યકૃતના રોગો

0
2706
Dr. Rajesh Verma

શરીરનાં અગત્યનાં અંગોમાં હૃદય, કિડની, ફેફસાં વગેરેને ગણવામાં આવે છે. હવે તો આ અંગો બગડે ત્યારે તેના ઉપર શસ્ત્રક્રિયાઓ શક્ય બની છે. તે એટલે સુધી કે એક અંગને બદલે બીજાના એ જ અંગને બેસાડી દેવામાં આવે, પ્લાસ્ટિકનાં અંગો બેસાડી દેવામાં આવે કે ખોટવાઈ ગયેલાં અંગોની સાફસૂફી કરી ફરી તેને કાર્યરત કરવામાં આવે. આ બધામાં યકૃતને કોઈ યાદ કરતું નથી. યકૃત એટલે લીવર. તે શરીરના એક ખૂણામાં બેઠું છે. પોતાની હાજરીની કોઈને જાણ ન થાય અને પોતાની કામગીરીની પ્રશંસા ન થાય તેની તે ખાસ કાળજી રાખતું હોય તેમ લાગે છે.
અત્યારે સામાન્ય માનવીને હૃદય રોગના હુમલાની કિડની ફેલ થવાની જેટલી દહેશત છે. કેન્સર, બી.પી, ડાયાબિટીસ, કોલેસ્ટરોલનો જેટલો હાઉ છે. તેટલો યકૃતના રોગોનો નથી. તેની કોઈ ચર્ચા કરતું નથી. કોઈ તેને મહત્ત્વ આપતું નથી. તેની કોઈ દરકાર કરતું નથી. બહુ દારૂ પીશો તો શું થશે? વધુ ધૂમ્રપાનથી શું નુકસાન થાય? વધુ ચરબી ક્યાં નડતર રૂપ છે? વધુ ચટાકેદાર મસાલેદાર આહારથી શી દશા અવદશા થાય? વગેરે વગેરે ચર્ચા થતી હોય છે, લેખો છપાતા હોય છે. ભય સેવાતો હોય છે, પરંતુ ભાગ્યે જ યકૃતને તે વખતે યાદ કરતા હોય છે. હકીકતે તો બધા જ કુપથ્ય, બધા જ અનાચાર, બધાં જ વ્યસનો, બધી જ બેદરકારી છેવટે યકૃતને પણ નડતી હોય છે અને જ્યારે યકૃત બગડે છે ત્યારે તેને સુધારવું મુશ્કેલ હોય છે. તેના ઉપર ભાગ્યે જ શસ્ત્રક્રિયા થઈ શકે છે. તેના રિપ્લેસમેન્ટની વાત તો છે જ નહિ એટલે એક વાર લીવર બગડ્યું એટલે તેનાં પરિણામો ભોગવવાની તૈયારી હોવી જોઈએ. આ દુષ્પરિણામોમાં રિબામણી તો આવે જ છે પણ ઘાતકતાય છુપાયેલી હોય છે એટલે રોગીનું મૃત્યુ પણ શકય છે.
યકૃતની રચનાઃ યકૃતના રોગોની ચર્ચા કરતાં પહેલાં યકૃતની રચના સમજી લેવી જોઈએ. યકૃત આમ તો લીવર એ અંગ્રેજી નામે જ વધુ પ્રચલિત છે. લોકભાષામાં તેને કલેજું કે કાળજું પણ કહે છે. યકૃત શરીરની સૌથી મોટી નલિકાઓની ગ્રંથિ છે. તે પેટના પોલાણમાં જમણી બાજુએ, ઉદરપટલને અડીને આવેલું છે. તેનો રંગ તપખીરિયો હોય છે. એક ઊભા ચીરાથી તેનો ડાબો અને જમણો એમ બે ભાગ પડે છે. ડાબા ભાગ કરતાં જમણો ભાગ આશરે છ ગણો મોટો હોય છે. જમણો ભાગ જાડો અને ઊપસેલો હોય છે. ડાબો ભાગ સાંકડો હોય છે. અને તેના વડે જઠરનો કેટલોક ભાગ ઢંકાઈ જાય છે. યકૃતનો ઉપરનો ભાગ બહિર્ગોળ હોય છે અને નીચેનો ભાગ ખરબચડો હોય છે. યકૃતના બે ભાગની વચ્ચે, યકૃતની નીચલી બાજુએ રીંગણા જેવા આકારની પિત્તાશય નામની કોથળી હોય છે.
યકૃતની લંબાઈ આશરે ર૦ સે.મી. અને પહોળા ભાગની જાડાઈ ૧પ સે.મી. હોય છે. તેનું વજન આશરે ૧.૪ થી ૧.૮ કિલોગ્રામ જેટલું એટલે ૩થી ૪ રતલ જેટલું હોય છે.
રચનાઃ યકૃતની નીચલી સપાટીના ચીરામાં યકૃત ધમની અને ઉદરશિરા દાખલ થાય છે અને ત્યાંથી જ યકૃતનલિકા બહાર આવે છે.
યકૃત ધમની હૃદયમાંથી નીકળે છે અને યકૃતને શુદ્ધ લોહી પૂરું પાડે છે.
ઉદરશિરા દ્વારા જઠર, સ્વાદુપિંડ, બરોળ અને આંતરડામાંથી અશુદ્ધ લોહી યકૃતમાં આવે છે. આ લોહીમાં ખોરાકમાંથી શોષાયેલો અન્નરસ પણ હોય છે.
કલેજામાં દાખલ થયા પછી આ બન્ને રકતવાહિનીઓની અનેક શાખાઓ પડી જાય છે અને યકૃતના કોષોની આસપાસ કેશવાહિનીઓનાં જાળાં રચે છે. આ કોષો બહુકોણના આકારના હોય છે. તે પિત્તરસ બનાવે છે. ર૪ કલાકમાં રથી ૩ ગ્લાસ જેટલો પિત્તરસ બને છે. એટલે લગભગ ર રતલ જેટલો તે હોય છે.
યકૃત નલિકા યકૃતમાં ઉત્પન્ન થયેલો પિતરસ પિત્તાશયમાં લઈ જાય છે. પિત્તાશય યકૃતની નીચે આવેલી સ્નાયુઓની લાંબી કોથળી છે. તેનો આકાર નાના રીંગણા જેવો હોય છે. તેમાં પિત્તરસ સંગ્રહાય છે અને જરૂર પડ્યે પિત્તનલિકા દ્વારા નાના આંતરડામાં પકવાશયના ભાગમાં જાય છે.
યકૃતનાં કાર્યો નીચે મુજબ છેઃ
૧. યકૃતના કોષો લોહીના કેટલાક પદાર્થોમાંથી પિત્તરસ બનાવે છે, જે ખોરાકના પાચનકાર્યમાં ઉપયોગી થાય છે. પિત્તરસ બનાવવામાં નાશ પામેલા લાલ કણોનો ઘણો ઉપયોગ થાય છે. પિત્તરસ બનાવવાનું કાર્ય સતત ચાલ્યા કરે છે. પાચનક્રિયા માટે જ્યારે જરૂર ન હોય ત્યારે પિત્તાશયમાં તેનો સંગ્રહ થાય છે. પિત્તરસમાં રહેલા ક્ષારો ચરબીયુકત પદાર્થોને પચાવવા અને શોષવામાં મદદરૂપ થાય છે. પિત્તરસ ખોરાકને કહોવાતો અટકાવે છે. આંતરડાના સ્નાયુઓને સંકોચાવાની પ્રેરણા આપે છે અને મળવૃત્તિ સાફ લાવે છે.
૨. ઘા પડવાથી લોહી બહાર વહેતું હોય ત્યારે તેને ગંઠાવામાં લીવર મદદ કરે છે. લીવરમાંથી ફાઇબ્રિનોજન અને પ્રોથ્રોમ્બિન બને છે. આ બન્ને પ્રોત લોહી ગંઠાવવાની ક્રિયા માટે ખૂબ મહત્ત્વનાં છે.
૩. લીવરના શરીરના પોષણમાં મહત્વનો ફાળો આપે છે. તે લોહીમાં રહેલા પ્રોત એલ્બ્યુમિનનું ઉત્પાદન કરે છે અને શરીરનાં અંગોને જરૂર મુજબ ગ્લુકોઝ પૂરું પાડે છે. નાના આંતરડામાં શોષાયેલી ગ્લુકોઝ સાકર ઉદરશિરા દ્વારા યકૃતમાં આવે છે. યકૃત તેમાંથી ગ્લાઇકોઝન બનાવીને સંઘરી રાખે છે. શરીરમાં ગરમી શક્તિની જરૂર પડે ત્યારે તે ગ્લાઇકોઝનમાંથી ફરી ગ્લુકોઝ બનાવી લોહી મારફતે શરીરના ભાગોમાં પહોંચાડે છે. ત્યાં ગ્લુકોઝનું દહન થવાથી ગરમી પેદા થાય છે અને શક્તિ મળે છે. વળી તે ચરબીની મોટા પ્રમાણમાં ઊથલપાથલ કરે છેે. તેમાં આવેલી ચરબી રૂપાંતર પામીને શરીરના જુદા જુદા ભાગમાં જાય છે અને ત્યાં જમા થાય છે.
૪. શરીરના કોષ ઘસાઈ જાય ત્યારે તેમાંના કેટલાંક નત્રલ પદાર્થો ઘસડાઈને યકૃતમાં આવે છે. યકૃત તેમાંથી યુરિક એસિડ અને યુરિયા બનાવે છે, જે ચામડી અને મૂત્રપિંડોની મદદથી શરીરની બહાર કઢાય છે.
૫. શરીરમાં રોગનું વિષ પેદા થાય તો તેનો સામનો કરવા યકૃત પ્રતિવિષ ( એન્ટીબોડીઝ) ઉત્પન્ન કરે છે.
૬. યકૃતમાં કોઈ ઝેરી પદાર્થ આવે તો ત્યાં તેનું શોષણ થાય છે. આથી આખા શરીરમાં ઝેર ફેલાતું અટકે છે. યકૃતમાં ઉત્પન્ન થતાં કેટલાંક દ્રવ્યો ઝેરની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી તેની અસર નાબૂદ કરે છે. આ રીતે કેટલાંક ઝેરના સદંતર નાશ થાય છે. બીજા કેટલાંકનો તે સંગ્રહ કરે છે અને શરીર સહન કરી શકે તેટલા પ્રમાણમાં ધીમે ધીમે શરીરમાં છોડે છે. શંકાસ્પદ સ્થિતિમાં કોઈ માનવીનું મરણ નીપજતું હોય તો તેની મરણોતર તપાસ (પોસ્ટમોર્ટમ)માં લીવર ખાસ તપાસવામાં આવે છે. (ક્રમશઃ)