મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં ૨૫ સભ્યો, ૧૦ કેબિનેટ સહિત ૨૪ નવા મંત્રીઓએ શપથ લીધા

 

ગાંધીનગરઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુકાન સંભાળ્યા બાદ તેમના નવા મંત્રીમંડળની ગુરુવારે ૧.૩૦ વાગે રચના કરવામાં આવી છે. નવા મંત્રીમંડળની શપથવિધિનો ગાંધીનગર રાજભવનમાં કાર્યક્રમ યોજાયો હતો. નવા કેબિનેટ કક્ષાના તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓના નામ જાહેર થતા જ તમામ અટકળોનો અંત આવી ગયો છે. 

અપેક્ષા મુજબ નો રિપીટ થીયરી અમલમાં મુકતા ભાજપે રૂપાણી સરકારના તમામ જૂના મંત્રીઓને કાપ્યા છે અને નવા મંત્રીઓ શપથ લીધા છે. મંત્રીમંડળમાં ૧૦ કેબિનેટ કક્ષાના મંત્રીઓએ શપથ લીધા છે. પાંચ રાજ્યકક્ષા મંત્રીઓ છે જેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજ્યકક્ષાના નવ મંત્રીઓએ શપથ લીધા હતા. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટનું સંખ્યાબળ ૨૫નું થયું છે.  

સૌપ્રથમ રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રાઘવજી પટેલ પૂર્ણેશ મોદી, ઋષિકેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ શપથ લીધા હતા. 

હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ભાઈ ચૌધરી, મનીષા વકીલે રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે શપથ લીધા હતા. મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર અને કીર્તિસિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે એક સાથે ગુજરાતીમાં શપથ લીધા હતા. 

રાજેન્દ્ર ત્રિવેદીએ સ્પીકર પદેથી રાજીનામુ આપીને ગ્રહણ કર્યા મંત્રી પદના શપથ

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારે મોટો ફેરફાર થયો છે. ગુરુવારે રાજ્યની નવી કેબિનેટે શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં કુલ ૨૪ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા જેમાં ૧૦ કેબિનેટ મંત્રી છે અને બાકીના ૧૪ રાજ્ય મંત્રી બનાવાયા છે. 

ખાસ વાત એ છે કે, શપથ ગ્રહણ પહેલા જ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના સ્પીકર પદેથી રાજીનામુ આપ્યું હતું અને ત્યાર બાદ થોડી વારમાં જ તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદીના સ્થાને નિમા આચાર્યને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે. 

ગુજરાતના મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો ઃ બે કેબીનેટ પાંચ રાજ્ય કક્ષાના મંત્રી

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દાદાના જાહેર થયેલા મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ ગુજરાતની દાદાગીરી જોવા મળી છે. સુરતના એક બે નહીં પરંતુ ચાર ધારાસભ્યો અને દક્ષિણ ગુજરાતના ત્રણ ધારાસભ્ય મંળી સાતને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. આ સાત મંત્રીમાં બે કેબીનેટ એન પાંચ રાજ્ય કક્ષાના મંત્રી જાહેર થતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. સુરતના ચાર મંત્રીઓ બનતાની સાથે જ તેમના ટેકેદારો મારતી ગાડીએ સપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. ભાજપે ગુજરાતને પ્રયોગશાળાની જેમ પહેલી વખત મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળમાં નો રીપેટેશનની ફોર્મ્યુલાના કારણે લોકો ચકિત રહી ગયાં છે. સપથ વિધિના ગણતરીના કલાકો પહેલાં જાહેર થયેલા મંત્રીઓને ખબર ન હતી કે કોનું નામ મંત્રી તરીકે ચાલી રહ્યું છે. ત્યાર બાદ હાઈ કમાન્ડથી એક બાદ એક ધારાસભ્યોને ફોન કરતાં  મંત્રીઓ જાહેર થવા માંડયા હતા.  

સુરતના હર્ષ સંઘવી, મુકેશ પટેલ, વિનોદ મોરડીયાનું નામ પહેલાં જ જાહેર થયું હતુ. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કપરાડાના ધારાસભ્ય જીતું ચૌધરી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા તેમનો પણ  મંત્રી મંડળમાં સમાવવા માટે ફોન આવ્યો છે. જ્યારે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે સુરતના ત્રણ સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ મળીને કુલ છને સ્થાન મળ્યું હતું  પરંતુ ત્યાર બાદ અચાનક જ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશ મોદીનું નામ પણ મંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આટલું જ નહીં  પરંતુ તેમને કેબીનેટ કક્ષાના મંત્રી બનાવી દેવાયા છે. આમ પહેલી વાર ગુજરાતના મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે. સુરતના એક સાથે ચાર ધારાસભ્ય મંત્રી હોય તેવું આ પહેલું મંત્રી મંડળ હોવાથી હાલમાં સુરત રાજકીય રીતે એપી સેન્ટર બની શકે છે. આજે ખાતાની ફાળવણી બાદ તેઓ પોતના મત વિસ્તારમાં પાછા ફરશે ત્યારે તેમના સન્માન સમારોહ કરવામાં આવશે.