મોસમનો પ્રથમ વરસાદ લાવ્યો ખેતરાઉ શબ્દો

0
1157

(ગતાંકથી ચાલુ)
લોર્ડ ભીખુ પારેખ જ્ઞાતિએ સોની છે. તેઓ દમણિયા સોની સમાજમાં પ્રચલિત એવા શબ્દોના જાણકાર છે. માનશો? એમણે પોતાના સમાજમાં પ્રચલિત એવા શબ્દોની લાંબી યાદી મને આપી રાખી છે. આવા કેટલાક જ્ઞાતિમૂલક અને વળી પ્રદેશમૂલક શબ્દોનો વૈભવ લુપ્ત થવાને આરે છે. ભીખુભાઈએ પોતાના પિતા અને અન્ય વડીલો ઘડામણ માટે આવેલા ગ્રાહકો બિલકુલ ન સમજી શકે એવી સાંકેતિક ભાષાના કેટલાક શબ્દો બોલી બતાવ્યા હતા. અત્યારે આવા (જ્ઞાતિમૂલક) શબ્દોની લાંબી યાદી મારા હાથમાં છે. માત્ર થોડાક જ શબ્દો સાંભળોઃ
કુહડી… બ્રાહ્મણ સ્ત્રી
ખેરો… ડોસો
હૂતરો… સારો માણસ
શીખડા… સોની
રેણકી… ઘાંચણ
કીણો… દૂબળો
કનારિયા… કાન
મથારિયું… માથું
પીઠણ… લૂગડાં
લોડ… લગ્ન
બુલાડા… વાતચીત
લખોટવું… ઉમેરવું
બેડ… વધારે
બેડંબેડ…. ઘણું બધું
કહલી… લોટી
ઓખ… ઓછું
લીખડી… દારૂ
ઉઠાણવું…. ચોરવું
ટોલ્લી… જવાર
કસારિયો… લોટ
મૂળ ઉબાળકો… પાંચ રૂપિયા
કણીદો… 100 રૂપિયા.
વરસાદ ન પડ્યો, પણ છાંટા પડ્યા. મનને ધરવ ન થયો, પણ ટાઢક વળી. કપડાં ન પલળ્યાં, પણ ઠંડક આપનારાં થયાં. તરસ ન છીપી, પરંતુ શાંતિનો અનુભવ થયો. અનાજનો વેપારી હથેળીમાં દહેરાદૂન બાસમતીના ચોખા ગ્રાહકને બતાવે તે રીતે વાદળે થોડાક છાંટા વેર્યા! ભલે ને છાંટા, પરંતુ મોસમના પહેલા છાંટા! પંખીના કલરવની શરૂઆત એક પક્ષી કરે, તેમ સહસ્રધારાની શરૂઆત હવે થશે એવા વાવડ તો મળ્યા! એવા વરસાદી વાવડનું અભિવાદન છે. એ વાવડ સાથે તણાઈ આવેલી ઝેન કવિતા ઉપનિષદીય ઊંચાઈ ધરાવનારી છેઃ
તલવાર કાપી શકે, પરંતુ
તે પોતાને કાપી ન શકે!
આંખ બીજું બધું જોઈ શકે,
પરંતુ પોતાને જોઈ ન શકે!
શાંતિથી બેસવું અને કશું ન કરવું.
વસંત આવે
અને ઘાસ આપમેળે ઊગે છે.
ભૂરા ભૂરા પર્વતો,
પોતાની રીતે ભૂરા ભૂરા છે!
સફેદ વાદળ પોતાની રીતે
સફેદ વાદળ છે!
ટેન્શનની નિંદા આજથી બંધ
એક ઓરડો સાવ ખાલી હોય તોય ખાલીખમ નથી હોતો. એક છાબડી સાવ ખાલી હોય તોય ખાલીખમ નથી હોતી. કોઈ ગૃહિણીનો સ્ટોરરૂમ કદી ખાલી નથી હોતો. બિચારો ઓરડો લાચાર છે, કારણ કે એમાં શું શું ભરવું એ માણસ નક્કી કરે છે. જે ઓરડામાં ફર્નિચર ઘણી જગ્યા રોકે તે ઓરડો વખાર જેવો બની રહે છે. ભરેલો ઓરડો એટલે શું?
કલ્પના કરો. એક ઓરડામાં કોઈ પણ જાતનો સામાન નથી, પરંતુ ખૂણામાં એક ધૂપસળી સળગતી હોય છે. એ ઓરડો ધૂપસુગંધથી ભરેલો ન ગણાય? લોકો કેવળ રિવાજને કારણે એ ઓરડાને ખાલીખમ કહેશે. છાબડીમાં કશુંય ન હોય ત્યારે પણ પુષ્પની સુવાસના અણસારા એમાં ભરેલા હોય છે. ખાલી છાબડીનું ખાલીપણું ઓછું મૂલ્યવાન નથી હોતું. લોકોની સમજણ ખોટી હોય તેથી એ ઓરડામાં સામાનને બદલે આનંદનું આસમાન હાજર હોય તોય ઓરડો ખાલી ગણાય તેવું બનવાનું. અજ્ઞાન પણ ઓછું પ્રભાવશાળી નથી હોતું.
ક્યારેક ખાલી જણાતો કોઈ ઓરડો સાધકના મૌનથી ભરેલો હોય છે. એવા કોઈ ખાલી ઓરડામાં કોઈ ભક્ત નરસિંહ મહેતાનું પ્રભાતિયું લલકારે છે. શું ભક્તિથી ભરેલા એ ઓરડાને ખાલીખમ કહેવાની આપણી હિંમત ખરી? એકબીજામાં ઓતપ્રોત એવા બે મળેલા જીવ રહેતા હોય એવા કોઈ ઓરડામાં બીજું કશું જ ન હોય તોય ઓરડો ખાલીખમ ન ગણાય. જે ઓરડો કેવળ પ્રેમથી છલોછલ હોય, તે ઓરડો ખાલી શી રીતે હોઈ શકે?
એરિસ્ટોટલ મહાન સિકંદરનો ગુરુ હતો. એરિસ્ટોલની દીકરી વિદુષી હતી. એનું નામ હતું પીથિયા. એક દિવસ કોઈ માણસે પીથિયાને પૂછ્યુંઃ ગાલ સુંદર દેખાય તે માટે સ્ત્રીઓ ગાલ પર રંગ લગાડે છે. ગાલ પર ચોપડવા માટે કયો રંગ તમને સૌથી વધુ સુંદર લાગે છે? પીથિયાએ જે જવાબ આપ્યો તે સાંભળવા જેવો છે. પીથિયાએ કહ્યુંઃ સ્ત્રીના ગાલની શોભા વધારે તેવો રંગ લજ્જા છે. બોલો! લજ્જાથી શોભતા એ ગાલને રંગ વિનાનો કહેવાની હિંમત તમારી પાસે છે? સામાન સ્થૂળ હોય છે, પરંતુ આસમાન (અવકાશ) સૂક્ષ્મ છે. ઓરડાની શોભામાં ફર્નિચરની આસપાસ બચેલા અવકાશનો ફાળો ઓછો નથી હોતો. મેરા નામ જોકર ફિલ્મમાં રાજ કપૂર એક સુંદર વાક્ય ઉચ્ચારે છેઃ યે દુનિયા એક સરકસ હૈ! જે માણસ દુનિયાને સાક્ષીભાવે સરકસના ખેલ તરીકે જુએ એ આપોઆપ અડધો મહાત્મા બની જાય છે. એ ખેલ સદીઓથી ચાલી રહ્યો છે. ખેલની બે બાજુઓ છેઃ સુખ અને દુઃખ. એ જ ખેલના બે મહત્ત્વના રંગો છેઃ સંયોગ અને વિયોગ. એ જ ખેલની બે મહત્ત્વની ઘટનાઓ છેઃ જન્મ અને મૃત્યુ. એ જ ખેલમાં બે બાબતો શોભે છેઃ પ્રેમ અને આનંદ. એ જ ખેલમાં બે બાબતો ખલેલ પમાડે છેઃ દ્વેષ અને ઈર્ષ્યા. આપણને મળેલા જીવનનું શું કરવું તે આપણા હાથમાં છે. એ બાબતે ઈશ્વર પણ લાચાર છે.

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.