મોહનીશ બહલની દીકરી પ્રનૂતનને લોન્ચ કરશે સલમાન

સલમાન ખાન બોલીવુડમાં અનેક નવા ચહેરાઓને તક આપે છે એ સૌકોઈ જાણે છે, એથી જ હવે સલમાને નૂતનની પૌત્રી અને મોહનીશ બહલની દીકરી પ્રનૂતનને લાૅન્ચ કરવાની જાહેરાત કરી છે.
સલમાન આ અગાઉ સોનાક્ષી સિંહા, સૂરજ પંચોલી, ડેઝી શાહ, જેક્લીન ફરનાન્ડિસ, અથિયા શેટ્ટી, વરીના હુસેન અને પોતાના બનેવી આયુષ શર્માને પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લઈને આવ્યો છે. સલમાન ખાન ફિલ્મ્સ અને ડિરેક્ટર નીતિન કક્કડની આ ફિલ્મમાં પ્રનૂતનની સાથે જ સલમાન પોતાના મિત્રના દીકરા ઝહીર ઇકબાલ (‘ઝહીરો’)ને પણ લોન્ચ કરશે. પ્રનૂતનનો ફોટો શેર કરીને સલમાન ખાને લખ્યું હતું કે ‘ઝહીરોની હિરોઇન મળી ગઈ. નૂતનજીની પૌત્રી અને મોહનીશ બહલની દીકરી પ્રનૂતનને ઇન્ટ્રોડ્યુસ કરતાં હું ગર્વ અનુભવું છું. વેલ કમ પ્રનૂતન!
સલમાન ખાન અને મોહનીશ બહલ બન્ને ખાસ મિત્રો છે. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે પ્રનૂતન બોલીવુડમાં પ્રવેશ કરવાની છે. સલમાને આવી ચર્ચાને વાસ્તવિકતામાં બદલી નાખી છે. પ્રનૂતન બહલે કહ્યું હતું કે હું ખૂબ ભાવુક થઈ હતી, જ્યારે મને જાણ થઈ કે સલમાન સર મને લોન્ચ કરવાના છે. હું મારાં મમ્મી-પપ્પા અને બહેનને ભેટી પડી હતી. એ ક્ષણને હું હંમેશાં જાળવીને રાખીશ. પ્રનૂતનને પહેલેથી જ ફિલ્મો પ્રત્યે ખાસ્સો લગાવ રહ્યો છે. પ્રનૂતન કહે છે કેઃ હું પહેલેથી જ જાણતી હતી કે ફિલ્મોમાં મારે પ્રવેશ કરવાનો છે, પરંતુ સાથે જ ભણતર પૂરું કરવું એ પણ વધુ અગત્યનું છે.
ઝહીરે સોશ્યલ મિડિયા પર પ્રનૂતનને આવકારતાં લખ્યું કે યુ આર ધ બેસ્ટ કો-સ્ટાર આઇ હેવ… વેલકમ પ્રનૂતન.