મોદી સાથેની રેલી કામ ના લાગી, ટ્રમ્પને ભારતીય મૂળના મતદારોએ ઝાટકો આપ્યો

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે અને હાલના તબક્કે તો ડોનાલ્ડ ટ્રમ્પ કરતા તેમના હરીફ જો બિડેન ઘણા આગળ નીકળી ગયા છે, ત્યારે ટ્રમ્પને અમેરિકાના ભારતીય સમુદાય તરફથી ચૂંટણીમાં ઝાટકો લાગ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એક રેલી કરી હતી અને  એ પછી અમદાવાદમાં પણ આવી જ એક રેલી યોજાયી હતી. જેની પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પ અમેરિકામાં ભારતીય મૂળના વોટર્સને રીઝવવા માગતા હોવાની અટકળો પણ થઈ રહી હતી. જોકે નેશનલ એક્ઝિટ પોલ પ્રમાણે ૬૪ ટકા એશિયાઈ મૂળના લોકોએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનનુ સમર્થન કર્યું છે અને ૩૦ ટકા મત જ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. ભારતીય મૂળના અમેરિકન નાગરિકોએ સૌથી વધારે મત બિડેનને આપ્યા છે. જ્યારે વિયેતનામી મૂળના નાગરિકો માટે ટ્રમ્પ પહેલી પસંદ રહ્યા છે. કારણકે ટ્રમ્પે વિયેતનામના દુશ્મન ગણાતા ચીન પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા હતો.

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, ચાઈનિઝ મૂળના અમેરિકન નાગરિકોએ ડોનાલ્ડ ટ્રમ્પને વધારે મત આપ્યા છે. અમેરિકામાં રહેતા ચીની નાગરિકોએ ચીનની ક્રુર કોમ્યુનિસ્ટ પાર્ટી સામે અવાજ ઉઠાવવા બદલ ટ્રમ્પની પ્રશંસા કરી છે. ધ્યાન ખેંચનારી બીજી વાત એ છે કે, અમેરિકામાં પ્રમુખપદની સાથે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પોસ્ટ માટે યોજાયેલી ચૂંટણીમાં પાંચ ભારતીય મૂળની મહિલાઓ સહિત કુલ ૧૨ ભારતીય મૂળના ઉમેદવારોએ જીત મેળવી છે. આવું પહેલી વખત થયું છે. ચાર ઉમેદવાર એવા છે જેઓ અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે બીજી વખત ચૂંટાયા છે.