મોસમનો પ્રથમ વરસાદ લાવ્યો ખેતરાઉ શબ્દો

0
1249

(ગતાંકથી ચાલુ)
વિશાળ ધરતી પરથી ઊંચે નજર કરીએ ત્યારે જોવા મળતો વિરાટ આકાશી ચંદરવો! એનાથી ચડિયાતું કોઈ મંદિર હજી સર્જાયું નથી. આજે વહેલી સવારે કૌતુક જોયું. ચાલવાનું શરૂ થાય તે પહેલાં મોસમના પહેલા વરસાદના છાંટા ઓસરીની ટાઇલ્સ પર પડેલા હતા. પંખીઓ મૂડમાં આવી જાય એવી ઠંડક હતી. કલરવ શરૂ થાય તે પહેલાં રોજ એક પંખી અન્ય સૌને ધીમા અવાજે સંદેશો પાઠવતું હોય છેઃ હું જાગી ગયું અને તમે લોકો તૈયાર હો તો સિમ્ફની શરૂ કરીએ! સામેથી અચૂક પ્રતિભાવ મળે છેઃ થઈ જાય ત્યારે, હવે તાલ સે શરૂ!
નવી જ જિંદગી!
કલરવ અને ઉગમણી રતાશ!
ધજાઓ હોત નહિ,
તો સવાર પૂરતી હતી!

ધર્મ પવન છે,
ઉકરડા પર પણ વહી જાણે છે!

સાધુબાવા, પીર વધતા જાય છે,
ઝાંઝવાનાં નીર વધતાં જાય છે!

જેવો છું એવો,
લોકોને સમજાયેલો રહું,
બંધાઉ ક્યાંય નહિ,
બધે જોડાયેલો રહું!
કવિ શોભિત દેસાઈએ ફોન પર સંભળાવેલી પંક્તિઓનો મેળ શરીર પર પડતા વરસાદના છાંટા સાથે એવો પડી ગયો કે સવાર સુધરી ગઈ! આવે વખતે આપણને ખબર પણ ન પડે એમ આપણી સ્ફૂર્તિ વધી જાય છે અને ચાલ ચેતનવંતી બની જાય છે. ઘડપણને છેટું રાખવાના ઘણા ઉપાયો છે. એક ઉપાય છેઃ કવિતાથી છેટા ન રહેવું. બીજો ઉપાય છેઃ આકાશથી છેટા ન રહેવું. ત્રીજો ઉપાય છેઃ વિચારથી છેટા ન રહેવું. ચોથો ઉપાય છેઃ પ્રેમથી છેટા ન રહેવું. પાંચમો ઉપાય છેઃ આનંદથી છેટા ન રહેવું. છેલ્લો ઉપાય છેઃ પરમેશ્વરથી બહુ છેટા ન હોવું! બધા અધ્યાત્મનો આ સાર છે.
મનનું પૂછવું શું? છાંટા પડ્યા વડોદરામાં અને મન પહોંચી ગયું રાંદેરની સીમમાં! જે ખેતર પર ક્યારેક ચીપિયા વડે કરસાંઠી ઊખડી હતી, તે ખેતર પર આજકાલ ઊંચાઊંચા બહુમાળી ફ્લેટ્સ (શરણમ્) બંધાઈ ચૂક્યા છે. ખેતરના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. ખેતર, ખેતી અને ખેડૂત સાથે જોડાયેલા કેટલાક શબ્દો હવે કેવળ શબ્દકોશમાં જ રહી જવા પામ્યા છે. એ ખેતરાઉ શબ્દો બોલનારી સમજનારી એક આખી પેઢી પોઢી જવાની અણી પર છે. થોડાક શબ્દો વરસાદના છાંટા સાથે આવી પહોંચ્યા. સાંભળોઃ
સીધવો… ગાડું ઊલળે નહિ તે માટે પાછળ મૂકવાનો ટેકો.
ઉલાળ… ગાડાના પાછલા ભાગમાં વજન વધારે હોવું તે.
ધરાળ… ગાડામાં ધૂંસરી આગળ વધારે ભાર હોવાપણું, વેતર-એક વારનું જણતર (ઢોરની પ્રસૂતિ). કોદું-ઘરડી ભેંસ.
ઊગટ… ગાડાનાં પૈડાં પાછળ મૂકવાનું અટકણ.
કોઢ… ઢોરને બાંધવાની જગ્યા.
ગમાણ… ગાયભેંસ માટે આડું પાટિયું ગોઠવીને ઘાસ કે દાણ ખાવાની જગા
માફો… (વરરાજાનો) રથ.
વાસીદું… ઢોરનું છાણમૂતર સાફ કરવાનું કર્મ.
કળશિયો… લોટો.
છીંડું… વાડમાં પડેલું ગાબડું.
ચાસ… ઓરણી થાય ત્યારે ખેતરમાં રચાતો લાંબો આંબો.
કળબ… મોટી રાંપડી.
ગીહલું… કળબ પર માણસ ઊભો રહી જાય તેવી રચના.
સાંઠો… શેરડીનો કે જુવાર-બાજરીનો દાંડો જેના પર કણસલું લટકે.
ઉબાણ… કાટખૂણે શેઢે શેઢે જવાને બદલે (કર્ણ પર) સીધા જઈને અંતર ટૂંકું કરવાની યુક્તિ (પાયથાગોરસનો થિયેરમ શોધાયો તે પહેલાં અમલમાં આવેલી અંતર ઘટાડવાની ગામઠી યુક્તિ.)
ગામડાના લોકો વાતવાતમાં બોલે તેવા શબ્દો આજે ઝટપટ અલોપ થતા જાય છે. થોડાક શબ્દો આ રહ્યાઃ
લેણાખત, પરભારું, સપાડું, વાંઢો, ફાળકો, પોતિયું, દૂઝણું, ધુપેલિયું, ધૂપિયું, ચાંદરણું, મોંસૂઝણું, કચકડું, પરનાળ, નીંભાડો, નૂગરું, મોઇદંડા, મોકાણ, મુઝારો, ધીંગાણું, ઘાણી, ખોડીબારું, ભાલો, ભાંજઘડ, ઘડભાંજ, ઘવડવું, ખોળ, ભાડભૂંજો, પનો, ધારિયું, પીંજણ, પીંજામણ, બેદું, નરાજ, નમ્મણ, દોણી, કાખબિલાડી, કાચકો, ચોરાટિયું, ચોભેટો, ડાગળી, કાછિયો, કાછડી, ગભાણ, નેવાં ઇત્યાદિ.
યુગે યુગે જૂના શબ્દો કાળક્રમે લુપ્ત થાય અને નવા શબ્દો ચલણમાં આવે તેમાં અફસોસ કરવા જેવું નથી. વિષ્ણુગુપ્ત ચાણક્યના જમાનામાં કંટકશોધન શબ્દ પ્રયોજાતો, જેનો અર્થ હતોઃ સપ્રેશન ઓફ ક્રિમિનલ્સ. આતંકવાદના સંદર્ભે આજે આ શબ્દ પ્રચલિત કરવા જેવો છે. જમાનો બદલાય તોય માણસ તેવો ને તેવો! ચાણક્યના જમાનામાં કસ્ટમ ઓફિસ માટે ધ્વજમૂલ શબ્દ હતો. માનશો? તે જમાનામાં છૂટાછેડા માટે શબ્દ હતોઃ મોક્ષ અને જાસૂસ માટે શબ્દ હતો ઃ અપસર્પ.
તળપદા શબ્દોનો અખૂટ ભંડાર સૌરાષ્ટ્રની ધરતી પાસે છે. માટીની સુગંધ જાળવી રાખનારા કેટલાક શબ્દો અત્યંત શ્રવણમધુર હોય છે. લોકબોલીમાં આખો ને આખો સહજ માણસ પ્રગટ થતો જણાય છે. એવી વાણીનું ખરબચડાપણું પણ સહજ હોય છે અને તેથી દોષમુક્ત હોય છે. અંતઃકરણ માટે કેવળ સૌરાષ્ટ્રમાં જ માંહ્યલો શબ્દ પ્રયોજાય છે. કલ્પના કરી જુઓ. આદરણીય લોકશિક્ષક મોરારીબાપુ સૌરાષ્ટ્રને બદલે ગુજરાતમાં જન્મ્યા હોત, તો આટલા જામત ખરા? કાઠિયાવાડી વાણીમાં જ એવું કશુંક સત્ત્વ છે, જેમાં સામા માણસના હૃદિયામાં પેસી જવાનું બળ છે. આદરણીય ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા પણ કાઠિયાવાડના છે. કથાકારોની વાણીમાં ઝવેરચંદ મેઘાણી સાવ સહજપણે ઠલવાયા કરે છે. આખી દુનિયામાં બધેબધ ફરો, તોય ક્યાંય તમને ભીખુદાન ગઢવી જમાવે તેવો ડાયરો જોવા-સાંભળવા નહિ મળે. આવા કોઈ પણ ડાયરામાં પ્રગટ થતી કાઠિયાવાડની ધરતીની જે સુગંધ છે તે અનન્ય છે. ખટમધુરો કાઠિયાવાડી લહેકો લાવવો ક્યાંથી? ડાયરામાં પ્રગટ થતો કસુંબલ રંગ લાવવો ક્યાંથી? ગુજરાતમાં કોઈ ગામે પાળિયા નથી અને સૌરાષ્ટ્રનું ભાગ્યે જ કોઈ ગામ પાળિયા વિનાનું હશે! દુનિયાને મહાત્મા ગાંધી તો સૌરાષ્ટ્ર જ આપી શકે! તેઓ છેલ્લો કટોરો પીએ, તોય હસતાં હસતાં!

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.