મોદીસરકારને વધુ એક આંચકોઃ છૂટક બાદ જથ્થાબંધ મોંધવારીએ વધારી મુશ્કેલી

નવી દિલ્હીઃ ફુગાવુાના મોરચે કેન્દ્રની મોદીસરકારને વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે. ૧૪ જાન્યુઆરીએ જાહેર કરાયેલા આંકડા મુજબ, ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર ૨.૫૯ ટકા પર પહોંચી ગયો છે. એક મહિના પહેલાં નવેમ્બરમાં એ ૦.૫૮ ટકા પર હતો, જ્યારે એક વર્ષ અગાઉ ડિસેમ્બર ૨૦૧૮માં જથ્થાબંધ ફુગાવાનો દર ૩.૪૬ ટકા હતો. મળતી માહિતી મુજબ, ડિસેમ્બરમાં ખાદ્ય ચીજોનો જથ્થાબંધ ફુગાવાનો દર ૧૧.૦૫ ટકા હતો, જે નવેમ્બરમાં ૯.૦૨ ટકા હતો. ડિસેમ્બરમાં પ્રાઇમરી આર્ટિકલ ઇન્ફ્લેશન ૧૧.૪૬ની સપાટીએ રહ્યો હતો, જે એક મહિના અગાઉ ૭.૬૮ ટકા હતો. એ જ રીતે ડિસેમ્બરમાં ઇંધણ અને વીજળી માટેનો જથ્થાબંધ ફુગાવો નવેમ્બરમાં ૭.૩૨ ટકાની તુલનામાં ડિસેમ્બરમાં ૧.૪૬ ટકા હતો. આ અર્થમાં જથ્થાબંધ ફુગાવા નીચે આવ્યો છે.
જથ્થાબંધ ફુગાવાના આ આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે છૂટક ફુગાવો પાંચ વર્ષના ઉચ્ચતમ સ્તરે છે. સોમવારે જારી કરાયેલા આંકડા મુજબ, ડિસેમ્બરમાં છૂટક ફુગાવો વધીને ૭.૩૫ ટકા થયો છે. ફુગાવાના આંકડામાં વધારાનો અર્થ એ છે કે આરબીઆઈ આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં રેપો રેટને ફરીથી સ્થિર રાખી શકે છે. જો આવું થાય તો એ સતત બીજી વખત બનશે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ. રેપો રેટને સ્થિર રાખવાનો અર્થ એ છે કે બેંકો પાસેથી વ્યાજની કપાતની અપેક્ષા ઓછી થશે. દેખીતી રીતે કોઈ વ્યાજની કપાતની સ્થિતિમાં, લોન સસ્તી નહિ હોય. ઉલ્લેખનીય છે કે રેપો રેટ ઘટાડા દરમિયાન આરબીઆઈ રિટેલ ફુગાવાના દરને ધ્યાનમાં લે છે.
પાંચ ટકાના વિકાસદર તથા બેકાબૂ મોંઘવારીએ સરકારના ઇરાદાઓ પર પાણી ફેરવ્યું
દેશની આર્થિક વૃદ્ધિની ધીમી ઝડપ વચ્ચે છૂટક પછી હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં આવેલા મોટા ઉછાળાથી સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. નાણાકીય નિષ્ણાતોનું કહેવું છે કે મોંઘવારી બેકાબૂ થવાથી અર્થ વ્યવસ્થાની ધીમી ઝડપને તેજ કરવી વધારે પડકારરૂપ બની ગયું છે.
અર્થશાસ્ત્રી અરુણકુમારે જણાવ્યું હતું કે મોંઘવારીમાં અસમાન ઉછાળાની સીધી અસર સામાન્ય લોકોના વપરાશ પર થશે, કેમ કે તેમના ઘરનું બજેટ વધશે. તે લોકો એની ભરપાઈ વપરાશમાં ઘટાડો કરીને કરશે. આને લીધે બજારમાં માગ વધારે ઘટશે, જ્યારે સરકાર અર્થ વ્યવસ્થામાં તેજી લાવવા માટે માગ વધારવા પર ભાર મૂકી રહી છે, પણ હવે તેમ કરવું વધારે મુશ્કેલ થશે, કેમ કે મોંઘવારીના લીધે લોકોની બચત ઘટશે. આર્થિક મંદીમાં બજારમાં ઉત્સાહનું વાતાવરણ નથી. નોકરીની નવી તકોમાં ઘટાડો અને પગાર વધારા બાબતે અનિશ્ચિતતાનું વાતાવરણ સરકાર માર્ગના મોટા રોડા છે. એમાંથી બહાર આવવા માટે સરકારે પહેલાં કરતાં વધારે જોર લગાડવું પડશે. આ વિકટ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે ગ્રામ્ય અર્થ વ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા પડશે. મનરેગા, આરોગ્ય, શિક્ષણ અને ઇન્ફ્રાનું બજેટ વધારવું પડશે. ત્યાર પછી જ સુધારાની આશા રાખી શકાય. જો આવું નહિ કરાય તો આપણે ગતિહીન મોંઘવારીની પરિસ્થિતિમાં જઈ શકીએ છીએ, જયાં આર્થિક વૃદ્ધિ નબળી હોવાની સાથે મોંઘવારી દર ઊંચો હોય છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન માટે આભને આંબતી મોંઘવારી અને સુસ્ત અર્થ વ્યવસ્થા વચ્ચે સંતુલિત બજેટ રજૂ કરવું અઘરું બનવાનું છે. નાણાકીય નિષ્ણાતોનું કહેવું છે કે નાણાપ્રધાન બજેટમાં ખર્ચ વધારવા પર ભાર મૂકી શકે છે, પણ હવે વધતી મોંઘવારીને કારણે નાણાપ્રધાન નિર્મલા સીતારામને આમાં સાવધ રહેવું પડશે. વધારે ખર્ચ અને રોકાણથી લોકોનાં ખિસ્સાંમાં વધારે પૈસા પહોંચશે તો મોંઘવારી વધારે વધવાની આશંકા રહે છે.