મ્યુઝિકલ રિયલિટી શો ‘ધ રિમિક્સ’નું એમેઝોન પ્રાઇમ પર પ્રસારણ

ન્યુ યોર્કઃ એમેઝોન પ્રાઇમ પર મ્યુઝિકલ રિયલિટી શો ‘ધ રિમિકસ’નું પ્રસારણ થશે. ભારતનો ત્રીજો ઓરિજિનલ એમેઝોન પ્રાઇમ શો ધ રિમિકસ નવમી માર્ચથી શરૂ થશે, જેના દસ એપિસોડ હશે. આ શોમાં ભારતીય અને પાશ્ચાત્ય સંગીતનો સમન્વય હશે અને ગાયકો અને ડીજે ભાગ લેશે. સ્પર્ધકોએ બોલીવુડનાં લોકપ્રિય ગીતોનું પુનઃ સર્જન કરવું પડશે. આ સ્પર્ધાનાં નિર્ણાયકો તરીકે સુનિધિ ચૌહાણ, અમિત ત્રિવેદી અને ન્યુકિલયા સાથે હોસ્ટ કરન ટેકર છે.

આ શોનું ટ્રેલર 21મી ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વિડિયો ઇન્ડિયા પર રજૂ થયું હતું અને તેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
ધ રિમિક્સના ડિરેક્ટર વિજય સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આ શો ભારતીયો સંગીતનાં જે બે પાસાંને પ્રેમ કરે છે તે બોલીવુડ મ્યુઝિક અને રિયલિટી ટીવીનો સમન્વય છે, જે ઘરેલુ દર્શકો સુધી પહોંચે તેવી આશા છે.
ન્યુકિલયાએ જણાવ્યું હતું કે બોલીવુડ, ખાસ કરીને રિમિક્સ મ્યુઝિકને પૂરતી સર્જનાત્મક સ્વતંત્રતા આપવામાં આવી નથી, ત્યારે આ શો આ સ્વતંત્રતા આપે છે.

સુનિધિ ચૌહાણે કહ્યું હતું કે ધ રિમિક્સમાં કોઈ પણ દર્શકો વોટિંગ કરવાના નથી. કોઈ પણ ડ્રામા હશે નહિ. શો ફક્ત પ્યોર એન્ટરટેઇનમેન્ટ અને મ્યુઝિક પર જ કેન્દ્રિત હશે.
ધ રિમિક્સ નવમી માર્ચથી એમેઝોન પ્રાઇમ વિડિયો પર દર અઠવાડિયે રજૂ થશે. વિજેતાને રૂ. 50 લાખ મળશે.