મોડર્નાની કોરોના રસી ૯૪ ટકા અસરદાર હોવાનો દાવો

 

નવી દિલ્હીઃ જેમ જેમ કોરોનાની રસીનાં પરીક્ષણો આગળ વધી રહ્યા છે તેમ તેમ દુનિયાની ઉત્પાદક કંપનીઓ દ્વારા આશાસ્પદ દાવાઓની પણ હારમાળા સર્જાઈ ગઈ છે. જેમાં સ્પૂતનિક અને ફાઈઝર પછી હવે વધુ એક દવા ઉત્પાદક કંપનીએ કોરોનાથી બચવા માટેની કારગત દવા બનાવવામાં સફળતા મેળવી લીધાનો દાવો કર્યો છે. અમેરિકાની કંપની મોડર્નાનાં જણાવ્યાનુસાર કોરોનામાં તેની રસી પરીક્ષણોમાં ૯૪ ટકા જેટલી અસરદાર રહી છે. ગંભીર મામલાઓમાં આ રસી ૧૦૦ ટકા સુધી અસરદાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મોડર્ના હવે આ રસીનાં આપાતકાલીન ઉપયોગ અને લાયસન્સ માટે અમેરિકા, યુરોપ અને બ્રિટનના સરકારી નિયામકો પાસે રસી પરીક્ષણોનાં તારણો મોકલવાની તૈયારીમાં છે. અમેરિકામાં તેને ૧૭મી ડિસેમ્બરે મંજૂરી પણ મળી જવાની આશા છે.