મોદી સરકાર-રએ ચૂંટણીઢંઢેરામાં આપેલા ૩ મોટા વાયદા ૭ મહિનામાં પૂરા કર્યા

 

નવી દિલ્હીઃ ચૂંટણીઢંઢેરામાં અપાયેલાં વચનોમાંથી ત્રણ મોટાં વચન સાત મહિનામાં મોદી સરકારે પૂરાં કર્યાં છે. દિલચશ્પ વાત એ છે કે આ ત્રણેય વચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વર્ષોજૂની માગણીમાંથી જ છે. ભાજપે ર૦૧૯ના ચૂંટણીઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાનું, નાગરિકતા સંશોધન કાયદો લાવવાનું અને ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવાનું વચન આપ્યું હતું.
નાગરિકત્વ સંશોધન બિલ સંસદમાં પાસ થયા પછી ભાજપનું ત્રીજું મોટું વચન પૂરું થઈ ગયું છે. હવે ભાજપ-સંઘ પરિવારના લોકોની નજર સમાન નાગરિકતા કાનૂન પર છે. ભાજપે પોતાના ચૂંટણીઢંઢેરામાં એ વચન પણ આપ્યું હતું કે સમાન નાગરિકતા સંહિતા બનાવવા તે કર્ટિબદ્ધ છે. એમાં કહેવાયું છે કે ભાજપ માને છે કે ભારતમાં જ્યાં સુધી સમાન નાગરિક સંહિતાને નહિ અપનાવાય ત્યાં સુધી લૈંગિક સમાનતા નહિ થઈ શકે.
ભાજપ નેતાઓની સાથે સંઘના નેતાઓને આશા છે કે હવે આ વચન પૂરું કરવાની દિશામાં કામ થશે. સંઘના એક નેતાએ કહ્યું હતું કે જનસંખ્યા નિયંત્રણ કાનૂન અત્યંત જરૂરી છે. જે રીતે ઘણાં રાજ્યોની ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે, એને જોતાં આમાં મોડું ન થવું જોઈએ. સંઘના નેતા અનુસાર ભાજપે આના માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, અમને આશા છે કે જે રીતે ત્રણ મહત્ત્વનાં વચન પૂરાં થયાં છે તેમ આ વચન પણ જલદી પૂર્ણ થશે.