મેમનગરમાં સાહિત્ય-સાધનાનું નવું વેચાણકેન્દ્ર

અમદાવાદઃ મહાનગરના સતત વિકાસ અને સાહિત્ય-સાધનાનાં પ્રકાશનોના વ્યાપક પ્રસારના હેતુને ધ્યાનમાં રાખી કર્ણાવતીના મેમનગર વિસ્તારમાં ‘સાહિત્ય સાધના’ના અદ્યતન વેચાણકેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ સંદર્ભે રાષ્ટ્રીય વિચારધારાનાં પુસ્તકોના પ્રકાશન પ્રચારક અને વિક્રેતા ‘સાહિત્ય સાધના’ ટ્રસ્ટની નવી બુકશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમ અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ સુનીલભાઈ મહેતા તેમ જ પ્રાંત સહકાર્યવાહ શૈલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘લા ગ્રેસિયા, વિવેકાનંદ સર્કલ પાસે, મેમનગરમાં યોજાયો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી રસિકભાઈ ખમાર, શૈલેશભાઈ પટેલ, ભરતભાઈ શાહ, નારણભાઈ મેઘાણી, ભગીરથભાઈ દેસાઈ સહિત અનેક અગ્રણીઓ અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ‘સાહિત્ય-સાધના’ની પુસ્તક ગાડી પણ લોકાર્પિત કરવામાં આવી હતી. કર્મયોગી ભરતભાઈ પરમારને ચાવી અર્પણ કરી પ્રા. સુનીલભાઈ મહેતાએ સાહિત્ય-સાધનાની પુસ્તક ગાડીનું લોકાર્પણ કર્યું હતું.
સંઘના વરિષ્ઠ સ્વયંસેવક સ્વ. નારાયણરાવ ભાંડારી પરિવાર દ્વારા આ સ્થાન દસ વર્ષ માટે સાહિત્ય- સાધનાને નિઃશુલ્ક ઉપયોગ કરવા માટે આપ્યું છે. આ નિમિત્તે સાહિત્ય સાધનાના ટ્રસ્ટીઓએ ભાંડારીજીના પરિવારજનોનો આભાર માન્યો હતો અને સ્વ. નારાયણરાવ ભાંડારીનાં ધર્મપત્ની શ્રીમતી શશિકલાબહેનને શાલ અને શ્રીફળ આપી બહુમાન કર્યું હતું. ઉપરાંત નારણભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે આજના સંદર્ભમાં પુસ્તક વેચાણકેન્દ્રને આધુનિક બનાવવું જરૂરી હતું. સાધના દ્વારા સાહિત્યના વિચારને ઘરે ઘરે પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. ટૂંક સમયમાં વાચકો પુસ્તકોની ખરીદી ઓનલાઇન પણ કરી શકશે. આ સંદર્ભે કામ ચાલુ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવાંગભાઈ આચાર્યે કર્યું હતું. આ દિવસે અહીં ગાયત્રી-યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્ય અને રાષ્ટ્રપ્રેમી વાચકો, પુસ્તકપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.