મૂડીઝે ભારતના ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને ૫.૩ ટકા કર્યું

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો વાગે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, જેથી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે. આ પહેલાં તેણે કહ્યું હતું કે ૨૦૨૦માં ભારતનો જીડીપી ગ્રોથ ૫.૪ ટકા રહેશે, પણ હવે આ અનુમાન ઘટાડીને ૫.૩ ટકા કરવામાં આવ્યું છે, જ્યારે ૨૦૨૧માં ગ્રોથ રેટ ૬.૬ ટકાનો રહેશે, પણ હવે  ઘટાડીને ૫.૮ ટકા રહેશે તેમ મૂડીઝનું કહેવું છે. કોરોનાને કારણે ઘરેલુ માગ પણ પ્રભાવિત થશે. સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે અને એની સાથે દેશોનો એકબીજા સાથેનો વેપાર અટકી રહ્યો છે. હાલમાં વિમાનસેવા, હોટેલો, રેસ્ટોરાં, ક્રૂઝલાઇનર એમ બધા પ્રકારના વ્યવસાય પર જોખમ આવી ગયું છે. વાહન કંપનીઓ પ્રભાવિત થઈ રહી છે. જો વાઇરસનો પ્રભાવ વહેલી તકે ઓછો થશે તો એજન્સી પોતાના અનુમાન પર ફરીવાર વિચાર કરશે.