મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક યોજાઈ

 

કચ્છ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 પ્રેસીડેન્સીની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકનો કચ્છના ધોરડોથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, G-20 બેઠકના સામુહિક ચિંતનથી ટુરિઝમ સેક્ટરને નવી દિશા અને ઊર્જા મળશે. દેશ અને દુનિયાના જીડીપીમાં ટૂરિઝમનું મહત્ત્વનું યોગદાન છે.

ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં લેવાઇ રહેલા પગલાંઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, નવી પ્રવાસન નીતિ અંતર્ગત રાજ્યમાં પ્રવાસનના વિકાસની સાથે-સાથે  પર્યાવરણ સમૃદ્ધિનો એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે. 

વધુમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ કચ્છમાં ઔદ્યોગિક વિકાસની સાથે પ્રવાસનની અપાર સંભાવનાઓ નિહાળીને શ‚ કરાવેલો રણોત્સવ દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રધાનમંત્રીએ કચ્છના રણને વિશ્ર્વના માનચિત્રમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ટૂરિઝમ વકિર્ંગ ગ્રૂપની મહત્ત્વની પાંચ પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાંચમાંથી એક પ્રાથમિકતા ગ્રીન ટૂરિઝમ પણ છે. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની યાદમાં નિર્માણ થયેલું સ્મૃતિવન સ્મારક ગ્રીન ટૂરિઝમનું ઉદાહરણ છે. આ સ્મૃતિ વનમાં પચાસ ચેકડેમ અને ત્રણ લાખથી વધુ છોડના વાવેતરથી ગ્રીન ટૂરિઝમને નવી દિશા મળી છે. 

દેશમાં પ્રવાસનના વિકાસની અપાર સંભાવનાઓને વિશ્ર્વ સમક્ષ ઉજાગર કરવા માટે વડાપ્રધાનના નેતૃત્વમાં આ વર્ષના અમૃત બજેટમાં પ્રવાસનના વિકાસ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. વડાપ્રધાને ચેલેન્જ મોડના માધ્યમથી દેશમાં પ્રવાસનના ૫૦ સ્થળોની પસંદગી કરી છે અને આ સ્થળોને ખોરાક, સલામતી સહિતના મુદ્દે એક સંપૂર્ણ પેકેજના સ્વ‚પમાં વિકસિત કરવાની યોજના જાહેર કરી છે. 

કેબિનેટ મંત્રી પરસોત્તમ ‚પાલાએ જણાવ્યું હતું કે, કચ્છમાં રણ, દરિયો અને પર્વત સહિતની સમૃદ્ધ ભૌગોલિક વિવિધતા છે અને પ્રવાસનનું હબ બનેલી કચ્છની ધરતી પર G-20ની બેઠક યોજાઈ રહી છે તે આપણા માટે ગૌરવ અને સૌભાગ્યની બાબત છે. G-20ની અધ્યક્ષતા સર્વગ્રાહી, સર્વ સમાવેશક અને સમૃદ્ધ ભારતના નિર્માણ તરફની યાત્રાને વધુ વેગવાન બનાવનાર બની રહેશે. ભારતની સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાઓ, વૈશ્ર્વિક સ્તરના પ્રવાસન આકર્ષણો, ઇકો ટુરિઝમ, ગ્રીન ટુરિઝમ અને એગ્રી ટુરિઝમ પ્રવાસીઓને વિશિષ્ટ અનુભવ પૂરો પાડે છે.

કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ પ્રવાસનને દેશના ગ્રોથ એન્જિનનો મહત્ત્વનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં ૬.૯ મિલિયન પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતમાં પ્રવાસનની અનેક વિવિધતાઓ છે ત્યારે દેશનો પ્રવાસન હબ તરીકે યોગ્ય દિશામાં વિકાસ થઈ રહ્યો છે. વિદેશી પ્રવાસીઓ માટે ભારત સુરક્ષિત અને સલામત પ્રવાસન સ્થળ બની રહ્યું છે.

આ બેઠકમાં મુખ્યસચિવ રાજકુમાર, ભારત સરકારના પ્રવાસન વિભાગના સચિવ અરવિંદસિંઘ, નાણાં વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, પ્રવાસન તેમજ અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, G-20 દેશોના વિવિધ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.