મેક્સિકોમાં ‘ઓટિસ’ વાવાઝોડાએ તબાહી સર્જી, ૪૮નાં મોત

મેક્સિકોઃ ઓટિસ વાવાઝોડાએ મેક્સિકોમાં તબાહી મચાવી છે. આ વાવાઝોડું એટલું ખતરનાક બની ગયું છે કે તેણે ઓછામાં ૪૮ લોકોના જીવ લીધા છે. ગુરેરોના ગવર્નર એવલિન સાલ્ગાડો પિનેડાએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે આવેલા વાવાઝોડાને કારણે ગુરેરા રાજયમાં લગભગ ૪૮ લોકોના મોત થયા હતા. મૃતકોમાં પાંચ પુરુષો અને ૩૩ મહિલાઓનો સમાવેશ થાય છે. સાથે જ અધિકારીઓની સુઝબુઝના કારણે ૧૦ લોકોના જીવ બચાવી શકાયા હતા.
પેસિફિક મહાસાગરના કિનારે આવેલા મેક્સિકોના એકાપુલ્કોમાં ગયા બુધવારે ૧૬૫ માઇલ પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાથી પ્રવાસન સ્થળ ખંડેર થઇ ગયું હતું. વાવાઝોડાના કારણે ૨૨૦,૦૩૫ મકાનો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત વિસ્તારની ૮૦ ટકા હોટલોને નુકસાન થયું છે.
કેટેગરી પાંચના વાવાઝોડા તરીકે ઓટિસે વિનાશ સર્જ્યો હતો. દરિયાકાંઠાના વિસ્તારો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે તેણે લોકોના ઘર, બહાર પાર્ક કરેલા વાહનો, ઇલેકટ્રીક થાંભલા, વૃક્ષો અને મોબાઇલ ટાવરને ઘણું નુકસાન પહોંચાડયું હતું. જેના કારણે માર્ગ અને હવાઇ સંપર્ક ખોરવાઇ ગયો છે.
લગભગ નવ લાખની વસ્તી ધરાવતું શહેર એકાપુલ્કો વાવાઝોડાના કારણે તબાહ થઇ ગયું છે. મળતી માહિતી મુજબ એક હોસ્પિટલના ગ્રાઉન્ડ ફલોર પર પાણી ભરાઇ ગયા છે.
લોકોએ પૂરની જાણ કરી છે. તે જ સમયે,અન્ય હોસ્પિટલમાં ઇલેકટ્રોમિકેનિકલ સાધનો અને ઔષધીય ગેસના સપ્લાયને અસર થઇ હતી. વૃક્ષો અને ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઇ ગયા છે. મેક્સિકોના વાવાઝોડાની ચેતવણી પ્રણાલીએ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ૨૭ સેન્સરને નુકસાન પહોંચાડયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર એકાપુલ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ નુકસાન થયું છે. જોકે, હવે કામગીરી કરી શરૂ કરવામાં આવી છે.