અમદાવાદઃ મહારાષ્ટ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડા બાદ રાજ્યમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. બુધવારે પણ રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છ સહિત અનેક જગ્યાએ વરસાદનું આગમન શરૂ થયું હતું. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં એક હોર્ડિંગ પડી ગયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ગોંડલ પંથકના ભરૂડીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અહીં પવનને લીધે વીજળી પણ ગુલ થઈ હતી. તો ગોંડલ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ આવતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ગોંડલ પંથકમાં ૨૦ મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.