મ્યાંમારમાં એક વર્ષ સુધી લશ્કરની ઈમરજન્સીની જાહેરાત

 

નીપિતોઃ લશ્કરની માલિકી ધરાવતી મ્યાંમારની ટીવી ચેનલે જાહેરાત કરી હતી કે દેશભરમાં એક વર્ષ માટે કટોકટી લાગી ગઈ છે અને બંધારણનું રક્ષણ કરવા માટે આ પગલું ભરાયું છે. મીડિયાના દાવા પ્રમાણે મ્યાંમાર લશ્કરે રાતોરાત બળવો કરીને સત્તા હાથમાં લઇ લીધી છે. શાસક આંગ સાન સૂકી, રાષ્ટ્રપતિ વિન મીયન્ટ સહિતના ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.
લશ્કરનો કાબૂ ધરાવતી ટીવી ચેનલે અહેવાલમાં કહ્યું હતું કે બંધારણનું રક્ષણ કરવા, બંધારણની જોગવાઈ પ્રમાણે જ સૈન્યએ સત્તા હાથમાં લીધી છે. એમાં કોઇ જ નિયમ તોડ્યો ન હોવાનો પણ દાવો થયો હતો. ઉપ રાષ્ટ્રપતિ યુમિન્ટ સ્વીને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવાયા હતા.
લશ્કરના વડા મિન આંગ લાઈગે સત્તાનું સુકાન હાથમાં લીધું હતું. મ્યાંમારમાં લશ્કરી બળવો થયો તે સાથે જ એક વર્ષ માટે સૈન્યએ કટોકટી લાગુ કરી દીધી હતી. પાટનગર નીપિતો સહિતના તમામ શહેરોમાં અને મુખ્ય હાઈવેમાં સૈન્યના ધાડા ઉતાર્યા હતા અને ચાંપતો પહેરો ગોઠવી દેવાયો હતો. એટલું જ નહિ, ફોન અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
લશ્કરી બળવા પાછળ છેલ્લી ચૂંટણીમાં થયેલી ગેરરીતિ જવાબદાર ગણવામાં આવી છે. લશ્કરી અધિકારીઓ અને આંગ સાન સૂકીની સરકાર વચ્ચે એ મુદ્દે ઘણાં વખતથી મતભેદ ચાલતો હતો. સૈન્યના વડા મિન આંગ લાઈંગ અને આંગ સાન સૂકીની સરકાર વચ્ચે ઘણાં વખતથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. અગાઉ એવી અટકળો તીવ્ર હતી કે મ્યાંમારમાં લશ્કરી બળવો થશે, પરંતુ એ વાતનો રદિયો ખુદ લશ્કરે જ સત્તાવાર રીતે આપ્યો હતો. લશ્કરે દરિયો આપ્યાની ગણતરીના કલાકોમાં જ આખા મ્યાંમાર પર લશ્કરી કબજો કરી લેવાયો હતો. મ્યાંમારમાં લાંબાં નાગરિક સંઘર્ષ પછી લોકશાહીનું સ્થાપન થયું હતું. વર્ષો સુધી લશ્કરી શાસન કહ્યું હતુ અને તેની સામે આંગ સાન સૂકીએ લાંબી લડત ચલાવી હતી. આંગ સાન સૂકીની લાંબી અને અહિંસક ચળવળે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું. આંગ સાન સૂકીની લોકશાહી મૂલ્યોની લડત માટે શાંતિનું નોબેલ પારિપતોષિક પણ એનાયત થયું હતું.