મૂળ કચ્છના નીરજ અંતાણીએ રચ્યો ઈતિહાસ, ઓહિયો રાજ્યના સેનેટર તરીકે ચૂંટાયા 

 

ઓહિયોઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. તો અનેક રાજ્યોમાં ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યાં છે. ઓહિયો રાજ્યમાંથી એક ગુજરાતી પણ સેનેટ માટે ચૂંટાયા છે. અમેરિકામાં જન્મેલા અને મૂળ કચ્છના નીરજ અંતાણી રિપબ્લિકનના ઓહિયો રાજ્ય સેનેટ માટે ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે. નીરજ હાલ રાજ્યના પ્રતિનિધિ છે અને તેમણે ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગેલને હરાવ્યા હતા. 

નીરજ અંતાણી હાલમાં રાજ્યના પ્રતિનિધિ છે, તેમણે મંગળવારે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગેલને હરાવ્યા હતા અને ઓહિયો સેનેટના છઠ્ઠા જિલ્લા માટે રાજ્ય સેનેટર તરીકે ચૂંટાયા હતા, જેમાં મોન્ટગોમરી કાઉન્ટીના મોટાભાગના વિસ્તારનો સમાવેશ થાય છે.

નીરજ અંતાણી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. તેમના માતા-પિતા ૧૯૮૭મા ભારતમાંથી વોશિંગટન શિફ્ટ થયા હતા અને ત્યારબાદ મિયામી જતા રહ્યા હતા. નીરજનો જન્મ અમેરિકામાં થયો હતો. નીરજ ૨૩ વર્ષની ઉંમરમાં ૨૦૧૪મા પ્રતિનિધિઓના ઓહિયો ગૃહમાં ચૂંટાયા હતા. તો ૨૦૧૫મા ફોર્બ્સ મેગેઝિને કાયદા અને નીતિ માટે ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ટોપ-૩૦ લોકોમાં નીરજ અંતાણીનો સમાવેશ કર્યો હતો. સેનેટમાં જીત બાદ ટ્વીટ કરીને બધા લોકોનો આભાર માન્યો હતો. હું મારા બધા મતદારો, સમર્થન આપનારાઓ, ટીમ અને ટેકેદારોનો  ખૂબ આભારી છું. તમારા રાજ્યના સેનેટર તરીકે, હું દરરોજ સખત મહેનત કરીશ જેથી બધા ઓહિયોઅન્સને તેમનું અમેરિકન ડ્રીમ પ્રાપ્ત કરવાની તક મળી શકે!