બહુમુખી પ્રતિભાસંપન્ન ફિલ્મ – સર્જક ગુલઝારની મેધાવી પુત્રી મેઘના ગુલઝાર નિર્દેશિત ફિલ્મ રાઝીને અભૂતપૂર્વ લોકઆવકાર મળ્યો છે. પ્રેક્ષકો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં આલિયા ભટ્ટે લાજવાબ અભિનય કર્યો છે. કેટલાક કલાકારો જન્મજાત પ્રતિભા ધરાવતા હોય છે, તો કેટલાક કલાકારો ક્રમશ અનુભવ અને સખત પરિશ્રમથી સફલતા હાંસલ કરતા હોય છે. પોતાની પહેલી જ ફિલ્મ ગુડ્ડીથી પ્રતિભા પુરવાર કરનારાાં જાજ્વલ્યમાન કલાધરિત્રી જયા બચ્ચનની જેમ આલિયા પણ પોતાની સહજ અભિનય પ્રતિભાના જોરે સફળતા અને પ્રશંસા પ્રાપ્ત કરી લે છે. કરણ જૌહર નિર્મિત ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મે એ વાત સાબિત કરી જ દીધી હતી. પંજાબી નવલકથાકાર હરીન્દર સિક્કાની નવલકતા સહમત પરથી બનેલી આ ફિલ્મમાં એક મહિલા જાસૂસની કથા પેશ કરવામાં આવી છે. ભારતના4 સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઈ ચૂકેલા બે દોસ્તોમાં એક મિત્ર ભારતમાં અને બીજો મિત્ર પાકિસ્તાનમાં રહે છે. ભારતના જમ્મુ -કાશ્મીર વિસ્તારમાં રહેતો દોસ્ત પોતાની પુત્રી પાકિસ્તાની લશ્કરી અધિકારીના પુત્ર સાથે પરણાવે છે, ત્યારે લાગ જોઈને ભારતીય ગુપ્તચર ખાતાના અધિકારી મીર સાહેબ આ યુવતીને જાસૂસી કરવાની તાલીમ આપીને પાકિસ્તાન મોકલે છે. આ ફિલ્મમાં મહિલા જાસૂસ તરીકે આલિયા ભટ્ટે લાજવાબ અભિનય કર્યો હોવાનું ફિલ્મ -વિવેચકો કહી રહ્યા છે. 22મે સુધીમાં આફિલ્મે 82 કરોડની આવક કરી લીધી હતી. હવે એને 100 કરોડનો આંક પાર કરતા વાર નહિ લાગે…