મોતનાં વાવેતર ક્યારે ટળશે?

0
878

 

(ગતાંકથી ચાલુ)
માનવજાતને ડહાપણની દાઢ ક્યારે ફૂટશે? માણસ સિવાયની બીજી કોઈ પ્રાણીજાતિમાં કોઈ પશુ પોતાની જ જાતિના પશુની હત્યા કરતું નથી. વાઘ વાઘની હત્યા નથી કરતો. હાથી હાથીને નથી મારતો. સિંહની હત્યા સિંહ નથી કરતો. કેવળ મનુષ્યજાતિમાં જ એક મનુષ્ય બીજા મનુષ્યની હત્યા કરે છે. માનવી પેદા થયો ત્યારથી અપ્રાકૃતિક હિંસાનો જન્મ થયો છે. યુદ્ધ આપણો ઇતિહાસ છે અને શાંતિ આપણું સમણું છે.
મહાભારતનું યુદ્ધ માણસની માણસ દ્વારા થયેલી હત્યાનો હાહાકાર મચાવનારું હતું. લગભગ એ જ રીતે કલિંગના યુદ્ધમાં થયેલી હત્યાનું પ્રમાણ પણ થથરાવનારું હતું. અર્જુન અને અશોક વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. અર્જુનને યુદ્ધ શરૂ થાય એ પહેલાં વિષાદ થયો અને અશોકને યુદ્ધ પૂરું થયા પછી વિષાદ થયો. કોઈ પણ યુદ્ધ વિષાદ વિનાનું હોતું નથી. યુદ્ધનો ઇતિહાસ હોય છે. વિષાદનો ઇતિહાસ નથી હોતો. ઈસવી સન પૂર્વે છઠ્ઠી સદીમાં મહાવીર અને બુદ્ધ દ્વારા થયેલી વિચારક્રાંતિને કારણે એક ઘટના એવી બની કે જાણે હિંસાના બળબળતા રણમાં અહિંસા અને કરુણાનાં અમીછાંટણાં થયાં. સમ્રાટ અશોક શ્રમણ ઉપગુપ્તથી પ્રભાવિત થઈને બુદ્ધને શરણે ગયો. માનવઇતિહાસમાં કદાચ પહેલી વાર યુદ્ધ હાર્ર્યું અને શાંતિનો વિજય થયો.
ઉત્ક્રાંતિના દાદરને ઉપલે પગથિયે બેઠેલો ચતુર માનવી મહાવીર અને બુદ્ધને પણ ન ગાંઠ્યો. શું એ મહાત્મા ગાંધીને ગાંઠે ખરો? વીસમી સદી એટલે ગાંધીની સદી અને સાથોસાથ વિકરાળ હિંસાથી લથપથ સદી! એ સદીમાં હત્યા પામેલા અસંખ્ય માનવીઓના લોહીનો જથ્થો કેટલા કરોડ લિટરનો? યાદ કરી જુઓ.
એ સદીમાં થયેલાં બે વિશ્વયુદ્ધોમાં કેટલા માણસો રીંગણાં-બટાટા-દૂધીની માફક વધેરાયાં? હિટલરે કેટલા યહૂદીઓને ગેસ ચેમ્બરમાં જીવતાં ભૂંજી માર્યા? સ્ટેલિને પોતે રશિયાની ક્રાંતિ દરમિયાન એક કરોડ માણસની હત્યા કરી હતી એવી વાત મોસ્કોમાં મહેમાન બનેલા ચર્ચિલને કરી હતી (માર્ટિન ગિલ્બર્ટના પુસ્તક ‘રોડ ટુ વિક્ટરીઃ વિન્સ્ટન એસ. ચર્ચિલ’માંથી). માઓ ઝેડોંગના કલ્ચરલ રેવોલ્યુશન દરમિયાન લાખો માણસને મૃત્યુના મોંમાં ધકેલી દેવામાં આવ્યા. કમ્બોડિયામાં હત્યાનાં લોહિયાળ ખેતરો સર્જાયાં અને હજારો માણસો કપાયા. વિયેતનામ યુદ્ધ દરમિયાન કેટલા હણાયા? એ યુદ્ધ દરમિયાન કેટલી વિયેતનામી યુવતીઓ અમેરિકન સૈનિકોને કારણે સગર્ભા બની? ઇરાક અને ઈરાન વચ્ચે યુદ્ધ થયું તેમાં કેટલા હોમાયા? આ બધાનો આંકડો નાનો નથી.

અરે! અહિંસાને કેન્દ્રમાં રાખીને ગાંધીજીની પ્રેરણા હેઠળ સ્વરાજની જે લડત ચાલી, એને અંતે ભાગલાના પરિણામે ભભૂકી ઊઠેલી હિંસામાં લગભગ દસ લાખ સ્ત્રી-પુરુષો મર્યાં. એકવીસમી સદીમાં અમેરિકામાં 9/11ની દુર્ઘટના કે મુંબઈમાં તાજ હોટેલ સાથે જોડાયેલા આતંકી હુમલાની વાત તો હજી સાવ તાજી ગણાય. માનવી પોરો ક્યારે ખાશે? મોતનાં વાવેતર ક્યારે ટળશે? આશાનું કિરણ નજરે પડે છે ખરું? આરબ સ્પ્રિંગ અને જાસ્મિન ક્રાંતિએ આશા જગાવી છે.
ખાસ નોંધવા જેવું છે કે માનવજાત અન્ય પ્રાણીઓ માટે પણ ખાસી ક્રૂર સાબિત થઈ છે. શિકાગોમાં દુનિયાનું સૌથી મોટું કતલખાનું છે. એમાં બહુ મોટા પાયા પર ગાય-ભૂંડ-ઘેટાં-મરઘાંની હત્યા પ્રતિક્ષણ થતી રહે છે. આ જગતમાં અન્ય પ્રાણીઓ પ્રત્યે આચરવામાં આવતી ક્રૂરતાનો જથ્થો કલ્પનામાં ન આવે એટલો મોટો છે. માંસાહારી માણસ ગાયનું માંસ ખાય છે, પરંતુ પાળેલા શ્વાનને ખૂબ પ્રેમથી જાળવે છે. કોઈ અમેરિકન જો બિલાડી પાળે તો એ બિલાડીનો વીમો પણ ઊતરાવે છે અને બિલાડી મરી જાય ત્યારે રડે છે. શ્વાન અને બિલાડી પામે એવો જ પ્રેમ ગાયને ક્યારે મળશે? કોઈ ભવ્ય રેસ્ટોરાંમાં ચિકનસૂપ પીતી વખતે માણસને વિચાર આવે ખરો કે પોતે એક જીવતી મરઘીની કતલનો સ્વાદ માણી રહ્યો છે!

જ્યાં સુધી પૃથ્વી પર કતલખાનાં કાયમ છે ત્યાં સુધી યુદ્ધ નહિ ટળે. માનવીની ક્રૂરતાનું સૌથી ભૂંડું સ્મારક કતલખાનું છે. પ્રાણીઓ પ્રત્યે બતાવવામાં આવતી ક્રૂરતાના વિરોધમાં હવે લગભગ બધાં શહેરોમાં એક નાનો, છતાં જોરદાર અવાજ સંભળાતો થયો છે. ઉતરાણને દિવસે દોરામાં ભેરવાઈને ઘાયલ થતાં અને મૃત્યુ પામતાં પક્ષીઓને બચાવવા માટેની ઝુંબેશમાં માનવીની શોભા પ્રગટ થતી દીસે છે. ગુજરાતમાં અસંખ્ય ફ્લેમિંગ પક્ષીઓ ખવાયાં, પરંતુ એ બાબતે પ્રજામાં તથા મિડિયામાં જબરો વિરોધ નોંધાયો. આ શરૂઆત સારી છે. માનવી અન્ય પ્રાણીઓનો સ્વામી નથી, પણ સહોદર છે. પૃથ્વી પર જે પ્રાણીસૃષ્ટિ છે એ એનિમલ કિંગ્ડમ નથી, પરંતુ ‘એનિમલ રિપબ્લિક’ છે. પૃથ્વી પર બધા જીવનો સમાન અધિકાર છે. આવી ભાવનાનો સ્વીકાર ન થાય ત્યાં સુધી યુદ્ધ નહિ ટળે.

આપણે સાવ નિરાશ ન થઈ જઈએ એવી વાત હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવન પિન્કરે જયપુરના લિટરરી ફેસ્ટિવલમાં કરી હતી. એમના મત મુજબ હિંસાનું પ્રમાણ ખાસ્સું ઘટ્યું છે અને માનવઇતિહાસમાં આજનો સમય સૌથી અધિક શાંતિપૂર્ણ છે. સ્ટીવન કહે છે કે મધ્યયુગના યુરોપમાં જે હત્યાદર (મર્ડર રેટ) હતો એ આજના દર કરતાં 30 ગણો વધારે હતો. એમની દલીલમાં રહેલો તર્ક આપણને ગમી જાય એવો છે. આપણે ઇચ્છીએ કે આવનારા સમયમાં પૃથ્વી પર થતી હત્યાનું પ્રમાણ હજી પણ ઘટે અને અહિંસા તથા કરુણાનું પ્રમાણ વધે. માંસાહારનો વિરોધ કરવામાં જૈનધર્મી પ્રજા મોખરે છે. છેલ્લાં 100 વર્ષમાં કોઈ જૈનધર્મીને ફાંસીની સજા થઈ ખરી? અન્ય માનવીનું ખૂન કરવા માટે કેટલી ક્રૂરતા જરૂરી? જે મનુષ્ય મરઘીને ન મારે એ અન્ય મનુષ્યને મારે ખરો? (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.