મુલાયમના પુત્રવધૂ અર્પણા યાદવ સપા છોડી ભાજપમાં જોડાયા

 

લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ સમાજવાદી પાર્ટીને ફટકો પડયો છે. સપાના વડા મુલાયમસિંહ યાદવના પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં સામેલ થઇ ગયા છે. ભાજપમાં જોડાતા જ અપર્ણા યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. અને કહ્યું હતું કે મોદીની કામગીરીથી ખુશ થઇને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.  

અપર્ણાએ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે મુલાકાત કરી હતી. ત્યારથી એવી ચર્ચા હતી કે તેઓ ભાજપમાં સામેલ થઇ શકે છે.  અપર્ણાએ ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ઉત્તર પ્રદેશ ભાજપ ચીફ સ્વતંત્ર દેવની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. તેમના કેટલાક સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. અત્યાર સુધી ભાજપમાંથી સપામાં જવાનો સિલસિલો ચાલી રહ્યો હતો પણ હવે સપામાંથી ભાજપમાં આવવાનો ચીલો અપર્ણાએ પાડ્યો છે.   

અપર્ણા યાદવ મુલાયમસિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવના પત્ની છે. પ્રતીક અને અપર્ણા વર્ષો સુધી પ્રેમ સંબંધમાં રહ્યા અને 2011માં તેઓએ લગ્ન કરી લીધા હતા. અપર્ણા બિષ્ટ યાદવને યોગી સરકારે વાય કેટેગરીની સુરક્ષા આપી છે. અપર્ણા યાદવે અગાઉ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 11 લાખ રૂપિયાનું દાન પણ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ દાન મે સ્વેચ્છાએ કર્યું છે રામ ભારતનું ચરિત્ર, સંસ્કાર અને દરેકની આસ્થાનું કેન્દ્ર છે.  અપર્ણા અગાઉ 2017માં લખનઉ કેંટ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી સપાની ટિકિટ પર લડી ચુક્યા છે. જોકે તેમને તે સમયે ભાજપના ઉમેદવાર રીટા બહુગુણા જોશીએ હરાવ્યા હતા. હવે તેઓ ભાજપની ટિકિટ પર ફરી વિધાનસભાની ચૂંટણી લડશે.       

બીજી તરફ અપર્ણાના ભાજપમાં જોડાવા અંગે વાત કરતા અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે ભાજપમાં ન જોડાવવા અપર્ણાને મુલાયમસિંહ યાદવ અનેક વખત કહી ચુક્યા હતા. જોકે સાથે તેમણે ટોણો મારતા એમ પણ કહ્યું હતું કે અપર્ણા યાદવ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. હું ખુશ છું કે અમારી સમાજવાદી વિચારધારાનો ફેલાવો વધી રહ્યો છે. મને આશા છે કે અમારી વિચારધારા બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે કામ કરશે. 

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવના સાઢુ અને ધારાસભ્ય રહી ચુકેલા પ્રમોદ કુમાર ગુપ્તાએ ભાજપમાં જવાની જાહેરાત કરી દીધી છે. સાથે જ આરોપ લગાવ્યો છે કે સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવને તેમના જ ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીમાં હવે નેતાજી મુલાયમસિંહ યાદવ અને શિવપાલ યાદવનું કોઇ જ સન્માન નથી રહ્યું. તેથી હું હવે ભાજપમાં સામેલ થવા જઇ રહ્યો છું. પૂર્વ ધારાસભ્ય અને અખિલેશ યાદવના માસાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે મુલાયમસિંહ અને શિવપાલ યાદવ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. મુલાયમસિંહ યાદવને વિક્રમાદિત્ય માર્ગ વાળા ઘરે બંધક બનાવી લેવાયા છે. અને તેમને કોઇ પણ વ્યક્તિને મળવા દેવાતા નથી. તેમનો જન્મ દિન હતો ત્યારે પણ તેમને કઇ જ બોલવા નહોતા દેવાયા અને તેમનું માઇક પણ છીનવી લેવાયું હતું. બિનસમાજવાદીઓને મહત્વ અપાઇ રહ્યું છે અને સમાજવાદીઓને સમાજવાદી પાર્ટીમાં કોઇ જ મહત્વ નથી અપાઇ રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here