મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં દિવ્ય રામવન ખુલ્લું મુક્યું

 

રાજકોટ: રાજકોટમાં એક સાથે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલ ઘટનાઓ સાકાર થઈ હતી. આજી ડેમ ચોકડીથી ગોંડલ હાઈવે તરફ જતા કિસાન ગૌશાળા પાસે ૪૭ એકરની વિશાળ હરિયાળી જમીનમાં દિવ્ય રામવનના દ્વાર પ્રજાજનો માટે ખુલ્યા અને ત્યારબાદ બે વર્ષના બ્રેક બાદ રેસકોર્સમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા સાંસ્કૃતિક લોકમેળો મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  રાંધણછઠના દિવસે બન્ને મહત્વના હરવા-ફરવાના સાંસ્કૃતિક સ્થળો ખુલ્લાં મુકાતા લોકોની ભીડ ઉમટી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બન્ને સ્થળે ચાર-પાંચ મિનિટના ટૂંકા પ્રવચનમાં રામવનમાં  જણાવ્યું અર્બન ફોરેસ્ટ કે જેને રામવન  નામકરણ થયું છે તેનાથી શહેરોની ઓક્સિજનની જ‚રિયાત પૂરી થાય છે, છોડમાં રણછોડ, પૂષ્પમાં પરમેશ્ર્વર આપણી સંસ્કૃતિ સાકાર થાય છે. પર્યાવરણ રક્ષા પર ભાર મુકી તેમણે કહ્યું કે રાજકોટમાં ૨૩ ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરાયું છે, રાજ્ય સરકાર જાહેર પરિવહનમાં ઈલેક્ટ્રિક વાહનો વધારવા માંગે છે. લોકમેળાનું ઉદ્ઘાટન કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું ભારતની સનાતન હિન્દુ સંસ્કૃતિ ભગવાન શ્રી રામ અને કૃષ્ણ સાથે જોડાયેલી છે, વિશ્ર્વભરમાં તેમની પૂજા થાય છે, મેળો કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે યોજાય છે તો રાજકોટમાં રામવન ભગવાન રામને સમર્પિત છે. લોકમેળા આપણી સંસ્કૃતિનું પ્રતિક છે, સંસ્કૃતિને જીવંત રાખે છે. વડાપ્રધાને પણ આપણી વિરાસતો પર ગર્વ લેવા આહવાન કર્યું છે. તેમણે લોકમેળા સહિતના સ્થળે સ્વચ્છતા જાળવવા, જાહેર સંપત્તિ, વનસ્પતિને નુક્શાન નહીં પહોંચાડી નાગરિક ધર્મ બજાવવા અપીલ કરી હતી