યાત્રાધામ અંબાજીમાં લેસર-શો માટેની તૈયારીઓ 

 

પાલનપુર: ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ અંબાજી આવતા ભક્તો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગબ્બર ગોખ પર હવે ૫૧ શક્તિપીઠનું મહત્વ તેમજ અંબાજી માં અંબાના પ્રાગટયથી લઈને તેમના ઇતિહાસની કહાની લેસર કિરણો દ્વારા ગબ્બર પર જોઈ શકાશે. જેમાં રાત્રી દરમિયાન લેસર કિરણોના મદદ દ્વારા માતાજીનો ઇતિહાસ ભક્તો નિહાળી શકશે. જેથી લેસર શો માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે લાખો ભક્તો મા અંબાના દર્શન કરવા માટે આવે છે જેમાં ભક્તો સાથે બાળકો અને તેમના સ્વજનો પણ આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિરની સ્થાપના તેમજ ગબ્બર ગોખ સાથે જોડાયેલી માતાજીની અનેક ઐતિહાસિક ઘટનાઓને લેસર શો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે આ અંગે બનાસકાંઠા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલે જણાવ્યું હતું કે, સ્ટેગ્યુ ઓફ યુનિટીની જેમ અંબાજીમાં પણ હવે ભક્તો માટે લેસર શો શરૂ કરવામાં આવશે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. માતાના ઈતિહાસની સાચી સમજ કેળવે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.