મુશ્કેલીઓમાં માણસની આંતરિક શક્તિઓ પુરબહારમાં ખીલી ઊઠે છે

0
934

હમણાં એક મિત્રનો નવો બંગલો જોવા જવાનું થયું. એમણે સરસ મજાનું ઘર બનાવ્યું હતું, જેમાં એમણે તમામ આધુનિક અને એકદમ મોડર્ન કહી શકાય એવી ચીજવસ્તુઓ અને ડિઝાઇન થકી પ્રથમ નજરે જ ગમી જાય એવું ઘર બનાવ્યું હતું, જેને જોતાં જ કોઈ પણ વ્યક્તિથી ‘વાહ’ એવો શબ્દ અનાયાસ નીકળી જાય. મારાથી પણ એમના ઘરની પ્રશંસા થઈ ગઈ.
‘કહેવું પડે! અફલાતૂન ઘર બનાવ્યું છે!
મિત્ર ખુશ થઈ ગયા. બાજુમાં જ એમનાં વયોવૃદ્ધ માતાપિતા બેઠાં હતાં. એમની સામું જોઈ બોલ્યા…
‘બીજું બધું તો ઠીક, પરંતુ આ ઘરમાં બા-બાપુજીને નથી ફાવતું, એમને જૂનું ઘર યાદ આવે છે…’
મને થયું આ તો સામાન્ય રીતે બનતી ઘટના ગણી શકાય. આપણે જ્યાં રહેતા હોઈએ એ ઘર, ફર્નિચર, મહોલ્લો કે ગામ, ખેતર માટે જાણેઅજાણે આપણને લગાવ થઈ જતો હોય છે. ઘણા લોકો એને ‘માયા લાગવી’ એવું પણ કહેતા હશે, પરંતુ કોઈક પરિવેશ કે કોઈક ચીજવસ્તુ જેનો આપણી જિવાતી જિંદગી સાથે સંબંધ હોય એ માટે આપણા દિલમાં કૂણો ભાવ કે લાગણીની ભીનાશ જોવા મળે એ સ્વાભાવિક છે, પરંતુ અમારા મિત્રને જે રંજ હતો એ થોડાક અલગ પ્રકારનો હતો. તે દુઃખભર્યા ચહેરે કહી રહ્યા હતાઃ
‘ના ફાવે એવું અહીં કોઈ કારણ જ નથી, પરંતુ બા-બાપુજીને એ વાતની સતત ચિંતા રહે છે કે ફ્લોરિંગમાં જે ટાઇલ્સ નખાવી છે એમાં ક્યારેક લપસી પડીએ તો ગંભીર ઈજા થઈ શકે! અને આ ઉંમરે અમારે ઈજાગ્રસ્ત હાલતમાં જીવવું એટલે…?’
સમસ્યાનું કારણ મિત્રે નવા ઘરમાં નખાવેલી આકર્ષક અને નયનરમ્ય ટાઇલ્સ હતી! આ ટાઇલ્સ તેના દેખાવ અને ચળકાટથી સૌ કોઈને આકર્ષી જાય એવી હતી, પરંતુ એની તીવ્ર લીસી સપાટી ક્યારેક કોઈના માટે અકસ્માતરૂપ બની જાય એવો પૂરેપૂરો સંભવ રહેલો હતો. ઉંમરલાયક માતા-પિતા આ બાબતે દુઃખી થાય એ વાત પણ કંઈ ખોટી તો નહોતી જ! મિત્રને વસવસો બસ એટલો જ હતો કે મહેનત કરીને મજાનું ઘર બનાવ્યું હતું તોય માતા-પિતાને ખુશ ન કરી શક્યા! અરે આ જ મા-બાપ જૂના ખખડી ગયેલા ઘરમાં રોજ બૂમો પાડતાં કે હવે તો ધૂળ અને કચરો કાઢી-કાઢીને થાક્યાં, કોઈક સારી જગ્યાએ નવું ઘર બનાવને તો બધા સુખચેનથી રહી શકીએ!
આવા વિરોધાભાસો રોજિંદી ઘટમાળની જેમ આપણી આસપાસ વ્યક્ત થતા હોય છે, પરંતુ આપણા સૌની તલાશ તો વધારે સુખ, વધારે આરામદાયક સુખસગવડો માટેની જ હોય છે અને એ માટે આપણે સૌ તનતોડ પ્રયાસો પણ કરતા રહીએ છીએ. આ પ્રયત્નો થકી ક્યારેક આપણે ભૌતિક માપદંડો તો સિદ્ધ કરી લઈએ છીએ, પરંતુ એના થકી મળતો આનંદ કે આંતરિક તૃપ્તિનો અનુભવ જાણે કે દૂર રહી જાય છે. ઈશ્વરે સુખને પણ જાણે સુવર્ણમૃગ જેવું બનાવ્યું છે. આપણે સૌ એનાથી આકર્ષાઈને તેની પાછળ દોટ મૂકીએ છીએ, પરંતુ મોટા ભાગે એ ભ્રમણા સાબિત થાય છે. સુખની સુંવાળી લાગતી ધાર ક્યારેક વ્યક્તિને એવી રીતે ઘસરકો મારી જાય છે કે માણસ કોઈને કશું કહી પણ શકતો નથી.
‘અરે તમારે શું દુઃખ હોય? સરસ મજાનો બિઝનેસ છે. સંતાનોની લીલી વાડી છે…!’ આવું આપણે કોઈને અહોભાવથી જ્યારે કહેતા હોઈએ છીએ ત્યારે આપણા ઉદ્ગારો તળે દબાયેલી એ વ્યક્તિની કશુંક અંગત કહેવાની તીવ્ર ઇચ્છા ત્યાં જ ધરબાઈ જતી હોય છે. બહારથી ગુલાબી લાગતું ચિત્ર ઘણી વાર અંદરથી બિહામણું કે કદરૂપું સ્વરૂપ પણ ધરાવતું હોય છે.
આપણી વ્યાખ્યા મુજબ સુખ એટલે શું? સારું મકાન હોય, સારી નોકરી કે ધંધો હોય, તંદુરસ્ત શરીર હોય વગેરે, પરંતુ આપણે જેને સુખી અથવા સાધનસંપન્ન કુટુંબો માનતા હોઈએ છીએ એ તમામનાં સુખોની યાદી લગભગ એકસરખી હોય છે. આમ આ રીતે જોઈએ તો સુખ એ એકવિધતા ધરાવતી મનઃસ્થિતિ ગણી શકાય. ટોલ્સ્ટોય નામના લેખકનું એક અમર વાક્ય આ સંદર્ભમાં ટાંકવા જેવું લાગે છે.
‘દુનિયામાં દરેક સુખી કુટુંબ એકસરખી રીતે સુખી હોય છે, પરંતુ દરેક દુઃખી કુટુંબ પોતપોતાની વિશિષ્ટ રીતે દુઃખી હોય છે.’
અર્થાત્ સુખમાં ખાસ કશું વૈવિધ્ય જેવું હોતું નથી. અને જે વસ્તુમાં નાવીન્ય ન હોય એની શી મજા હોય? પ્રથમ નજરે આપણે જેને દુઃખ અથવા આપત્તિ માનીએ છીએ એમાં ઈશ્વરે એટલું બધું અપાર વૈવિધ્ય ભર્યું હોય છે કે એમાંથી પસાર થયા પછી કે એનો સામનો કર્યા પછી આપણામાં જાણે નવો સંચાર થતો અનુભવીએ છીએ. ઘણી વાર આપણને એવું પણ થાય કે અરે! મારામાં આટલી બધી સહનશક્તિ હતી! મુશ્કેલીઓ સામે ઝઝૂમવાનું આટલું બધું બળ ક્યાંથી આવ્યું? ખરેખર દુઃખ અથવા મુશ્કેલીઓમાં માણસની આંતરિક શક્તિઓ પુરબહારમાં ખીલી ઊઠતી હોય છે. માણસની અંદરથી કોઈક અગમ્ય શક્તિઓ કે ઉત્સાહની જાણે સરવાણીઓ ફૂટતી હોય છે. સોનું જે રીતે અગનજ્વાળાઓમાં ઘડાઈને નવો અને આકર્ષક રંગરૂપભર્યો આકાર ધારણ કરે છે એમ વિપત્તિમાંથી બહાર આવેલી વ્યક્તિમાં પણ કોઈક અજબ પ્રકારનો આત્મવિશ્વાસ અને ઓજસ જોવા મળતાં હોય છે. જો આવું ન હોત તો દુનિયામાં ફક્ત ગતાનુગતિક કહી શકાય એવું જ જીવન હોત! માણસે હંમેશાં પડકારરૂપ પ્રશ્નો કે સમસ્યા સામે બાથ ભીડી છે અને એટલે જ આદિમાનવથી તે આજના ઇન્ટરનેટ સુધીના યુગની આધુનિક માનવીની આખી વિકાસગાથા રચાઈ છે. સુખની સુંવાળપ થકી નકામો અને નીરસ બની જતો માણસ આપત્તિકાળમાં ઘડાઈને ઊજળો બની જતો હોય છે.
સુખ અને દુઃખ બન્નેની બાબતમાં ઉપરછલ્લી રીતે દેખાતી હકીકતો વાસ્તવમાં તેના પ્રત્યક્ષ અનુભવ પછી કંઈક અલગ સ્વરૂપે જ આપણને જોવા મળે છે. બહારથી દેખાતું ઐશ્વર્ય કે વૈભવ ક્યારેક વ્યક્તિના વિનાશ કે પતનનું કારણ પણ બની જાય છે. બહારથી કદાવર લાગતો પહેલવાન અતિ આત્મવિશ્વાસ થકી ક્યારેક ખરાખરીનો જંગ હારી જાય છે. સામા પક્ષે અડચણો અને મુસીબતોથી જ્ઞાત માણસ તેની વિનમ્રતા થકી ઘણાં કામો સફળતાપૂર્વક પાર પાડી જાય છે. આવી અદ્ભુત શક્તિને જોયા પછી આપણે જ બોલી ઊઠતા હોઈએ છીએ.
‘આ માાણસ આવું કરી શક્યો? આ કઈ રીતે બન્યું?’
માણસનું સામાન્યપણું મુશ્કેલી કે વિપત્તિના સહચાર થકી કસાઈને કે ઘડાઈને એક અસાધારણ શક્તિમાં પરિવર્તિત થતું હોય છે. આજે જગતમાં આપણે જે કંઈ પ્રગતિ, સુધારા કે અવનવી શોધો જોઈ રહ્યા છીએ એની પાછળ આવા સંઘર્ષશીલ લોકોનો પરિશ્રમ રહેલો છે. સુખી માણસોનું જીવન તો બે લીટીના શ્રુતલેખન જેવું હોય છે. આપત્તિને અવસરમાં પલટી નાખનારા યુગપ્રવર્તકો એ તમામ મુશ્કેલીઓને માત કરનારા લોકો હોય છે?

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here