નાગપુરઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે, અનેક રાજ્યોમાં હોસ્પિટલો ફુલ થવા લાગી છે અને ઓક્સિજનથી લઇને રેમડેસિવિર ઇન્જેકશનની અછતની ફરિયાદો સામે આવી રહી છે. એવામાં મહારાષ્ટ્રમાં એક કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે. ૮૫ વર્ષના નારાયણ દાભડકર નામના એક વૃદ્ધને કોરોના પોઝિટીવ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે બેડની અછત જણાતા આ વૃદ્ધે પોતાનો બેડ એક યુવા વયના કોરોનાના દર્દીને આપી દઇને અનોખું ઉદાહરણ પુરું પાડયું હતું. જોકે બેડ ખાલી કર્યાંના થોડા દિવસમાં જ આ વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
નાગપુરના રહેવાસી નારાયણ નામના આ વૃદ્ધે એમ કહીને પોતાનો બેડ ખાલી કરી આપ્યો કે મેં મારી જિંદગી જીવી લીધી છે, હવે મને વધુ જીવવાની જરૂર નથી, માટે મારો બેડ અન્ય યુવા વયના કોરોનાના દર્દીને આપી દેવામાં આવે. આશ્ચર્યની વાત એ છે કે નારાયણ દાભડકરને પરિવારે ભારે મહેનત કરીને એક બેડ અપાવ્યો હતો. બેડના કાગળીયાની કાર્યવાહી ચાલી જ રહી હતી ત્યારે એક મહિલા પોતાના પતિને લઇને હોસ્પિટલ આવી હતી. આ મહિલા પોતાના પતિ માટે બેડ શોધી રહી હતી પણ કોઇ જ બેડ ખાલી નહોતો.
આ મહિલાની પિડા જોઇને નારાયણ દાભડકરે ડોક્ટરને કહ્યું કે મારો બેડ આ બહેનના પતિને આપી દો, મારી ઉંમર ૮૫ વર્ષની થઇ ગઇ છે, મેં ઘણી જિંદગી જીવી લીધી છે. હાલ મારા કરતા આ બહેનના પતિને બચાવવા વધુ જરૂરી છે. માટે તેમને બચાવો. જો આ મહિલાનો પતિ મરી ગયો તો તેમના બાળકો અનાથ થઇ જશે. બાદમાં નારાયણે પોતાનો બેડ આ મહિલાના પતિને આપી દીધો અને તેઓ હોસ્પિટલેથી ઘરે જતા રહ્યા, બાદમાં ત્રણ જ દિવસમાં નારાયણે જીવ ગુમાવી દીધો.