‘મોહનથી મોહન સુધી’ ઓડિસી નૃત્યનાટિકામાં ગાંધીજીનું સત્ય અને કૃષ્ણની કરુણા


અમદાવાદઃ લલિતકલા કેન્દ્રના ઉપક્રમે યોજાયેલા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના એક વિશિષ્ટ કાર્યક્રમમાં ઓડિસી નૃત્યકાર સુપ્રભા મિશ્રા અને તેમના સાથી કલાકારોએ સાહિત્યકાર દિનકર જોશીની ‘ચક્રથી ચરખા સુધી’ નામની નવલકથા પર ‘મોહનથી મોહન સુધી’ નામની નૃત્યનાટિકા રજૂ કરી હતી. આ ઓડિસી નૃત્યનાટિકા દર્શનતત્ત્વ પર આધારિત છે.
ઓડિસી નૃત્યનાટિકામાં મહાત્મા ગાંધી અને ભગવાન શ્રીકૃષ્ણની ત્રણ બાબતોની સામ્યતાનું વર્ણન ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સુપ્રભા મિશ્રા અને તેમના સાથી કલાકારોએ કૃષ્ણનો ધર્મ અને ગાંધીજીનું સત્ય, કૃષ્ણની કરુણા અને ગાંધીજીનો પ્રેમ, કૃષ્ણનું ધર્મયુદ્ધ અને ગાંધીજીની અહિંસાની પ્રસ્તુતિ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુનના વિષાદયોગ માટેનું તેમ જ અધ્યાય અગિયારથી અર્જુનને કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણ વિશ્વરૂપદર્શન કરાવે છે તેની પ્રસ્તુતિ ઓડિસી નૃત્યમાં જોવા મળી હતી. પંચતત્ત્વ સ્તુતિમાં જળ, આકાશ, વાયુ, અગ્નિ અને પૃથ્વીને નૃત્યનાટિકામાં પણ વણી લીધાં હતાં.
કૃષ્ણ ભગવાન રાધા સાથે રાસની રમઝટ, દ્રૌપદીના વસ્ત્રહરણના કરુણરસ, વિષ્ટિકર્મ તેમ જ રાધાકૃષ્ણના શૃંગારરસનું રસપાન ઓડિસી નૃત્યનાટિકાથી કરાયું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધીનું જીવન, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નાટક, ચૌરી-ચૌરા, સત્યાગ્રહ, પોલીસ સ્ટેશન, વિદેશી વસ્ત્રોની હોળી અને ગાંધીજીના અનશનની વાતને પણ તેમણે નૃત્યનાટિકામાં સરસ રીતે વણી લીધી હતી.
નાટ્ય પ્રસ્તુતિના અંતે સાબરમતી આશ્રમ, ગાંધીજીને પ્રિય એવું વૈષ્ણવજન તો તેને કહીએ, ગાંધીજીનાં અગિયાર વ્રત, ઉમાશંકર જોશીની કવિતા અને છેલ્લે ‘યદા યદા હી ધર્મસ્ય’ શ્લોકથી નાટ્ય પ્રસ્તુતિ પૂર્ણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં સાહિત્યકાર દિનકર જોશી ઉપસ્થિત રહ્યા હતા.