મોનિષા ઘોષ અમેરિકી સંચાર આયોગનાં પહેલાં મહિલા ચીફ ટેક્નોલોજી ઓફિસર નિમાયાં

હ્યુસ્ટનઃ અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશનમાં ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે ટ્રમ્પ પ્રશાસને ભારતીય મૂળનાં ડોક્ટર મોનિષા ઘોષની નિમણૂક કરી છે. આ પદ પર પહોંચનારાં તેઓ પહેલાં મહિલા છે. મોનિષા ઘોષ ૧૩ જાન્યુઆરીથી આ પદ સંભાળશે. ભારતીય મૂળના અજિત પઈ આ કમિશનના ચેરમેન છે. મોનિષા ઘોષ તેમને ટેક્નિકલ અને એન્જિનિયરિંગના મુદ્દે સલાહ આપશે. આ ઉપરાંત તેઓ આયોગના ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ સાથે નજીકથી કામ કરશે.
મોનિષા ઘોષે ૧૯૮૬માં ખડગપુરમાંથી આઇઆઇટી બી.ટેક કર્યું હતું અને ત્યાર પછી ૧૯૯૧માં તેમણે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિષય પર પીએચ.ડી. કર્યું હતું. એફસીસીમાં નિમણૂક પામતાં તેઓ પહેલાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના કોમ્પ્યુટર નેટવર્ક ડિવિઝનમાં પ્રોગ્રામ-ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યાં હતાં. ત્યાં તેઓ વાયરલેસ રિસર્ચ પોર્ટફોલિયોની સાથે સાથે વાયરલેસ નેટવર્ક ડિવિઝનમાં પ્રોગ્રામ- ડાયરેક્ટર તરીકે પણ કાર્યરત હતાં. તેઓ યુનિવર્સિટી ઓફ શિકાગોમાં રિસર્ચ-પ્રોફેસર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. તેમણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને ૫જી તેમજ મોડર્ન વાઇફાઇ સિસ્ટમ પર પણ સંશોધન કર્યું છે.
એફસીસીના ચેરમેન અજિત પઈના જણાવ્યાનુસાર મોનિષા ઘોષ ૫જી ટેક્નોલોજીક્ષેત્રમાં અમેરિકામાં વ્યાપ વધારવામાં મદદ કરશે. તેમની વાયરલેસ ટેક્નોલોજીની ઊંડી સમજ ખૂબ જ મહત્ત્વની સાબિત થશે. તેમણે ઇન્ડસ્ટ્રીમાં વાયરલેસ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર રિસર્ચ કર્યું છે. આ ઉપરાંત તેમને ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી લઈને મેડિકલ ટેલિમેટ્રી અને પ્રસારણના નિયમો સુધીની જાણકારી છે.