મેટટ્યુબ કોપર ઈન્ડિયા કંપની અને ગુજરાત સરકાર વચ્ચે MOU

 

ગાંધીનગર: એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશન એપ્લીકેશનમાં વપરાશમાં લેવાતી કોપર ટ્યુબનું ઉત્પાદન હવે ગુજરાતમાં થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ સંદર્ભમાં ગુજરાત સરકારના ઉદ્યોગ, ખાણ વિભાગ અને કોપર ટ્યુબના ઉત્પાદન તથા વિકાસમાં અગ્રણી કંપની મેટટ્યુબ કોપર ઇન્ડિયા પ્રા.લિ. વચ્ચે ગાંધીનગરમાં MOU થયા હતા. સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં મેટટ્યુબ ઇન્ડિયા પ્રા.લિ પોતાનો આ કોપર ટ્યુબ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટ શરૂ કરશે. જે જાન્યુઆરી ૨૦૨૪માં ઉત્પાદન શરૂ કરે તેવી નેમ રાખવામાં આવી છે. 

વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરતો આ કોપર ટ્યુબ ઉત્પાદન પ્લાન્ટ ભારત અને ગુજરાતમાં પ્રથમવાર શ‚ થશે. કેન્દ્ર સરકારે કોપર ટ્યુબ ઉત્પાદનને દેશમાં જ પ્રમોટ કરવા આપેલા પ્રોત્સાહનોને પગલે આ સૂચિત પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે. ફિફથ જનરેશનના કોપર ટ્યુબના નિર્માણથી ભવિષ્યમાં ઉપકરણોના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં આ સૂચિત પ્લાન્ટ મદદ થશે. 

મેટટ્યુબ કોપર ઇન્ડિયાના ચેરમેન અપૂર્વ બાગરીએ કહ્યું કે, તેઓ મલેશિયામાં એક મોટો પ્લાન્ટ ચલાવે છે. ઉચ્ચ કાર્યક્ષમ ઇકો ફ્રેન્ડલી કોપર ટ્યુબના ઉત્પાદનનો ઉપયોગ મુખ્યત્વે વર્લ્ડ કલાસ એપ્લાયન્સ મેન્યૂફેકચરીંગ કરતા ઉત્પાદકો કરે છે. હવે કોપર ટ્યુબનો સૂચિત પ્રોજેક્ટ શરૂ‚ કરવા તેઓએ ગુજરાતના સાણંદ પર પસંદગી ઉતારી છે. આ સૂચિત પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની ઇકો સિસ્ટમ દ્વારા અંદાજે ૧૫૦૦  લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળતી થશે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની તથા મેટડીસ્ટ ગૃપના અધ્યક્ષ અપૂર્વ બાગરી એ આ MOU પરસ્પર આપ-લે કરી હતી.