત્રાસવાદ અને પર્યાવરણના મુદ્દે ચર્ચા કરશે

 

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૫મીએ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધન કરશે. આ સંબંધોનમાં તેઓ કોરોના મહામારી, અફઘાનિસ્તાન સંકટ અને ત્રાસવાદ તથા પર્યાવરણ જેવા સંવેદનશીલ મામલે વિશ્વના નેતાઓ સાથે ચર્ચા કરશે. અમેરિકા પ્રવાસ દરમિયાન તેઓ ક્વાડ નેતાઓની સમીટમાં ભાગ લેશે. યાત્રા દરમિયાન મોદી વ્હાઇટ હાઉસમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાયડેન સાથે ૨૪ સપ્ટેમ્બરે દ્વિપક્ષીય બેઠક કરશે. વડા પ્રધાન મોદીના કાફલામાં ઉચ્ચસ્તરીય પ્રતિમંડળનો પણ છે, જેમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલનો સમાવેશ થાય છે.

મોદીએ જણાવ્યું હતું કે તેમની અમેરિકાની મુલાકાત ભારત-અમેરિકા વચ્ચેની સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની તથા જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોનો ગાઢ બનાવવાની તક છે.  અમેરિકા માટે રવાના થતાં પહેલા આપેલા નિવેદનમાં મોદીએ જણાવ્યું હતું કે તેમની યાત્રામાં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં સંબોધનનો સમાવેશ થાય છે, જેમાં કોરોના મહામારી, ત્રાસવાદી, પર્યાવરણમાં ફેરફાર અને બીજા મહત્ત્વના મુદ્દા સહિતના વૈશ્વિક પડકારો પર ફોકસ કરવામાં આવશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાયડેનના આમંત્રણને પગલે હું ૨૨થી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી અમેરિકાની મુલાકાતે જઈ રહ્યો છું. મારી મુલાકાત દરમિયાન હું પ્રેસિડન્ટ બાયડેન સાથે ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરીશ. મોદી અમેરિકામાં ક્વાડ નેતાઓની સમીટમાં પણ ભાગ લેશે. આ બેઠકમાં પ્રેસિડન્ટ બાયડેન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડા પ્રધાન યોશીહિડે સુગા પણ સામેલ થશે. ક્વાડ સમીટના ભાગરૂપે મોદી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન, જાપાનના વડા પ્રધાન યોશિહિડે સુગા સાથે પણ મંત્રણા કરશે.