મોદીએ CAAના સમર્થનમાં કેમ્પેન લોન્ચ કર્યું

નવી દિલ્હીઃ દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ચાલી રહેલાં પ્રદર્શનો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એના સમર્થનમાં કેમ્પેન લોન્ચ કર્યું હતું. તેમણે ટ્વિટર પર આ કાયદા અંગે જાણકારી આપી હતી.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો આ કાયદો છે અને એના અંતર્ગત કોઈની નાગરિકતા આંચકી લેવામાં નહિ આવે. તેમણે સીએએ પર આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવનો એક વિડિયો પણ શેર કર્યો છે, જેમાં નાગરિકતા કાયદા અંગે વિસ્તૃત જાણકારી આપવાની કોશિશ કરવામાં આવી છે. તેમણે લખ્યું છે કે જગ્ગી વાસુદેવના વિડિયોમાં સીએએના ઐતિહાસિક સંદર્ભને સમજાવવામાં આવ્યો છે. ટ્વિટર પર તેમણે ઇન્ડિયા સપોર્ટ સીએએ દ્વારા નમો એપ પર સીએએ સંબધિત જાણકારી પણ લોકોને શેર કરવા અપીલ કરે છે.
આ કેમ્પેનમાં નાગરિકતા કાયદા અંગેની ગેરમાન્યતા સામે સરકારે પોતાનો તર્ક પણ રજૂ કર્યા છે. ગેરમાન્યતા એ છે કે સીએએ ઘૂસણખોરોને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવ્યો છે, જેની સામે સરકારે તર્ક રજૂ કર્યો છે કે છેલ્લાં ૭૦ વર્ષથી જેમને મૂળભૂત અધિકાર નથી મળી શક્યો તેમને નાગરિકતા આપવા માટેની આ બંધારણીય પ્રક્રિયા છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વિવેચકો અને કાયદો ભેદભાવપૂર્ણ હોવાની વાતનો ફેલાવો કરતા લોકો માટે ટ્વીટ કરીને કહ્યું હતું કે તથ્યો ફેલાવો, દંતકથા નહિ. છેલ્લાં છ વર્ષમાં પાકિસ્તાનના ૨,૮૩૦, અફઘાનિસ્તાનના ૯૧૨ અને બાંગ્લાદેશના ૧૭૨ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. એમાંના ઘણા આ દેશના બહુમતી સમુદાયના છે. ભાજપના ઉપ-પ્રમુખ અને પ્રવકતા બી. જે પંડાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે પાડોશી દેશોમાં ધર્મના આધારે જેમની સાતમણી કરવામાં આવે છે તેવા લઘુમતીઓ માટેનું આ માનવતાવાદી પગલું છે.