મેલબોર્નમાં ભારતે પાકિસ્તાનને ૪ વિકેટે હરાવ્યું

 

મેલબોર્ન: ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લા બોલે રમાયેલી રોમાચંક મેચમાં પાકિસ્તાનને હરાવીને દેશને દિવાળીની ભેટ આપી છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડયાની ઐતિહાસિક બેટિંગનું આખું પાકિસ્તાન યાદ કરશે. છેલ્લી ઓવરમાં ભારતના ૧૬ રનની જરૂર હતી અને નવાઝે આ ઓવરમાં વાઇડ, નો, છગ્ગો અને વિકેટ બધું જ જોયું અને છેલ્લી ઓવરમાં ભારતીય ટીમે વિજય નોંધાવતા ફકત બે પોઇન્ટ જ ન મેળવ્યા પરંતુ પાકિસ્તાનના ઘમંડને પણ તોડી નાખ્યો હતો. ભારતીય બેટસમેન વિરાટ કોહલીએ ફરી એકવાર દુનિયાને બતાવી દીધું કે તે મોર્ડન ક્રિકેટમાં વિશ્વનો સૌથી મોટો મેચ વિનર છે. મેલબોર્નમાં એકમાત્ર વિરાટ કોહલી જ છવાયેલો રહ્યો હતો. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે ૫૩ બોલમાં ૮૨ રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા સામેલ હતા. વિરાટની આ ઇનિંગના કારણે ભારતે પાકિસ્તાને ૪ વિકેટે હરાવ્યું અને ગયા વર્ષ ટી-૨૦ વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો પૂરો કર્યો. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની લીગ મેચમાં પાકિસ્તાનની ટીમે દુબઇના મેદાન પર ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું. આ મેચની વાત કરીએ તો ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમે ૮ વિકેટ ગુમાવીને ૧૫૯ રન બનાવ્યા હતા, જેમાં ઇફિતખાર અહેમદ અને શાન મસૂદે અડધી સદી ફટકારી હતી. આ સાથે જ ભારત તરફથી હાર્દિક પંડયા અને અર્શદીપ સિંહે ૩-૩ વિકેટ લીધી હતી. જયારે ભારતની ટીમ ૧૬૦ રનના ટાર્ગટનો પીછો કરવા ઉતરી ત્યારે ટીમની ચાર વિકેટ ૩૧ રનમાં પડી ગઇ હતી. હાર્દિક પંડયાએ ૩૭ બોલમાં ૧ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૪૦ રન ફટકાર્યા છે આ પછી વિરાટ કોહલીએ હાર્દિક પંડયા સાથે ૧૧૩ રનની ભાગીદારી કરી અને પછી તેણે એકલા હાથે મેચ જીતી લીધી. જો કે, જીતનો શોટ અશ્વિને ફટકાર્યો, જેણે ચોગ્ગો ફટકારીને ભારતને જીતવામાં મદદ કરી.