મુશળધાર વરસાદથી મુંબઈની લાઇફલાઇન ખોરવાઈઃ અંધેરીમાં પુલ તૂટ્યો

મુંબઈઃ સતત બે દિવસમાં પડેલા મુશળધાર વરસાદે મુંબઈની લાઇફલાઇન ખોરવી દીધી હતી. મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર ખોરવાતાં જનજીવન ઠપ થયું હતું. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન ઉપરાંત લાંબા અંતરની ટ્રેનો પણ મોડી પડી હતી અને કેન્સલ થઈ હતી.
ભારે વરસાદના પગલે લોકલ ટ્રેનના પાટા વચ્ચે પાણી ભરાતાં મધ્ય રેલવેની સેવા પણ ખોરવાઈ હતી. ટ્રેનસેવા ખોરવાતાં બેસ્ટે 50થી વધુ બસ દોડાવી હતી. મધ્ય રેલવેમાં સાયન-કુર્લા વચ્ચે પાટા પર પાણી ભરાતાં લોકલ ટ્રેનસેવા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. વેસ્ટર્ન રેલવે ઠપ થતાં ગમે તેવી સ્થિતિમાં પણ કામ ચાલુ રાખતા ડબ્બાવાળા પણ ટિફિનો પહોંચાડી શક્યા નહોતા.
લગભગ આખો દિવસ પડેલા વરસાદના કારણે મુંબઈની આસપાસના વિસ્તારો સહિત અંધેરી, ગોરેગાંવ, બોરીવલી, ઘાટકોપર, ભાંડુપ, મુલુન્ડ, ચેમ્બુર, કુર્લા, સાયન, દાદર જળબંબાકાર બની ગયા હતા. મુંબઈથી સુરત વચ્ચેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો, જ્યારે સુરતથી મુંબઈ જતી ટ્રેનોને બોરીવલી, વિરાર, વસઇ રોડ અટકાવાઈ હતી. 28 ટ્રેનોને આ વરસાદની અસર થઈ હતી.
મંગળવારે સવારે અંધેરી સ્ટેશન નજીક રોડ ઓવરબ્રિજનો હિસ્સો ધડાકાભેર રેલવે ટ્રેક પર તૂટી પડતાં પશ્ચિમ રેલવે સંપૂર્ણ ખોરવાઈ ગઈ હતી અને હજારો પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત પાંચ ઘવાયા હતા. ગયા વર્ષે એલિફન્સ્ટન બ્રિજની દુર્ઘટના પછી આ બીજી રેલ દુર્ઘટના મુંબઈમાં થઈ હતી.
રેલવેમંત્રી પીયૂષ ગોયેલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ બ્રિજ તૂટી પડ્યો હતો, પરંતુ ભારે વરસાદ વચ્ચે પણ મોટરમેનની સમયસૂચકતાના કારણે હજારો પ્રવાસીઓ બચી ગયા હતા. મોટરમેન ચંદ્રકાન્ત સાવંત બોરીવલીથી ચર્ચગેટ ટ્રેન લઈ જતા હતા તે દરમિયાન પુલ પડતો જોતાં તેમણે ટ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવી હતી, આથી 50 મીટર દૂર જઈને ટ્રેન ઊભી રહી હતી. સમયસર ટ્રેન રોકીને હજારો પ્રવાસીઓના જીવ બચાવનાર મોટરમેન ચંદ્રકાન્ત સાવંતને રેલવેતંત્ર દ્વારા રૂ. પાંચ લાખનું ઇનામ જાહેર કરાયું છે. દરમિયાન થાણેમાં ભારે વરસાદના કારણે કમ્પાઉન્ડની દીવાલ તૂટી પડતાં એક યુવકનું મોત થયું હતું અને બે જણ ઈજાગ્રસ્ત થયા હતા.