મોરબીમાં વિશ્વનું સૌથી મોટું ભારતમાતા મંદિરના સહોયગમાં ભજવાયુંઃ મહાનાટક ‘જાણતા રાજા’

0
1334

ભારતમાં માતાનું મૂલ્યાંકન અતુલ્ય, અણમોલ છે. માતાની તોલે કોઈ ન આવે. માતા હંમેશાં પોતાના બાલુડાની સુરક્ષા કાજે કટિબદ્ધ રહે છે. મા કેટલી…? એક તો જન્મ આપનાર સગી જનેતા. આપણાં માતાજી મા, નદીમાતા અને માતૃભૂમિ મા છે. એટલે જ ‘ભારતમાતા’ કહીએ છીએ. ધરતીમાતા રહેઠાણ – ખોરાક જેવી અનેકાનેક વસ્તુઓ વિનામૂલ્યે આપે છે તે કેમ વીસરાય. સાચા રાષ્ટ્રભક્તો હું અને આપ નતમસ્તક થઈ માતાને વંદન કરીએ છીએ. ભારતમાતાની છબિ આ રીતે છે. ભારતના ભવ્ય નકશામાં સિંહ પર સવાર હાથમાં કેસરિયા ધ્વજ સાથે મા ભગવતી, જગદંબાની પ્રતીતિ થાય.
આવાં તેજસ્વી પરમ વંદનીય ભારતમાતા મંદિરનું મોરબીસ્થિત માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, મોરબી દ્વારા રાષ્ટ્ર ઉત્થાન માટે નિર્માણ પામી રહ્યું છે. 125 વીઘાં જમીનમાં 51 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા આ અતિ ભવ્ય ભારત માતા મંદિર, મોરબીમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત વિશ્વપ્રસિદ્ધ અને ઐતિહાસિક મહાનાટક ‘જાણતા રાજા’ બીજી મે, 2018થી નવમી મે, 2018 સુધી ચાલ્યું અને મોરબી જિલ્લાના હજારો રાષ્ટ્રભક્તોએ અદમ્ય ઉત્સાહ અને હર્ષોલ્લાસથી માણ્યું. આ નાટક વિશે અને નવનિર્મિત ભારતમાતા મંદિર વિશે માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મોભી મહેશભાઈ ભોરણિયા માહિતી આપતાં કહે છેઃ
મોરબીના રાષ્ટ્રભક્ત, જેની રગેરગમાં ભારતમાતાનું ગાન છે, ભારતમાતાનાં સંતાનો એક થઈ તન-મન-ધનથી જોડાય, ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવાની ખેવના રાખતા રાજા’ના સ્ટેજ પરથી મહેશભાઈ ભોરણિયા દોઢ કરોડ રૂપિયા પોતાના તરફથી આપવામાં આવે છે અને મારો એક પુત્ર ભારતમાતાના કાર્ય માટે સમર્પિત કરું છું, અને આવતા દિવસોમાં આ કાર્ય માટે મારું જીવન 75 ટકા આપીશ અને 25 ટકા જ મારા પરિવાર માટે આપીશ આવી દેશદાઝ ભારત માતાના પરમભક્ત મહેશભાઈ અને તેની 150 સભ્યોવાળી ટીમ પૂરી નિષ્ઠાભાવથી આ કાર્ય કરે છે.
છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મહાનાટક ‘જાણતા રાજા’ ન્યુ એરા સ્કૂલ પાસે, ધુનડા રોડ, મોરબીની ભૂમિ પર ભજવાયું. આઠ દિવસ સુધી નોનસ્ટોપ રાષ્ટ્રપ્રેમી જનતાએ બહોળો પ્રતિસાદ આપ્યો. ‘જાણતા રાજા’ નાયક માટે આબેહૂબ કલાત્મક રાયગઢ કિલ્લો બનાવવામાં આવેલો, જાણે આપણે શિવાજી મહારાજના કિલ્લામાં જ બેઠો હોઈએ તેવી અનુભૂતિ થતી હતી. ત્રણ હજાર ફૂટના ઐતિહાસિક રંગમંચ પર શણગારેલા હાથી, ઘોડા, ઊંટ, બળદગાડા સહિતના 250 મહારાષ્ટ્રના કલાકારોનો વિશાળ કાફલો તૈનાત હતો. મહારાજા છત્રપતિ શિવાજી મહારાજના જીવનચરિત્રને આબેહૂબ રજૂ કરતા આ નાટકના કલાકારો પોતાના મૂળ પૌરાણિક ડ્રેસમાં અને ભવ્ય ઘરેણાં અને અલંકારોમાં મહારાષ્ટ્રની છાપ અંકિત થતી હતી તો સામે મોગલ રાજાઓના પોશાક પણ હૂબહૂ હતા. કિલ્લાની વચ્ચે મા ભવાની વિરાટ મૂર્તિ અનેરું આકર્ષણ જગાવતી હતી.
શિવાજીના જન્મથી બાળપણ, યુવાનીને ઢાલ-તલવાર સહિત રજૂ કરવામાં આવ્યું હતું. દાઢીવાળા શિવાજી મહારાજ રાષ્ટ્રના ઉત્થાન અને નવનિર્માણની કલ્પના સાથે ન્યાયપૂર્ણ લડત ચલાવીને કચડાયેલી જનતાને સ્વતંત્રતા અપાવતા હોય એમ સાચી ફાઇટિંગો – લડાઈ અને ડબ થયેલી અવાજથી આખું નાટક કોઈ સિનેમાસ્કોપ ઐતિહાસિક ફિલ્મ નિહાળતા હોઈ તેવી અનુભૂતિ થતી હતી. રાષ્ટ્રભાવના અને તેનો અદમ્ય ઉત્સાહ પ્રેક્ષકના દિલમાં છત્રપતિ શિવાજીનો દિગ્વિજય થાય છે. રાયગઢ કિલ્લામાં તમામ કલાકારો સાથે સિંહાસન પર શિવાજી મહારાજનો ભવ્ય રાજ્યાભિષેક થાય છે તેનો નજારો અસાધારણ છે. તમામ કલાકારો એકસાથે ક્રમશઃ લાઇનમાં ઊભા રહે છે અને હાથીને સાથે જોતા ‘જાણતા રાજા’એ ભારતમાતા મંદિરમાં સહયોગ આપ્યો છે.
આ નાટકમાં ખાસ તો આવનારા રાષ્ટ્રભક્તને 15 બાય 20 ઇંચની લેમિનેટ – ફ્રેમિંગ કરેલ ભારતમાતાની મૂર્તિવાળો ફોટો વિનામૂલ્યે આપવામાં આવતો હતો. મહેશભાઈ ભોરણિયા જણાવે છે કે દરેક રાષ્ટ્રભક્તના ઘરમાં ભારતમાતાની છબી હોવી જોઈએ તેવા ભાવથી અમે આ ફોટોગ્રાફ દરેક પ્રેક્ષકને આપીએ છીએ.
ભારતમાતા મંદિરઃ ત્રિમંદિર બનશે, ભારતનો ભૂતકાળ ખૂબ જ ધ્યાનપૂર્વક નિહાળીએ તો ભારતના રાજા-મહારાજાઓ ખૂબ જ સુખી, સમૃદ્ધ અને શૌર્યવાન હતા, પરંતુ તેઓની અસંગઠિતતાના કારણે અનેક વિદેશી આક્રમણકારોના વર્ષો સુધી આપણે ગુલામ બની રહ્યા અને દેશ આઝાદ થયા પછી વિદેશીઓનાં ષડ્યંત્રો અને ભાગલા પાડો ને રાજ કરોની નીતિ એટલે કે જ્ઞાતિઓ, ધર્મ, સંપ્રદાય, અમીર-ગરીબ જેવા ભાગલા પાડી વર્ષો સુધી રાજ કર્યું. તે જ રીતે દેશ આઝાદ થયા પછી પણ આપણા રાજકારણીઓએ એક જ નીતિ અપનાવી અને દિવસે ને દિવસે દેશમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને ગરીબી વધતાં ગઈ છે. દેશને આઝાદ થયાને 70 વર્ષ વીતી જવા છતાં દેશમાં જાતિવાદ વધતો જાય છે. હવે સમય ઘણો બદલાઈ ગયો છે. આપણે સૌ રાષ્ટ્રભક્તો એક જ ભારતમાતાનાં સંતાનો બની એક થઈએ. પ્રથમ રાષ્ટ્રધર્મ, બાકીના ધર્મો, સંપ્રદાયને ગૌણ ગણી ભારતને પુનઃ વિશ્વગુરુપદે બેસાડવાની પ્રેરણા માટે ભારત માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
આ ભારતમાતાનું મંદિર માત્ર પૂજા અને આરાધનાનું સ્થાન નહિ, પણ વેદો અને ગીતાનો સાર અનુસાર શ્રેષ્ઠ કર્મોથી શ્રેષ્ઠ, રાષ્ટ્રશ્રેષ્ઠ વિશ્વ બનાવવાનું ભગીરથ કાર્ય કરવા માટે આ ભારતમાતા મંદિર મહત્ત્વની ભૂમિકા ભજવશે.
મોરબીમાં ભારતમાતાના મંદિર સહિત બીજી જે પ્રવૃત્તિઓ થઈ રહી એ આ પ્રમાણે છેઃ
વેદમંદિરઃ વિશ્વની પ્રાચીન અને શ્રેષ્ઠ સંસ્કૃતિ એટલે વૈદિક સનાતન સંસ્કૃતિ, જેનો મુખ્ય આધાર ચાર વેદો પર છે. વેદ એ કોઈ ધર્મ નથી, પણ મનુષ્ય શ્રેષ્ઠતમ જીવન કેવી રીતે જીવી શકે અને ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય તે વેદોનો અભ્યાસ કરતા જાણી શકાય છે. ‘વેદ તરફ પાછા વળો’ એ ઉક્તિને સાર્થક કરી ફરીથી પુનઃ વૈદિક ધર્મની સ્થાપના કરવા માટે વેદ મંદિરનું નિર્માણ થશે.
શહીદ અમર સ્મારકઃ દેશના નાગરિકો આજે દેશમાં પોતાના પરિવાર સાથે નિર્ભય થઈને રહી શકતા હોય તો તેનો યશ આ દેશના જવાનોને છે. તે પોતાના પરિવારથી દૂર રહી ઠંડી, ગરમી, વરસાદ, વાવાઝોડું અને દેશના દુશ્મન આતંકવાદીઓનો સામનો કરી પોતાના રાષ્ટ્ર માટે બલિદાનો આપી રહ્યા છે અને આ દેશનો વિદેશી આક્રમણકારોથી દેશ આઝાદ કરાવવા લાખો શહીદોએ શહીદી વહોરી છે. તે શહીદોને રાષ્ટ્રમાં ઊંચું અને અદકેરું સન્માન આપવા માટે શહીદ અમર સ્મારકનું નિર્માણ કરવામાં આવશે.


વૈદિક કન્યાઃ કુમાર ગુરુકુળઃ ભારતને પુનઃ સક્ષમ, સશક્ત, સૌમ્ય, જ્ઞાની, નીડર, વિનમ્ર, વિવેકી, ધૈર્યવાન, સ્વનિર્ભર, શૌર્યવાન અને ચારિત્રવાન બનાવવા માટે ગુરુકુળ શિક્ષણ અમલમાં લાવવું અત્યંત જરૂરી છે, કારણ કે ઉત્તમ શિક્ષણથી વ્યક્તિનિર્માણ, વ્યક્તિથી કુટુંબનિર્માણ, કુટુંબથી સમાજનિર્માણ, સમાજથી રાષ્ટ્રનિર્માણ, રાષ્ટ્રથી વિશ્વનિર્માણ કરવા માટે કોઈ પણ જ્ઞાતિ-જાતિ કે ધર્મ-સંપ્રદાયનો ભેદભાવ રાખ્યા વિના નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે.
આ ઉપરાંત ગૌશાળા, આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાલય, કિસાન અમર સ્મારક, વૈજ્ઞાનિક અમર સ્મારક, ચિત્ર પ્રદર્શન, યજ્ઞશાળા, યોગ, ઔષધિવન, પક્ષીઘર, વાનપ્રસ્થાશ્રમ બનાવવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી 125 વીઘાં જમીનમાં 51 કરોડના ખર્ચે ભવ્યતાતિભવ્ય વિશ્વનું સૌથી મોટું પરમ વંદનીય ભારતમાતા મંદિર આવતા દિવસોમાં બનશે તેની આછેરી ઝલક અગાઉ આપી હતી.

લેખક ફ્રિલાન્સ ફોટો-જર્નલિસ્ટ છે.