મુસ્લિમો પાસે ૧૫૦ દેશોમાં જવાનો વિકલ્પ, હિન્દુઓ ક્યાં જાય?ઃ નીતિન ગડકરી

નાગપુરઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું હતું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમો પાસે દુનિયાના ૧૫૦ ઇસ્લામિક દેશોમાં જવાનો વિકલ્પ છે. એનાથી ઊલટું, આ ત્રણેય દેશોમાં ધર્મના નામે પીડા ભોગવતા અલ્પસંખ્યકો પાસે ભારતમાં શરણ લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. તેમણે અહીં નવા નાગરિકતા કાયદાના સમર્થમાં યોજાયેલી સભામાં આ વાત કહી હતી.
નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ ત્રણેય દેશોમાંથી આવનારા મુસ્લિમ શરણાર્થી ગણવામાં આવતા નથી, જ્યારે હિન્દુ, જૈન, પારસી શીખ અને ખ્રિસ્તીઓને શરણાર્થી કહેવામાં આવે છે. દુનિયામાં ૧૦૦થી ૧૫૦ ઇસ્લામિક દેશો છે. જો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના મુસ્લિમો તેમનો દેશ છોડવા માગે તો તેઓ આ દેશોમાં જઈ શકે છે, પરંતુ હિન્દુ, જૈન, પારસી, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓ માટે અન્ય કોઈ જ વિકલ્પ નથી. હિન્દુઓ સહિત બીજા લઘુમતીઓને પડોશી દેશોમાં યાતનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યાં તેમની પર અત્યાચાર થઈ રહ્યો છે. હત્યાઓ થઈ રહી છે, તેમની સંપત્તિઓ લૂંટવામાં આવી રહી છે, મહિલાઓની સાથે બળાત્કાર કરવામાં આવી રહ્યા છે એવામાં તેઓ ભારત સિવાય ક્યાં જશે?