યકૃત (લિવર)ના રોગ અને તેની ચિકિત્સા

0
6382
Dr. Rajesh Verma
Dr. Rajesh Verma

યકૃતનું વર્ણનઃ માનવશરીરમાં સૌથી મોટી અને ભારે પ્રણાલીયુકત ગ્રંથિ યકૃત છે. તેનો રંગ જાંબુડી જેવો હોય છે અને ઉદરમાં મધ્ય રેખાની ડાબી બાજુ પાંસળીઓની પાછળ ડાબા ફેફસા તથા વક્ષોદર મધ્યસ્થ પેશીઓ નીચે હોય છે. હૃદય એનાથી જમણી તરફ ને નજીક જ હોય છે. પૂર્ણ રૂપે સ્વસ્થ વ્યક્તિના યકૃતનું વજન શરીરના વજન કરતાં 36મા ભાગ જેટલું હોય છે. ડાબેથી જમણી બાજુ યકૃતની લંબાઈ 8થી 10 ઇંચ હોય છે. તેનો ડાબો ભાગ જાડો અને પહોળો હોય છે. જમણો ભાગ પાતળો અને ચપટો હોય છે અને થોડો અણીદાર હોય છે. પહોળાઈ સામેથી પાછળ તરફ 4થી 6 ઇંચ જેટલી હોય છે. સ્વસ્થાવસ્થામાં યકૃત ડાબી ચૂચુકરેખામાં પાંસળીની આડમાં હોય છે અને ઉદરમાં અનુભવ થતો નથી, પરંતુ જ્યારે તેમાં સૂજન થઈ જાય છે તો પાંસળીની નીચે ઉદરમાં અનુભવ થતો હોય છે અને દબાવવાથી ત્યાં વેદના પણ થાય છે. બાળકોમાં બે વર્ષની અવસ્થા સુધી યકૃત સ્પર્શ-જ્ઞાન આસાન હોય છે, કેમ કે યકૃતના આગળના કિનારે ચૂચુકરેખામાં પાંસળીથી અડધી આંગળી નીચે હોય છે.

યકૃતનું કાર્યઃ 1. યકૃતનું મુખ્ય કાર્ય પિત્ત બનાવી પાચનક્રિયામાં સહાયતા કરવી. આમ તો પિત્ત શરીરમાં ઘણું કાર્ય કરતું હોય છે, જેનું વર્ણન પણ કરીશું. ર. યકૃત વધારે શર્કરા રક્તમાં જવા દેતું નથી. વધારે પડતા શર્કરાના સેવનને યકૃત શર્કરાજન (ગ્લુકોઝન) બનાવી દે છે, જે યકૃતમાં જીવનકોષોમાં સુરક્ષિત રહે છે અને જ્યારે શર્કરા (ખાંડ, સાકર)નું સેવન ઓછું થાય ત્યારે શરીરને શર્કરાની ઊણપની પૂર્તિ કરે છે. આ રીતે યકૃત શર્કરાને આય અને વ્યયના નિરીક્ષકનું કાર્ય કરે છે. યકૃતમાં સોજો હોય તો આ ક્રિયામાં તકલીફ પડે છે અને શર્કરાનું પાચન વિધિવત્ થતું નથી અને એટલે જ યકૃતનો સોજો હોય તેવા દર્દીને મીઠી ચીજોની પરેજી કરવામાં આવે છે. 3. યુરિયા, યુરિક એસિડ વગેરે પર્દાથોને યકૃત જ બનાવે છે. આ પદાર્થ મૂત્ર દ્વારા બહાર નીકળતા રહે છે. 4. ક્યારેક ક્યારેક શરીરમાં ખાસ કરીને પાચનતંત્રમાં કેટલાંક વિષેલા એટલે કે ઝહેરીલા પદાર્થો બનતા હોય છે, જ્યારે આ વિષેલ પદાર્થ યકૃતમાં પહોંચે છે તો યકૃત તેને પ્રતિકારક દ્રવ્ય બનાવી દે છે, જેનાથી આ દ્રવ્ય શરીરને નુકસાન પહોંચાડતું નથી. યકૃત આ રીતે શરીરની રક્ષા કરે છે. પ. આહાર પચીને તેના રસથી રક્ત બને છે. આયુર્વેદ મતાનુસાર યકૃતમાં રંજક પિત્તનું સ્થાન છે. આ રંજક પિત્ત આહાર રસને રંગીને રક્ત બનાવી દે છે. આ રીતે યકૃત શરીરનું બહુ મહત્ત્વનું પરમોપયોગી ગ્રંથિ છે.

કૃતને અંગ્રેજીમાં લિવર કહેવાય છે અને યુનાની ભાષામાં જિગર કહેવાય છેે. લિવરમાં સોજો આવે અથવા લિવર વધી જાય તો આયુર્વેદ તેને ઉદરરોગ અંતર્ગત માને છે. ઉદરના રોગ આઠ પ્રકારના માનવામાં આવે છે, જેનું વર્ગીકરણ આ પ્રકારે કરવામાં આવે છે. 1. વાતજ ર. પિત્તજ 3. કફ 4. સન્નિપાત પ. પ્લીહોદર 6. બદ્ધોહર 7. ક્ષતોદર 8. જલોદર.
યકૃતના સોજાનું કારણ – ફાસ્ટ ફૂટ, અધિક ગરિષ્ઠ કે ચટપટું ભોજન, શરાબનું વધારે પડતું સેવન, આળસુ સ્વભાવ એટલે કે શારીરિક શ્રમ ન કરવો, અનુચિત ભોજન કે પછી ટાઇફોઈડનો તાવ કે મલેરિયાનો તાવ આવવાથી પણ લિવરમાં સોજો આવી જતો હોય છે. આવી સ્થિતિમાં ઝાડા થઈ જવા, ખોરાક બરાબર પચે નહિ અને કબજિયાત વગરે પણ આ રોગના લીધે જ ઉત્પન્ન થતી હોય છે.
લક્ષણઃ યકૃતમાં પીડા અને તેને દબાવવાથી દુખાવો થવો, યકૃત વધી જવું, મોઢામાં કડવાશ રહ્યા કરે, પેટમાં આફરો ચડ્યા કરે, જેનાથી બહુ તકલીફ થયા કરે, પેટમાં થોડો થોડો દુખાવો કે પીડા રહ્યા જ કરે, ક્યારેક દુખાવો વધી જતો હોય છે. વમન, અતિસાર ક્યારેક કબજિયાત, બળતરા માથામાં દુખાવો, જીભ પર મેલ જામી જવો, શરીર કાન્તિહીન થઈ જવું, મનમાં અપ્રસન્નતા, પેટમાં ભારેપણું લાગવું ને ભોજન બરાબર પચવું નહિ, થોડો તાવ રહેવો, અને શરીરમાં પીળાશ દેખાવવી કે કમળો થઈ જવો જેવાં લક્ષણો હોય છે. ઊંઘ ઓછી થઈ જવી, હૃદયની ગતિ તેજ થઈ જવી. ઘણાં દર્દીને તો હાઈ બ્લડપ્રેશર થઈ જતું હોય છે. થોડા પરિશ્રમથી પણ વધારે થાક લાગી જવો, ચક્કર આવવાં, છાતીમાં બહુ દુખાવો થઈ જાય, સ્વાભાવ ચીડચીડો થઈ જવો વગેરે લક્ષણો જોવા મળે છે. લીધેલું ભોજન જાણે કે પેટમાં પહોંચ્યું જ નથી ને ઉપર હોય તેવું અનુભવાય છે.    ચિકિત્સાઃ આ રોગમાં યકૃતમાં જે રક્ત જમા થાય છે તેને ઓછું કરવું ને રોગીને પથ્યાપથ્ય પર વિશેષ ધ્યાન આપવું એ મુખ્ય કાર્ય છે. જે કારણથી રોગ થયો છે તે જાણીને તેને દૂર કરી દેવું જોઈએ. સૌથી પહેલાં વિરેચન આપવું જોઈએ. હલકા વિરેચન માટે પંચસકાર ચૂર્ણ અને તેજ વિરેચન માટે ઇચ્છાભેદી રસનો પ્રયોગ રોગીને તપાસ્યા પછી આપવો જોઈએ. પંચસકાર ચૂર્ણ 6 ગ્રામથી 10 ગ્રામ સુધી રાત્રે સૂતા સમયે રપ0 મિલી ગરમ પાણી સાથે આપવાથી સવારે રથી 3 વખત ઝાડો સારી રીતે થઈ જાય છે. ઇચ્છાભેદી રસની એક ગોળી સવારે ઠંડા પાણી સાથે લેવાથી 1ર વાગ્યા સુધીમાં 3 વાર ઝાડો આવી જાય છે. કોઈ કોઈ દર્દીને ઊલટી પણ થઈ જતી હોય છે. જેનો કોઠો નરમ હોય છે તેમને વધારે ઝાડો આવી શકે છે. ઘણા દર્દીનો કોઠો એવો હોય છે કે એક જ વાર ઝાડો આવે છે કે પછી ઝાડો આવતો જ નથી. આવા કેસમાં એક ને બદલે બે ગોળી આપવામાં આવતી હોય છે. જો વધારે વાર ઝાડો આવે તો ગરમ પાણી પીવડાવવાથી બંધ પણ થઈ જતો હોય છે. દહીં, ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી પણ ઝાડો બંધ થતો હોય છે. જો ઝાડો કોઈ પણ પ્રકારે બંધ ન થતો હોય તો કર્પૂર રસ ર રતી લઈ લવણ ભાસ્કર, હિંગ્વષ્ટકચૂર્ણ 1-1 ગ્રામ મેળવીને પાણી સાથે આપવાથી ઝાડો તરત જ બંધ થઈ જતો હોય છે.
આ રોગને હૃદય સાથે નજીકનો સંબંધ છે એટલે હૃદયની ગતિ વધતી જતી હોય છે. ઘણા દર્દીને હાઈ બ્લડપ્રેશર પણ થઈ જાય છે. ડોક્ટર હાઈ બ્લડપ્રેશર જોઈને તેને ઓછું કરવાનો ઇલાજ કરતાં હોય છે. મૂળ કારણની જાણ ન થવાથી ફક્ત બ્લડપ્રેશરની જ દવાઓ આપવાથી યકૃતની બીમારી વધી જતી પણ જોવા મળે છે.

યકૃતના સોજામાં પુનર્નવાદિ મણ્ડુર એક પ્રભાવશાળી ઔષધિ છે તેના પ્રયોગથી યકૃતમાં સોજો, કબજિયાત, પાણ્ડુ, કમળો દૂર કરીને રક્તવૃદ્ધિ થાય છે બે – બે ગોળી સવાર સાંજ પાણી સાથે આપવી.
આરોગ્યવર્ધિનીવટીઃ આયુર્વેદની એક પરમ ગુણકારી દવા છે. યકૃતનો સોજો મટાડે છે, મળ ભેગો થવા દેતી નથી, રક્ત વધે છે અને રકતને શુદ્ધ કરે છે. રકત અને ચામડીના રોગ દૂર કરે છે. કમળો, પાણ્ડુ મટાડીને શરીરને સ્ફૂર્તિલું બનાવે છે મેદસ્વી લોકોનું મેદ ઘટાડીને શરીરને સુડોળ બનાવે છે. પેશાબમાં જતી શર્કરાને રોકે છે. બે-બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવાથી ફાયદો છે.

3. કુમારી આસવઃ આ રોગની અચૂક દવા છે. આ દવાના સેવનથી યકૃત, કમળો, ગુલ્મ રોગ, પેટમાં દુખાવો, ગેસની પીડા, ભૂખ ઓછી લાગવી, લોહી ઊણપ, શરદી-કફ, કૃમિરોગ, સ્ત્રીરોગ માસિક ધર્મ ન થવું કે ઓછું થવું, ગર્ભાશયની વિકૃતિ, બવાસીર વગેરે અનેક રોગો મટાડે છે. આયુર્વેદમાં આસવ બહુ સિદ્ધ છે, જેના ગુણધર્મો સામાન્ય રીતે બધાને બહુ સારી રીતે ખબર હોય છે. ઘણા પેટના રોગી તો સ્વયં ખરીદીને પ્રયોગ કરતા જ હોય છે. ખાસ વાત તો એ છે કે આસવ એક એવી ઔષધી છે કે બાળકો, વૃદ્ધો, જવાન બધા જ સેવન કરી શકે છે. બે-બે તોલા સમાન ભાગ પાણીમાં મેળવી ભોજન પછી દિવસમાં બે વાર લઈ શકાય. (બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખીને આપવી.)