મોંઘવારી મોંફાડ, રિટેલ ફુગાવો વધીને ૭.૫૯ ટકાઃ છ વર્ષની ટોચે

 

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સપ્તાહમાં જાહેર કરાયેલા આર્થિક આંકડાઓ પરથી એવું લાગી રહ્યું હતું કે હવે અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી ગયું છે, પરંતુ બુધવારે જાહેર થયેલા મોંઘવારી અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાએ ફરી એકવાર સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. મંગળવારે નાણાપ્રધાન નિર્મલા સીતારામને અર્થતંત્રમાં સુધારો થયો હોવાના કરેલા દાવા પછી બુધવારે જારી થયેલા આંકડાઓએ સાબિત કરી દીધું છે કે ભારતીય અર્થતંત્ર હજુ મંદીમાંથી બહાર આવી શક્યું નથી. જાન્યુઆરીમાં શાકભાજી, કઠોળ અને માંસ-માછલીના ઊંચા ભાવને પગલે જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો વધીને ૭.૫૯ ટકા રહ્યો છે, જે સાડાપાંચ વર્ષની ઊંચી સપાટીએ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો ડિસેમ્બર, ૨૦૧૯માં ૭.૩૫ ટકા અને જાન્યુઆરી, ૨૦૧૯માં ૧.૯૭ ટકા હતો. આ અગાઉ મે, ૨૦૧૪માં સીપીઆઇ આધારિત રિટેલ ફુગાવો ૮.૩૩ ટકા હતો. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લેમેન્ટેશન મંત્રાલય હેઠળની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, જાન્યુઆરી, ૨૦૨૦માં ખાદ્યાન્ન ફુગાવો ૧૩.૬૩ ટકા રહ્યો છે, જે ગયા મહિને ૧૪.૧૯ ટકા હતો. જાન્યુઆરી, ૨૦૨૦માં શાકભાજીના ભાવમાં ૫૦.૧૯ ટકા અને દાળોના ભાવમાં ૧૬.૭૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. ઇંડાંના ભાવમાં ૧૦.૪૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે માછલીના ભાવમાં ૧૦.૫૦ ટકા વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ ડિસેમ્બર, ૨૦૧૯ના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા બુધવારે જારી કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર, ૨૦૧૯માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૦.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં ઘટાડાના પગલે ડિસેમ્બરના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બર, ૨૦૧૯માં ઔદ્યોગિક ઉત્પાદન ૧.૮ ટકા હતું. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના આધારે ગણવામાં આવતું ઔદ્યોગિક ઉત્પાદન ડિસેમ્બર, ૨૦૧૮માં ૨.૫ ટકા હતું.  ઔદ્યોગિક ઉત્પાદન ઓગસ્ટ, ૨૦૧૯માં માઇનસ ૧.૪ ટકા. સપ્ટેમ્બર, ૨૦૧૯માં માઇનસ ૪.૬ ટકા અને ઓક્ટોબર, ૨૦૧૯માં માઇનસ ૪ ટકા હતું. ડિસેમ્બર, ૨૦૧૯માં મેન્યુફેકચરિંગ સેક્ટરનાં ૨૩ ઔદ્યોગિક જૂથો પૈકી ૧૬માં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો છે. એપ્રિલથી ડિસેમ્બર, ૨૦૧૯ સુધીના સમયગાળાની વાત કરવામાં આવે તો આ સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ફક્ત ૦.૫ ટકાનો વધારો થયો છે. અગાઉના વર્ષના સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૪.૭ ટકાનો વધારો નોંધાયો હતો.