‘મોદી સિવાય પણ અનેક પીએમ મટીરિયલ’

 

પટનાઃ જનતા દળ યુનાઈટેડના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ એક એવું નિવેદન આપ્યું છે, જેને સાંભળીને તેમના સહયોગી પક્ષ ભાજપ નારાજ થઈ શકે છે. પોતાના નિવેદનમાં તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને પીએમ મટીરિયલ ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે, નીતિશકુમાર પણ પીએમ મટીરિયલ છે. ઉપેન્દ્ર કુશવાહા જદયુ સંસદીય બોર્ડના અધ્યક્ષ પણ છે. રવિવારે તેમણે કહ્યું, ‘આજની તારીખમાં વડા પ્રધાન મોદી ઉપરાંત અન્ય અનેક પણ પીએમ મટીરિયલ છે અને નીતિશકુમાર તેમાંથી જ એક છે.’ ઉપેન્દ્ર કુશવાહાએ એમ પણ કહ્યું કે, જાતીય જનગણનાના મુદ્દે સમગ્ર દેશમાં એક માહોલ બનાવવાની જરૂરત છે અને તેમાં નીતિશકુમારની બહુ મોટી ભૂમિકા હોઈ શકે છે. વસતી નિયંત્રણના મુદ્દે ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, અમે સેક્યુલારિઝમ અને સોશિયલ જસ્ટિસ સાથે ક્યારેય સમાધાન ન કરી શકીએ. જો તેનાથી કોઈને ખોટું લાગે છે તો તેમને ન લાગવું જોઈએ. એવું પહેલી વાર નથી જ્યારે જદયુના કોઈ નેતાએ નીતિશકુમારને પીએમ મટીરિયલ ગણાવ્યા હોય. હાલમાં જ જદયુ ધારાસભ્ય ગોપાલ મંડલે પણ નીતિશકુમારને પીએમ મટીરિયલ ગણાવ્યા હતા.