મ્યાનમારમાં ચીનને સૌથી વધુ નુકસાન, ૩૨ ફેક્ટરીઓમાં પ્રદર્શનકારીઓએ લગાવી આગ

 

રંગૂનઃ મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટનું સમર્થન કરવું હવે ચીનને ભારે પડી રહ્યું છે. લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર મ્યાનમારની ક્રૂર સેનાનો બચાવ કરવા પર પોતાનો ગુસ્સો ચીની ફેક્ટરીઓ પર કાઢ્યો છે. મ્યાનમારના સૌથી મોટા શહેર રંગૂનમાં ચીનના રોકાણવાળી ૩૨ ફેક્ટરીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓએ આ ફેક્ટરીઓમાં ન માત્ર આગ લગાવી, પરંતુ ઘણાએ લૂંટી લીધી છે. હકીકતમાં મ્યાનમારમાં તખ્તાપલટની પાછળ ચીનનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મ્યાનમારમાં સ્થિત ચીની દૂતાવાસ અનુસાર, યંગૂનમાં ચીની રોકાણવાળી કુલ ૩૨ ફેક્ટરીઓ પર હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલામાં ૩૬ મિલિયન ડોલર (૨૬૧ કરોડથી વધુ) રૂપિયાનું નુકસાન થયું છે. આ હુમલામાં ફેક્ટરીઓમાં કામ કરનાર બે ચીની નાગરિક ઈજાગ્રસ્ત થયા છે. તો ચીની વિદેશ મંત્રાલયે ચીનની ફેક્ટરીઓ પર થઈ રહેલા હુમલા રોકવા અને ચીની કર્મચારીઓ અને ઉધમોની સુરક્ષા નક્કી કરવા માટે મ્યાનમારની સેના સાથે વાત કરી છે. ચીને હુમલો કરનાર પ્રદર્શનકારીઓને દંડિત કરવાનું પણ કહ્યું છે. ચીની સરકારના આ નિવેદન બાદ મ્યાનમારની સૈન્ય  સરકારે ફેક્ટરીઓ વાળા વિસ્તારમાં માર્શલ લો જાહેર કરી દીધો છે. આ તે વિસ્તાર છે જ્યાં રવિવારે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળોએ ૩૭થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મ્યાનમારના સામાન્ય લોકોએ ચીનના આ નિવેદનની ટીકા કરી છે. અહીંના લોકોમાં ચીન વિરુદ્ધ આક્રોશ દિવસે-દિવસે વધી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે કહ્યું કે, મ્યાનમારમાં એક ફેબ્રુઆરીએ થયેલા સૈન્ય તખ્તાપટલ બાદથી શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા ઓછામાં ઓછા ૧૩૮ લોકોના મોત થયા છે. વિશ્વ એકમના પ્રવક્તા સ્ટીફન દુજારિકે જણાવ્યુ કે, તેમાંથી ૩૮ લોકોના રવિવારે મોત થયા. તેમણે કહ્યું કે, યુએન મહાસચિવ એન્તોનિયો ગુતારેસ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો વિરુદ્ધ કરવામાં આવી રહેલી હિંસાની નિંદા કરે છે.