મોરારિ બાપુની દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા યાત્રા યોજાઈ

દેવધરઃ મોરારિ બાપુની દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા યાત્રા દેવધર સ્થિત વૈદ્યનાથ ધામ પહોંચી હતી. બાપુએ કહ્યું કે સારું હોય તે બધાને પ્રિય લાગે છે, અનેક જ્યોતિર્લિંગ વિશે કોઈ કહે છે કે અહીં છે, કોઈ માને છે કે ત્યાં છે, બધા લોકો જ્યોતિર્લિંગને પોતાના જણાવવાનો પ્રયાસ કરે છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગને કોઈ પરલીમાં હોવાનું કહે છે, તો કોઈ દેવધરમાં. પણ જ્યાં વૈદ્યનાથ છે ત્યાં આપણે છીએ.
આ દરમિયાન તેમણે તુલસીદાસનું જન્મસ્થળ નક્કી કરવાનો વિવાદ અદાલતમાં પહોંચ્યો એ મુદ્દે કહ્યું કે ‘એક વાર અમે રાજાપુરમાં રામકથા કરી. જજે તેમના ચુકાદામાં લખ્યું કે રામકથા દરમિયાન બાપુએ જ્યાં પોતાની કુટિર બનાવી હતી તે તુલસીદાસનું જન્મ સ્થળ છે. હું વિવાદનો નહીં, સંવાદનો વ્યક્તિ છું પણ સાધુના અંતઃકરણની પ્રવૃત્તિને જ પ્રમાણ માનવું જોઈએ.’
બાપુની આ વાત મહત્ત્વની છે કારણ કે કોઈ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ વિશે માને છે કે દેવધર (ઝારખંડ)માં છે, તો કોઈ તે પરલીના બૈજનાથને (મહારાષ્ટ્ર) અને કોઈ કાંગડા (હિમાચલ પ્રદેશ)ના બૈજનાથને આ જ્યોતિર્લિંગ માને છે. આ અંગે બાપુએ કહ્યું કે વૈદ્યનાથ ધામ એ જ ભૂમિ છે જ્યાં મહર્ષિ માર્કંડેયને શિવનો સાક્ષાત્કાર થયો હતો.
એકવાર રાવણ પણ કૈલાશથી આત્મલિંગ લઈને લંકા જતો હતો, પરંતુ સંયોગવશ તે જે સ્થળે સ્થાપિત થઈ ગયું, તે આ જ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે. તેનું પણ કોઈ પ્રમાણ તો ના આપી શકે પણ કદાચ તુલસીદાસે બાબા ધામમાં દર્શન પછી જ રામચરિત માનસ લખવાનું શરૂ કર્યું હતું.’
યાત્રા અંગે બાપુએ કહ્યું કે આ યાત્રા કષ્ટદાયક હોવા છતાં ઈષ્ટદાયક છે. જીવનમાં કોઈ પણ વિરલ બાબત હાંસલ કરવા માટે કષ્ટ સહન કરવું જરૂરી છે. દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથાનો આગલો પડાવ શ્રીશૈલમ છે. ત્યાં મલ્લિકાર્જુન મંદિર પરિસરમાં રામકથા થશે.