
તાજેતરમાં કરાયેલા એક સર્વેક્ષણમાં એવાત જાણવા મળી હતી કે, અમેરિકામાં વસનારા એશિયનો હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્ય પધ્ધતિથી નારાજ છે. આગામી પ્રમુખપદની ચૂંટણીમાં આશરે 68 ટકા એશિયન- અમેરિકનો રિપબ્લિકન ઉમેદવારને મત નહિ આપે, પણ તેઓ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને મત આપશે એવું જણાવવામાં આવ્યું હતું. માત્ર 28 ટકા જેટલા એશિયન- અમેરિકન લોકોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કામગીરીને યોગ્ય અને સમયસરની ગણાવી હતી. જોકે 4 ટકા જેટલા લોકોએ પોતાનો અભિપ્રાય જણાવ્યો નહોતો. અમેરિકાના જે જે રાજ્યોમાં એશિયન -અમેરિકન લોકોની વસ્તી ગણનાપાત્ર છે, તેવા 34 રાજ્યોમાં આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુ જર્સી, ન્યુ યોર્ક, કનેક્ટિકટ, કેલિફોર્નિયા, ટેકસાસ, ફલોરિડા વગેરે રાજ્યોનો સમાવેશ થતો હતો. મોટાભાગના મતદારોએ એવો મત પણ વ્યક્ત કર્યો હતો કે, જે દિવસે મતદાન યોજાયું હોય તે દિવસે દરેક મતદાતાને તેમના ચાલુ પગારે બે કલાક માટે મતદાન માટે રજા આપવામાં આવવી જોઈએ. 2020માં યોજાનારી અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ઘણા સ્ટેટમાંથી એશિયન – અમેરિકન ઉમેદવારો ચૂંટણીમાં ભાગ લેશે. જેના કારણે 2020ની ચૂંટણી અમેરિકાના નાગરિકોની પ્રતિભાઅને સમજદારીની કસોટી કરશે. યોગ્ય ઉમેદવારની પસંદગી બાબત અમેરિકાની જનતા કેવો અભિગમ અપનાવે છે જાણવા- સમજવાનું રસપ્રદ બની રહેશે.