યુએઇએ મંગળના અભ્યાસ માટે આરબ વિશ્વનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં રવાના

 

દુબઇઃ સંયુક્ત આરબ અમીરાતમાં મંગળવારે આનંદ અને ગૌરવનો માહોલ છવાઇ ગયો હતો જ્યારે યુ.એ.ઇ.એ મંગળના અભ્યાસ માટેનો તેનો પ્રથમ ઉપગ્રહ અલ-અમલ એક જાપાનીઝ લોન્ચ સેન્ટર પરથી મંગળના ગ્રહ તરફ રવાના કર્યો હતો. આ આરબ જગતનું પ્રથમ આંતરગ્રહ મિશન છે.  યુએઇના મંગળ અભિયાન પ્રોજેક્ટના ડિરેક્ટર ઓમરાન શરફે પત્રકારોને કહ્યું હતું કે ઉપગ્રહે સંકેત મોકલવા માંડ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમની ટીમ ડેટાને ચકાસી રહી છે અને હાલ તો બધુ યોગ્ય જણાઇ રહ્યું છે. અલ અમલનું વજન ૧.૩ ટન છે અને તે જાપાનના તાંગેશીમા સ્પેસપોર્ટ પરથી સ્થાનિક સમય પ્રમાણે રાત્રે ૧.પ૮ કલાકે એચ-ટુએ રોકેટ મારફતે રવાના કરવામાં આવ્યો હતો. આ રોકેટ રવાના થયા બાદ તે લોન્ચ રોકેટથી જુદુ થતા દુબઇ ખાતેના ગ્રાઉન્ડ કન્ટ્રોલ રૂમમાં આનંદ છવાઇ ગયો હતો. સેંકડો વૈજ્ઞાનિકો, અવકાશ શોખીનો અને સંયુકત આરબ અમીરાતના નેતાઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. 

આના બે કલાક પછી દુબઇ ખાતેના મોહમ્મદ બિન રાશીદ સ્પેસ સ્ટેશનને આ ઉપગ્રહ તરફથી પ્રથમ સિગ્નલ મળ્યું હતું અને તેણે સંદેશવ્યવહાર શરૂ કર્યો હોવાનો સંકેત આપ્યો હતો. આ ઉપગ્રહે આજથી સાત મહિના સુધીની મંગળ સુધીની યાત્રા શરૂ કરી દીધી છે. જ્યારે યુએઇ પોતાની ૫૦મી વર્ષગાંઠ ઉજવતું હશે ત્યારે અર્થાત્ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં તે મંગળ ગ્રહ સુધી પહોંચવાની આશા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સિદ્ધિ બદલ યુએઇ ખાતેના ભારતીય કોન્સ્યુલેટ જનરલે સંયુક્ત આરબ અમીરાતની નેતાગીરીને અભિનંદન આપ્યા હતા.