મેલેનિયા ટ્રમ્પે સરકારી સ્કૂલના હેપ્પીનેસ ક્લાસની મુલાકાત લીધી

 

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે આવેલાં તેમનાં પત્ની મેલેનિયા ટ્રમ્પે મંગળવારે બપોરે દિલ્હીની સર્વોદય કો-એડ સ્કૂલમાં પહોંચ્યાં હતાં. તેમના સ્વાગતમાં સ્કૂલને ફૂલો અને રંગોળીથી સજાવવામાં આવી હતી. સ્કૂલ પહોંચતાં જ મેલેનિયા ટ્રમ્પનું બેન્ડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. માથે કંકુનો ટીકો લગાવીને માળા પહેરાવીને ભારતીય સંસ્કૃતિ અનુસાર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમય દરમિયાન મેલેનિયા બાળકો અને ટીચિંગ સ્ટાફ સાથે ભળતાં જોવા મળ્યાં હતાં. પિંક લેહેંગામાં સજ્જ એક બાળકી સાથે તેઓ લાંબા સમય સુધી વાતચીત કરતાં જોવા મળ્યાં હતાં. તેમને સ્મૃતિચિહ્ન તરીકે મધુબની પેઇન્ટિંગ ભેટમાં મળી હતી. તેમણે કહ્યું હતું કે નમસ્તે, આ મારી ભારતની પ્રથમ મુલાકાત છે. હું શબ્દો પસંદ કરી શકતી નથી. અહીંના લોકો ખૂબ જ મિલનસાર અને દયાળુ છે. હું અને રાષ્ટ્રપતિ અહીં આવીને ખુશ છીએ. 

સર્વોદય એટલે બધા માટે સમૃદ્ધિ અને પ્રગતિ. અહીં શિક્ષકોની સખત મહેનત અને બાળકોનું સમર્પણ મને સ્પષ્ટપણે દેખાય છે. આ એક શાનદાર શાળા છે. મેં હેપ્પીનેસ ક્લાસમાં અભ્યાસક્રમની સમીક્ષા કરી. આવા કાર્યક્રમો વિશ્વની પ્રેરણા બની શકે છે. અમારા શાનદાર સ્વાગત માટે આભાર. સુરક્ષા કારણોસર અગાઉ આ શાળાનું નામ જાહેર કરાયું ન હતું. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આમંત્રણ અપાયું ન હતું.