મ્યુઝિક-લવર મનોરંજન સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરતો નથી!

0
746

દરેક મોટા શહેરમાં મ્યુઝિક લવર્સ માટેની કેટલીક ક્લબો ચાલતી હોય છે અને એમાં વિવિધ સિંગર આર્ટિસ્ટ્સ દ્વારા જૂનાં-નવાં ફિલ્મી ગીતો ગવાતાં હોય છે. મ્યુઝિક લવર્સ માટે અને સિંગર આર્ટિસ્ટ માટે આ બહુ સારો ઉપક્રમ છે. એ દ્વારા માત્ર મનોરંજન નથી મળતું, પરંતુ એક કલ્ચરલ આબોહવા એમાંથી પ્રગટતી હોય છે.
હું અમદાવાદમાં રહું છું અને આવી કેટલીક મ્યુઝિકલ ક્લબોમાં મેમ્બરશિપ લઈ ચૂક્યો છું. મારા અનુભવને આધારે મારે એક વાત અહીં રજૂ કરવી છે. મોટા ભાગની મ્યુઝિક ક્લબો જૂનાં અને નવાં ગીતોની ભેળસેળ એવી અણઘડ રીતે કરી નાખે છે કે પ્રેક્ષકોને ત્રાસ થઈ જાય! ક્યારેક એવા પ્રોગ્રામ્સ રજૂ થતા હોય છે કે જેમાં કોઈ એક જ સંગીતકારનાં ગીતો હોય અથવા એક જ ગાયક કલાકારે ગાયેલાં ગીતોની પસંદગી કરવામાં આવી હોય, પરંતુ એમાં પસંદગી કરનાર જો વિવેક ન રાખી શકે તો સમગ્ર કાર્યક્રમને ડહોળી નાખે છે.
ફિલ્મી ગીતોના પ્રેમીઓમાં મોટા ભાગે બે પ્રકારના પ્રેક્ષકો હોય છેઃ 1. ઓલ્ડ સોંગ લવર્સ, 2. ન્યુ સોંગ લવર્સ
સપોઝ, મને ઓલ્ડ સોંગ્સ ગમતાં હશે તો નવાં ગીતોમાં ભાગ્યે જ મારી રુચિ જોડાશે. એ જ રીતે જેમને નવાં જ ગીતો પસંદ હશે, તેમને જૂનાં ગીતો કંટાળાજનક લાગશે.
મ્યુઝિક ક્લબના ઓર્ગેનાઇઝર્સ આ વાતને ધ્યાનમાં લઈ શકતા નથી અને તેઓ વ્યાવસાયિક રીતે એમ વિચારે છે કે અમારા દરેક પ્રોગ્રામમાં થોડાંક નવાં ગીતો પણ હશે અને થોડાંક જૂનાં ગીતો પણ હશે. એટલે ઓડિયન્સમાં બેઠેલા લોકોને તેમની પસંદગીનાં ગીતો સાંભળવા મળશે અને તેમને ભરપૂર મનોરંજન મળશે; પરંતુ આ આર્ગ્યુમેન્ટ તદ્દન ખોટી છે. તમે ભલે એમ વિચારતા હો કે ઓડિયન્સ એટલે એક સમૂહ, પરંતુ એ ન ભૂલશો કે સમૂહની અંદર એક શ્રોતા બેઠેલો છે અને દરેક શ્રોતાની વ્યક્તિગત પસંદગી હોય છે. એટલે રિઝલ્ટ એ આવે છે કે જ્યારે પ્રોગ્રામ પૂરો થાય છે ત્યારે ઓડિયન્સ બહાર નીકળતી વખતે એમ કહે છે કે આમાં પાંચ-સાત ગીતો સારાં હતાં, બાકીનાં ગીતો વાહિયાત હતાં. એ શ્રોતા જો સમજદાર નહિ હોય તો એમ જ વિચારશે કે આયોજકે દરેક શ્રોતાનો ખ્યાલ રાખવાનો હોય એટલે મને ન ગમતાં હોય એવાં ગીતો પણ આવા જાહેર કાર્યક્રમમાં તો મારે સાંભળવાં જ પડેને! એ સહેજ ઉદારતાથી પોતાની રુચિને કંટ્રોલ કરીને વ્યાવહારિકતા દાખવે છે, પરંતુ એ કારણે એને સંતોષ નથી મળતો, માત્ર સમાધાન મળે છે.
મારે એમ કહેવું છે કે દરેક મ્યુઝિક ક્લબના આયોજકો પોતે પોતાનો એક પક્ષ નક્કી કરી રાખે. જેમ કે અમે માત્ર ઓલ્ડ સોંગ્સ રજૂ કરીશું અથવા અમે માત્ર નવાં ગીતો જ રજૂ કરીશું, તો પ્રેક્ષકો એમાં પોતાની પસંદગીથી જોડાશે અને કાર્યક્રમને ખૂબ એન્જોય પણ કરી શકશે. વિવિધ શહેરોમાં ચાલતી એવી અનેક કલબો વિશે હું જાણું છું કે જેઓ માત્ર ઓલ્ડ સોંગ્સ રજૂ કરે છે અને તેમની ક્લબમાં માત્ર એવા જ મેમ્બર્સ એટલે કે ઓલ્ડ સોંગ લવર્સ જ જોડાતા હોય છે. એનું રિઝલ્ટ એ આવે છે કે આ ઓડિયન્સને ક્યારેય અસંતોષ થતો નથી, એમણે ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવું પડતું નથી. કેટલાક ક્લબ-આયોજકો માત્ર નવાં ગીતો માટે જ ક્લબ ચલાવતા હોય છે અને એમની પાસે એવા જ મેમ્બર્સ હોય છે. એટલે એવી ક્લબના કાર્યક્રમો પણ મોટા ભાગે સક્સેસફુલ જ રહેતા હોય છે. એનું કારણ એ છે કે ઓડિયન્સ જ્યારે હોલમાં પ્રવેશે છે ત્યારે એને પોતાની જ પસંદગીનાં ગીતો સાંભળવા મળશે એવી ખાતરી હોય છે. એટલે પોતે છેતરાયો હોય એવું પણ એને નથી લાગતું અને એણે મનોરંજનની બાબતમાં સહેજ પણ કોમ્પ્રોમાઇઝ પણ નથી કરવું પડતું. આયોજકો પણ સ્પષ્ટ છે અને મેમ્બર્સ પણ સ્પષ્ટ છે. બન્નેની એક જ દિશા છે. અમદાવાદમાં ગ્રામોફોન ક્લબ ચાલે છે અને એમાં માત્ર ઓલ્ડ સોંગ્સ રજૂ કરવામાં આવે છે. એનું આયોજન એટલું વિશિષ્ટ હોય છે અને એનું એનાઉન્સમેન્ટ એવું રસપ્રદ તેમ જ પાવરફુલ હોય છે કે ઓડિયન્સ મુગ્ધ થઈ જાય! ક્યારેક તો આ મ્યુઝિક ક્લબમાં દાખલ થવા માટે મેમ્બરશિપ મળતી નથી! કોઈ મેમ્બરને સંજોગવશાત્ જો કોઈ એક પ્રોગ્રામ મિસ કરવાનો થાય તો એને ભારે અફસોસ થતો હોય છે. એનો આ અફસોસ એને પછીના વર્ષે ફરીથી મેમ્બરશિપ લેવા મજબૂર કરી મૂકે છે. દરેક ક્લબના આયોજકે આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. આયોજકોએ બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે તમે દરેક વખતે દરેક શ્રોતાને ખુશ નહિ કરી શકો. એટલે તમે ઓડિયન્સ જ એવું પસંદ કરો કે જેથી એ નારાજ કે નાખુશ ન થાય. મેમ્બરશિપ આપતી વખતે જ તમારો એજન્ડા સ્પષ્ટ હોય તો આ થઈ શકે. જે આયોજકો જૂનાં અને નવાં ગીતોની ભેળસેળ કરે છે એટલે કે દહીં – દૂધમાં પગ રાખવાની કોશિશ કરે છે, એમની ક્લબો ઝાઝી સધ્ધર રીતે નથી ચાલતી. મોટા ભાગે મેમ્બર્સ મેળવવા એમણે કાલાવાલા કરવા પડતા હોય છે. દર વર્ષે નવા મેમ્બર શોધવા નીકળવું જ પડતું હોય છે. મ્યુઝિક ક્લબના આયોજકોએ આ વાત સ્પષ્ટપણે સ્વીકારી લેવી જોઈએ કે જો એક વર્ષ પૂરું થયા પછી મેમ્બર્સ ઘટી જાય તો પોતે મેમ્બર્સની રુચિ પસંદ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
ક્યારેક તો આયોજકો કોઈ એક જ સંગીતકાર કે એક જ ગાયક કલાકારનાં ગીતોનો આખો કાર્યક્રમ તૈયાર કરતા હોય છે અને એમાં પણ ગીતોની પસંદગી કરવામાં તેઓ માર ખાઈ જતા હોય છે. એ જ સંગીતકાર અથવા એ જ ગાયક કલાકારે ગાયેલાં અનેક લોકપ્રિય અને ગુણવત્તાસભર ગીતો છોડીને કંઈક નવાં કે અજાણ્યાં ગીતો રજૂ કરવાની મથામણમાં તેઓ આખા કાર્યક્રમને ડહોળી નાખે છે અને એ કારણેય ઓડિયન્સ નારાજ થઈ જતું હોય છે. ત્રણ કલાકના સમગ્ર કાર્યક્રમમાં ત્રણેક ગીતો અજાણ્યાં કે અપરિચિત હોય તો ઓડિયન્સ સહન કરી શકે, પણ એવાં જ ગીતોની હારમાળા રજૂ કરવામાં આવે તો ઓડિયન્સ કંટાળી જાય તેમાં કોઈ શંકા નથી.
મારો મુદ્દો હું અહીં ફરીથી સ્પષ્ટ કરી દઉં કે આયોજકે માત્ર ઓડિયન્સના સમૂહને ધ્યાનમાં નથી રાખવાનું. એણે એમ વિચારવાનું હોય છે કે ઓડિયન્સમાં બેઠેલી દરેક વ્યક્તિની પસંદગી ખાસ અને ચોક્કસ હોય છે. તમે એને મેમ્બર બનાવતાં પહેલાં તમારું આયોજન સ્પષ્ટ કરી દેશો તો મેમ્બર પોતાની મરજીથી જોડાશે અને પાછળથી તેણે નારાજ નહિ થવું પડે. પોતે છેતરાયો છે એવું એને ફીલ નહિ થાય.
ગીત-સંગીતની રંગોળી બહુ અનોખી છે. એમાંથી કોઈને અમુક રંગ ગમતો હશે તો કોઈને બીજો રંગ
ગમતો હશે. જનરલી એવું બનતું હોય છે કે જેમને ઓલ્ડ સોંગ્સ ગમતાં હોય છે એમને કર્ણપ્રિય સંગીત, અર્થસભર શબ્દાવલિ અને સહજ કંઠની ગાયકી ગમતી હોય છે. તેમની સમક્ષ તમે નવાં ધમાલિયાં અને ઘોંઘાટિયાં વેસ્ટર્ન મ્યુઝિકનાં ગીતો રજૂ કરશો તો તેમને તે અસહ્ય થઈ પડશે. એમાંય પાછું મેં તો ખાસ અનુભવ્યું છે કે આવાં નવ઼ાં અને ધમાલિયાં ગીતો ગાનાર આર્ટિસ્ટ પોતાની જાતને રોકસ્ટાર સમજતો હોય છે અને સ્ટેજ પર એ રીતે પર્ફોર્મ કરતો હોય છે કે આપણને એ જોઈને તીવ્ર સૂગ ચડે અને હોલમાંથી બહાર નીકળી જવાનું ઝનૂન ઊપડે! કેટલીક મ્યુઝિક ક્લબના આયોજનમાં એનાઉન્સમેન્ટને પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. એનાઉન્સર ગંભીર પણ હોય, રમૂજી પણ હોય અને માહિતીસભર વિગતોથી સંપૂર્ણ પરિચિત હોય એ જરૂરી છે. જો એ નવી નવી માહિતી રજૂ કરશે, સંશોધન કરીને કશુંક નવું જાણવાનું પીરસશે તો કાર્યક્રમ રસપ્રદ બની રહેશે. મ્યુઝિક ક્લબના કાર્યક્રમો માત્ર સારા ગાયકો કે સારા સંગીતકારોથી જ નથી ચાલતા. એનો ઘણોખરો ભાર એનાઉન્સરના ખભા પર પણ હોય છે – આ વાત આયોજકોએ યાદ રાખવી જોઈએ. કોઈ પણ મ્યુઝિક લવર પૈસા ખર્ચીને કંટાળો ખરીદવાનું પસંદ નથી કરતો, એ મનોરંજન સાથે કોમ્પ્રોમાઇઝ ક્યારેય નહિ કરે.
લેખક ચિંતક અને સાહિત્યકાર છે.