મોદીની વિકાસયાત્રામાં કેજરીવાલ સરકાર સૌથી મોટું વિઘ્નઃ ગૃહમંત્રી અમિત શાહ

નવી દિલ્હીઃ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની કેજરીવાલ સરકાર અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે દિલ્હીની જનતાના વિકાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજનાબદ્ધ રીતે કામ થઈ રહ્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે શીખ રમખાણો બાદ તેના અસરગ્રસ્તોને કોંગ્રેસ સરકારે નહિ, પણ ભાજપ સરકારે ન્યાય અપાવ્યો હતો. આજે તોફાનો કરનારા જેલમાં છે. કોંગ્રેસની સરકાર પાંચ વર્ષમાં કોઈ યોજના બનાવે, એ પછીનાં પાંચ વર્ષમાં એનું બજેટ મંજૂર કરવા માટે, એ પછીનાં પાંચ વર્ષમાં એનું ભૂમિપૂજન કરવા માટે અને એ પછીનાં પાંચ વર્ષમાં યોજનાને ભૂલી જવા માટે જાણીતી હતી. કોંગ્રેસના શાસનમાં કામ તો થતું જ નહોતું. વધુમાં, તેમણે કહ્યું હતું કે દિલ્હીના સીએમ કેજરીવાલ નવી નવી વસ્તુઓ કરતા રહે છે. તેઓ તો વગર વિચાર્યે, વગર બજેટ ફાળવે અને વગર ઉદ્ઘાટન બીજાએ કરેલાં કામ પર પોતાના નામનો થપ્પો મારી દે છે. મોદી સરકારનાં વિકાસકાર્યોમાં કેજરીવાલ સરકાર બહુ મોટું વિઘ્ન છે. નાગરિકતા સંશોધન કાનૂન પર વિપક્ષે દિલ્હીની જનતાને ગુમરાહ કરીને દિલ્હીની શાંતિનો ભંગ કર્યો છે. દિલ્હીની ટુકડે-ટુકડે ગેંગને જનતાએ દંડ આપવો જોઈએ. અમે દિલ્હીની ૧૭૦૦ ગેરકાયદે કોલોનીઓને કાયદેસર આપીને એમાં રહેતા ૪૦ લાખ લોકોનાં જીવનમાં નવી આશા ફેલાવી છે. આજસુધી બીજી કોઈ સરકારે તેમની ચિંતા કરી નહોતી. કેજરીવાલ સરકાર આ બાબતે પણ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. કેજરીવાલ સરકારે ખાલી ધરણાં કરવાનું જ કામ કર્યું છે.