મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-2023 જાહેર કરી

ગાંધીનગરઃ ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક નક્કર કદમ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી- ૨૦૨૩ની જાહેરાત કરીને ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ નવી ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-૨૦૨૩ જાહેર કરી છે.
આ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત રિન્યૂએબલ જનરેશન પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહિત કરનારી અને વ્યાપકપણે રિન્યૂએબલ એનર્જીના મુખ્ય સ્ત્રોતોને આવરી લેતી આગવી પોલીસી છે. એટલું જ નહીં, આ પોલીસી અંતર્ગત ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટીંગ સોલાર, કેનાલ ટોપ સોલાર અને વિન્ડ, રૂફટોપ વિન્ડ અને વિન્ડ-સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટસને આવરી લેવામાં આવશે.
મુખ્યમંત્રીએ જાહેર કરેલી આ પોલિસીનો ઓપરેશનલ સમયગાળો નવી પોલીસી જાહેર થતાં સુધીનો અથવા ૨૦૨૮ સુધીનો રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિત ઊર્જાસ્ત્રોતોનો ઉપયોગ ઉત્તરોત્તર વધારીને ભારતને વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકની સાથે ટૂંકા ગાળાના લક્ષ્યાંકો પણ નક્કી કરાયાં છે. જેમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત રિન્યુએબલ એનર્જીની ક્ષમતા ૫૦૦ ગીગાવોટ સુધી વધારીને દેશની કુલ ઊર્જા જરૂરિયાતના ૫૦ ટકા રિન્યુએબલ એનર્જીમાંથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
ગુજરાતે વડાપ્રધાનની આ નેમને પાર પાડવા આ નવી રિન્યૂએબલ એનર્જી પોલિસી અંતર્ગત ૨૦૩૦ સુધીમાં સમગ્ર વિજ ઉત્પાદનનો ૫૦ ટકા હિસ્સો રિન્યૂએબલ એનર્જી દ્વારા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ સાથે આ પોલિસીમાં વિવિધ સુવિધાઓ પ્રદાન કરવાની જોગવાઈઓ કરેલી છે.
રાજ્યની સંભવિત રિન્યૂએબલ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે તેમજ અંદાજે ૪ લાખ એકર જમીનનો ઉપયોગ આ પોલીસી હેઠળ આવનારા પ્રોજેક્ટસમાં થવાની સંભાવના રાખવામાં આવી છે. એટલું જ નહીં, ગુજરાતના રિન્યૂએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ના પરિણામે પાંચ લાખ કરોડનું રોકાણ થવાની પણ સંભાવનાઓ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ પોલીસી હેઠળના લાભો પ્રોજેક્ટ કમિશનીંગ તારીખથી ૨૫ વર્ષના અથવા રિન્યૂએબલ પ્રોજેક્ટસના લાઈફ ટાઈમ સમયગાળા પૈકી જે વહેલું હોય તે માટે લાગુ થશે.
આ પોલીસી અન્વયે પ્રોજેક્ટની નોંધણી, માન્યતા, કમિશનીંગ પ્રમાણપત્ર અને માસિક પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી – GEDA કાર્યવાહી કરશે. તેમજ પોલીસીના અમલીકરણ, સંકલન અને દેખરેખ એજન્સી તરીકે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNL કામગીરી હાથ ધરશે. ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-૨૦૨૩ની મુખ્ય આકર્ષક બાબતો અને જોગવાઈઓ આ મુજબ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ COP-26ના ગ્લાસગો ખાતે યોજાયેલા સંમેલનમાં ક્લાઈમેટ ચેન્જ, રિન્યૂએબલ એનર્જી સોર્સમાં થતો સતત ઘટાડો તેમજ પ્રદૂષણના કારણે ઊભા થયેલા પડકારોને અવસરમાં ફેરવી વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે.
આ હેતુસર તેમણે ઉત્તરોતર ગ્રીન ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારીને ૨૦૭૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન નેટ ઝીરો કરવા માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ગુજરાત વડાપ્રધાનના માર્ગદર્શનમાં સોલાર, વિન્ડ, હાઇબ્રીડ જેવાં ગ્રીન એનર્જીનાં ક્ષેત્રોમાં નીતિ નિર્ધારિત વિકાસ દ્વારા અગ્રણી રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકારે રજૂ કરેલા વિકાસના પંચ સ્તંભ આધારિત બજેટમાં ગ્રીન ગ્રોથને એક મહત્વપૂર્ણ સ્તંભ ગણ્યો છે. આ સંદર્ભમાં નવી ગુજરાત એનર્જી પોલીસી–૨૦૨૩ તે દિશામાં રાજ્યને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડશે. મુખ્યમંત્રીએ આ પોલીસી જાહેર કરી તે અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવો પંકજ જોષી, જે. પી. ગુપ્તા તથા અગ્રસચિવો મમતા વર્મા, સંજીવકુમાર તથા વરિષ્ઠ સચિવો અને ઊર્જા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.