મોદીએ રાજપથ પર ‘હુન્નર હાટ’ની મુલાકાત લઈને દુકાનદારોને અચરજમાં મૂકી દીધા

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજપથસ્થિત ‘હુન્નર હાટ’ની આશ્ચર્યજનક મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કારીગરો સાથે વાતચીત કરી હતી અને ‘લીટી-ચોખા’નો સ્વાદ માણ્યો હતો અને કુલડીમાં ચાની ચૂસકી મારી હતી.

બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા પછી તરત જ વડા પ્રધાન મોદી રાજપથ પહોંચ્યા હતા અને જ્યાં લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ‘હુન્નર હાટ’નું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રાલયના અધિકારીઓને જ્યારે વડા પ્રધાનની મુલાકાત વિશે જાણ થતાં તેઓ આશ્ચર્યચકિત થયા હતા તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. તેઓ ત્યાં ૫૦ મિનિટથી વધુ સમય ત્યાં રહ્યા હતા અને ‘લીટી-ચોખા’ માટે ૧૦૦ રૂપિયા પણ ચૂકવ્યા હતા. આ વાનગી બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં લોકપ્રિય છે.

ત્યાર બાદ તેમણે લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી સાથે કુલડીમાં ચા પીધી હતી અને બે કપ માટે રૂ. ૪૦ ચૂકવ્યા હતા. નકવી સાથે તેમણે ‘હુન્નર હાટ’નો આંટો માર્યો હતો અને માસ્ટર કારીગરો સાથે વાતચીત કરવા અનેક સ્ટોલ પર રોકાયા હતા.

વડા પ્રધાને ટ્વીટ કર્યું કે ઇન્ડિયા ગેટ પર હુન્નર હાટમાં એક સુંદર બપોર વિતાવી. એમાં હસ્તકલા, કાર્પેટ, કાપડ અને અલબત્ત, સ્વાદિષ્ટ ખોરાક સહિતનાં ઉત્તમ ઉત્પાદનોનાં પ્રદર્શન કરવામાં આવે છે એની મુલાકાત લો. તેમણે કહ્યું હતું કે ભારતભરના લોકોની ભાગીદારી ‘હુન્નર હાટ’ને એક જીવંત સ્થળ બનાવે છે. ચાના ગરમ કપ સાથે લંચમાં સ્વાદિષ્ટ લીટી ચોખા રાખ્યા હતા. તેમણે બીજા એક ટ્વીટમાં કહ્યું હતું. તેમણે એક સ્ટોલ પર પરંપરાગત સંગીતવાદ્યો વગાડીને સંગત પર હાથ અજમાવ્યો હતો. તેમણે તેમની હુન્નર હાટની અનેક તસવીરો ટ્વીટ કરી, જેમાં તેઓ કારીગરો સાથે વાતચીત કરતાં અને વિવિધ સ્ટોલ પર પરંપરાગત હસ્તકલાની પ્રશંસા કરતાં જોવા મળે છે