મોટા ભાગના સ્મૃતિકારોએ સ્ત્રીધન પર કન્યાઓનો જ અધિકાર દર્શાવ્યો છે

0
1004

 

પુત્રીઓ પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ કરવાની આ પરંપરા ચાલતી રહી. મોટા ભાગના સ્મૃતિકારોએ સ્ત્રીધન પર કન્યાનો જ અધિકાર દર્શાવ્યો. જોકે મનુ પુત્ર અને પુત્રી બન્નેને સ્ત્રીધનના ઉત્તરાધિકારી ગણે છે. એ કહે છે મોસાળમાંથી માતાને મળેલા ધન પર પણ દીકરીનો હક હોય છે, પણ વિવાહ પછી પિયરિયાં, સાસરિયાં અને પતિ તરફથી પ્રેમપૂર્વક મળેલું અન્વાધેય સ્ત્રીધન તેનાં સંતાનોને મળે છે. યાજ્ઞવલ્ક્ય કહે છે કે સ્ત્રીધન પુત્રીઓને જ મળે. જો પુત્રીઓ ન હોય તો સ્ત્રીધન પુત્રો લઈ શકે. વિષ્ણુ પણ સ્ત્રીધન પુત્રીને જ આપવાના પક્ષધર છે. તેમનું કહેવું છે કે તમામ આઠ પ્રકારના વિવાદમાં પુત્રી હોય તો તે જ સ્ત્રીધન લે છે. એ જ રીતે નારદના મતે માતાના મૃત્યુ પછી સ્ત્રીધન પુત્રીઓ લે. અને પુત્રીઓના અભાવમાં તેનાં સંતાનો સ્ત્રીધન અંદરોઅંદર વહેંચી લે. બૃહસ્પતિ અનુસાર સ્ત્રીધન સંતાનોને મળે છે, પણ તે પુત્રીઓને પ્રાથમિકતા આપે છે. પરાશર કહે છે કે કુંવારી કન્યાઓને સંપૂર્ણ સ્ત્રીધન મળી જાય છે, પરંતુ તેમના અભાવમાં વિવાહિત દીકરીઓ અને પુત્રો એ સ્ત્રીધન સરખા ભાગે વહેંચી લે છે. કાત્યાયન પણ એ જ મતના છે કે સ્ત્રીધનના ઉત્તરાધિકારમાં દીકરીઓને પ્રાધાન્ય મળે છે.

એ જ રીતે વિજ્ઞાનેશ્વર સ્પષ્ટ મત દર્શાવે છે કે સ્ત્રીધનની ઉત્તરાધિકારિણી પુત્રીઓ જ હોય છે. માતાના ધનમાં પુત્રોની તુલનામાં પુત્રીઓને પ્રાથમિકતા પ્રાપ્ત હોવાનું કારણ જણાવતાં વિજ્ઞાનેશ્વરે વિચિત્ર તર્ક રજૂ કર્યો છે. એમનું કહેવું છે કે પુરુષનો અંશ અધિક હોવાથી પુત્ર ઉત્પન્ન થાય છે અને સ્ત્રીના અંશ અધિક હોવાથી પુત્રી પેદા થાય છે. એથી પિતાનું ધન પુત્રોને અને માતાનું ધન અર્થાત્ સ્ત્રીધન પુત્રીને મળે છે.  આ વિધાન પાછળનું કારણ એ હતું કે પુત્ર પોતાના પિતાની સંપત્તિમાંથી પોતાની બહેનોને વારસાઈ ન આપે તો પુત્રીઓને સ્ત્રીધનની પ્રાપ્તિમાં એવો જ અધિકાર મળવો જોઈએ. ગુરુદાસ બેનરજીના મતે તેનું કારણ પુત્રપુત્રીઓમાં સંપત્તિના ન્યાયપૂર્ણ વિભાજનની સ્વાભાવિક ઇચ્છા રહેલી છે. હિન્દુઓમાં પુત્ર જ પિતાની સંપત્તિને પૂર્ણપણે ગ્રહણ કરે છે. તેની ક્ષતિપૂર્તિના રૂપમાં પુત્રીઓને તેમની માતાની સંપત્તિના ઉત્તરાધિકારની પ્રાથમિકતા અપાય છે!

સ્ત્રીધનમાં પુત્રીઓની જ પ્રાથમિકતા હતી, પરંતુ ધીમે ધીમે પુત્રોને પણ તેમાં અધિકાર મળતો ગયો. તેનું કારણ જણાવતાં ડો. મીનાએ નોંધ્યું છે કે, ‘પ્રારંભિક કાળમાં સ્ત્રીધન હેઠળ મુખ્યત્વે આભૂષણ જેવી સ્ત્રીઓને ઉપયોગી સામગ્રીનો જ સમાવેશ થતો હતો. એટલે સ્ત્રીધનનો ઉત્તરાધિકાર પુત્રીઓ સુધી જ સીમિત હતો, પરંતુ ધીમે ધીમે સ્ત્રીધનના સ્વરૂપ અને પ્રકારોમાં વિકાસ થયો. ફળસ્વરૂપે સ્ત્રીધન પર પુત્રો પણ દાવો કરવા લાગ્યા અને તેમના દાવાનો સ્વીકાર પણ થવા લાગ્યો. પછીના સમયમાં તો સ્ત્રીધનના સ્વરૂપમાં ઘણું પરિવર્તન થયું. તે વધુ ને વધુ જટિલ થયું. સાથે જ સ્ત્રીધનમાં અધિકારસંબંધી પુત્રોનો પક્ષ પણ જોર પકડતો ગયો. પરિણામે પુત્રીની સાથે પુત્રોને પણ સ્ત્રીધનમાં ઉત્તરાધિકાર પ્રાપ્ત થયો.’

આ ઉત્તરાધિકારને પગલે જ નારદે કહ્યું કે સ્ત્રીધન તેના પુત્રો અને પુત્રીઓને મળશે. બૃહસ્પતિએ પણ એમ જ કહ્યું કે સ્ત્રીધન તેનાં સંતાનોને મળે છે. જો કન્યાનું વાગ્દાન ન થયું હોય તો ભાઈઓ સાથે તેને પણ અધિકાર મળે છે, પરંતુ વિવાહિત પુત્રીને સ્નેહરૂપે નામ પૂરતો જ હિસ્સો મળે છે. કાત્યાયન સુધ્ધાં સ્ત્રીધનમાં પુત્રીઓ સાથે પુત્રોને પણ વારસ બનાવવાના દાવાને માન્યતા આપી. તેમના મતે સધવા બહેનોએ ભાઈઓ સાથે સ્ત્રીધનનો ભાગ લેવો જોઈએ, એ જ સ્ત્રીધન અને વિભાજનનો કાયદો છે. અન્યત્ર એ કહે છે કે કન્યાઓના અભાવમાં સ્ત્રીધન પુત્રોને મળે. અર્થાત્ પુત્રીઓ ન હોય તો માત્ર પુત્રો જ સ્ત્રીધનના ઉત્તરાધિકારી થશે. એ જ રીતે દેવલની સ્પષ્ટ ઘોષણા છે કે પુત્રો અને પુત્રીઓ સ્ત્રીધન સમાનરૂપે વહેંચી લે છે એથી એવું માની શકાય કે દેવલના સમય સુધીમાં પુત્રોનો પણ પર્યાપ્ત પ્રબળ થઈ ચૂક્યો હતો. જીમૂતવાદને પણ સ્ત્રીધનમાં કન્યાઓ સાથે પુત્રોના અધિકારનું ભારપૂવક સમર્થન કર્યું છે!

એટલે એમ કહી શકાય કે સ્ત્રીધનમાં પુત્રોને અધિકાર આપવાની ધારણા દિનપ્રતિદિન પ્રગાઢ થતી ગઈ. તેનું કારણ એ હતું કે સ્ત્રીધનના સ્વરૂપમાં ખાસ્સો વિકાસ થયો હતો. એટલે સ્ત્રીઓને બહોળી સંપત્તિ મળે એવું, સ્ત્રીઓને આક્ષિતા અને હીન સમજનારા પુરુષોને સ્વીકાર્ય નહોતું. જો સ્ત્રીધન પૂર્ણપણે પુત્રીઓને જ પ્રાપ્ત થાય તો પરિવારની સંપત્તિનો એક મોટો ભાગ બીજા કુટુંબમાં જતો રહે. અને આ બાબત સ્વાભાવિક જ પુત્રોને પસંદ પડે એવી નહોતી. એથી જ સ્ત્રીધનમાં પુત્રોને પણ અધિકાર અપાયો.

સ્ત્રીધનમાં પુત્રીની સાથે પુત્રોને પણ અધિકાર આપાયો, પરંતુ બન્નેના અભાવમાં એ ધનનું શું કરવું તેનું માર્ગદર્શન પણ સ્મૃતિકારોએ કર્યું છે એ વિશે મનુ કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, દૈવ, આર્ષ, ગાંધવ અને પ્રાજાપત્ય – આ પાંચ વિવાહમાં સ્ત્રીને ધન મળ્યું હોય અને એ નિઃસંતાન મૃત્યુ પામે તો તેના પતિનું ગણાય છે. ઉપરાંત આસુર, રાક્ષસ અને પૈશાચ વિવાહમાં સ્ત્રીને ધન મળ્યું હોય અને તે સ્ત્રી નિઃસંતાન મૃત્યુ પામે તો તે સ્ત્રીધન તેનાં માતાપિતાનું ગણાય છે. જોકે કેટલુંક સ્ત્રીધન એવું છે જે કોઈનું ગણાતું નથી. મનુ કહે છે કે પતિના જીવતાં જે અલંકારો સ્ત્રીઓએ પહેર્યા હોય, તે તેના મૃત્યુ પછી તેના વારસદારો ભાગમાં લઈ શકતા નથી છતાં તેના ભાગ પાડે તો તેઓ પતિત થાય છે. જોકે બ્રાહ્મણને બ્રાહ્મણી ઉપરાંત બીજી બે સ્ત્રીઓ હોય તેમાંની કોઈ નિઃસંતાન મૃત્યુ પામે તો તે સ્ત્રી પાસે તેના પિતાએ આપેલું જે ધન હોય તે બ્રાહ્મણીની દીકરી અથવા દીકરાને મળે, પરંતુ તે સ્ત્રીના જીવતાં જ તેનાં સગાંવહાલાં તેની મિલકત લઈ લે તો રાજાએ તેમને ચોરીની જે સજા હોય તે કરવી. કગારણ કે રોગી, વિધવા, પતિવ્રતા, કુટુંબીઓ વિનાની, અપુત્ર અને નિઃસંતાન સ્ત્રીઓના ધનની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે. મનુની જેમ યાજ્ઞવલ્ક્યે પણ નિઃસંતાન સ્ત્રીઓના ધન અંગે ચર્ચા કરી છે. એ કહે છે કે સ્ત્રી પ્રજા વિના જ મૃત્યુ પામે તો તેનું ધન તેના પતિને મળે. જો સ્ત્રીના બ્રાહ્મ, દૈવ, આર્ષ અને પ્રાજાપત્ય – આ ચાર પ્રકારમાં કોઈ પણ વિવાહ થયા હોય અને તે નિઃસંતાન મૃત્યુ પામે તો તેનું સ્ત્રીધન તેના પતિને મળે. ઉપરાંત આસુર, ગાંધર્વ, રાક્ષસ કે પૈશચ વિવાહ કરનાર સ્ત્રી નિઃસંતાન મૃત્યુ પામે તો તેનું સ્ત્રીધન તેના માતાપિતાને મળે છે.

આ રીતે સ્ત્રીધન વિશે જાતજાતના નિયમો ઘડાયા. સ્ત્રીધન એ સ્ત્રીનું જ ધન છે એવું જોરશોરથી કહેવાયું, પણ વ્યવહારમાં તો સ્ત્રી નિર્ધન જ ગણાઈ, કારણ કે મનુએ કહ્યું કે સ્ત્રી જે ધન મેળવે છે તે તેના પતિનું હોય છે. આ વિધાનના અનુસંધાનમાં એટલું જ કહી શકાય કે સ્મૃતિકારોએ સ્ત્રીને એક હાથે ધન આપ્યું અને બીજા હાથે પાછું લઈ લીધું!

 

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.