મુખ્યમંત્રીના હસ્તે વિશ્વકોશ અને લેક્સિકનના જોડાણથી ડિજિટલ ક્રાંતિ થશે

 

અમદાવાદઃ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં એક ઐતિહાસિક ઘટના બની. ગુજરાત વિશ્વકોશ અને ગુજરાતી લેક્સિકનનાં જોડાણનો શુભઅવસર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સંપન્ન થયો. પ્રારંભમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈએ ગુજરાતી વિશ્વકોશ એની પ્રવૃત્તિઓ, ભાષાનું મહત્વ વગેરે વિશે વાત કરી. આજે અનોખી વિશ્વસંસ્કૃતિ આકાર લઈ રહી છે, ત્યારે ગિરા ગુર્જરી એ વિશ્વગુર્જરી બની છે અને તેથી ગુજરાતી વિશ્વકોશ (એન્સાઇક્લોપીડિયા) અને ગુજરાતી લેક્સિકન હવે કદમથી કદમ મિલાવીને એક સાથે કામ કરીને ગુજરાતી ભાષાના પ્રસાર, પ્રચાર અને ઉત્કર્ષ માટે પ્રયત્ન કરશે. વિશ્વકોશનાં ૧૭૦ વિષયનાં ૨૬,૦૦૦થી વધુ લખાણો ઓનલાઇન વિશ્વકોશ દ્વારા ઉપલબ્ધ છે અને દર મહિને એક લાખ લોકો એમાંથી માહિતી પ્રાપ્તા કરે છે. 

વળી આ લખાણો એના શીર્ષકથી, લેખકના નામથી અને વિષયથી સર્ચ કરી શકાય છે. તેમજ કમ્પ્યૂટર, લેપટોપ અને મોબાઈલમાં એ પ્રાપ્ત થાય છે. આજે એ વિશ્વકોશ સાથે લેક્સિકન જોડાઈ રહ્યું છે, ત્યારે ગુજરાતી ભાષા એક નવું આકાશ સર્જશે. ગુજરાતી લેક્સિકનના પ્રેરક અને શિલ્પી રતિભાઈ ચંદરયાની સ્મૃતિમાં એમના જન્મશતાબ્દીના વર્ષે પ્રતિવર્ષ બે એવોર્ડ આપવાનું જાહેર કરીએ છીએ. જેમાં એક એવોર્ડ ગુજરાતી ભાષા સાહિત્યમાં ડિજીટલ ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને અને બીજો એવોર્ડ ભાષા-બોલી, કોશસર્જન અને ભાષા-વિજ્ઞાનમાં મહત્વનું કાર્ય કરનાર વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવશે. 

‘ભાષા રક્ષિતઃ રક્ષિતા’ તમે ભાષાનું રક્ષણ કરો અને ભાષા તમારૂં રક્ષણ કરશે. જ્યારે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુકેશભાઈ શાહે ગુજરાતી લેક્સિકનના પ્રણેતા રતિભાઈ ચંદરયા વિશે આરંભમાં વાત કરી અને કહ્યું કે, રતિભાઈએ જિંદગીનો ભોગ આપીને ભાષાનું કામ કર્યું છે. ગુજરાતી સાહિત્ય માટે વિરલ ઘટના આજે બની કે બે સંસ્થાઓનું જોડાણ થઈ રહ્યું છે. ગુજરાતી લેક્સિકનમાં શું શું મૂકવામાં આવ્યું છે, તેની વિગતવાર માહિતી તેમણે આપી. પાંચ કરોડ લોકોએ ગુજરાતી લેક્સિકનનાં પોર્ટલની મુલાકાત લીધી છે. રતિભાઈ ચંદરયા લોકોના હૃદયમાં ઉદ્યોગપતિ નહિ, પણ શબ્દપતિ તરીકે સ્થાન પામ્યા છે. 

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરી સાહેબે જ્ઞાન અને શબ્દભંડોળનો આજે સંગમ થઈ રહ્યોે છે, તેની વાત કરી. માતૃભાષાના જ્ઞાન વગર જે પેઢી તૈયાર થઈ છે, તે ચિંતાનો વિષય છે એમ તેમણે કહ્યું. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકન એ બંનેના પ્બ્શ્ સંપન્ન થયા. તેમણે કહ્યું કે ગુજરાતી ભાષા અને લેક્સિકન આજે બંને ભેગા થાય છે. કોઈ પણ સમાજ કે સંસ્કૃતિના વિકાસમાં ભાષા મહત્વનું સ્થાન છે. ડિજીટલ ક્રાંતિએ બધાંને ભેગા કર્યાં છે. ભાષાસેવાની ધૂણી રતિભાઈએ ધખાવી છે. તો ગુજરાતી વિશ્વકોશની ધૂણી ધીરૂભાઈ ઠાકરે ધખાવી છે. આજના આ પ્બ્શ્ ભાષાના સંવર્ધન, સંસ્કૃતિ અને ભાષાને ઉજાગર કરતા પ્બ્શ્ છે. માતૃભાષા ભુલાય તો બધું જ ભુલાય. સ્વ-ભાષા અને સ્વ-સંસ્કાર માટે હવે બધાંએ કટિબદ્ધ થવાની જરૂર છે. ભાષાનું શિક્ષણ માતૃભાષામાં જ અપાય એના પર એમણે મહત્વ આપ્યું. આ સંસ્થાએ ગુજરાતી વિશ્વકોશ પ્રગટ કરીને ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા કરી છે. ગુજરાતીના ભવ્ય વારસાની જાળવણી કરી છે. ગુજરાતી વિશ્વકોશ અને ગુજરાતી લેક્સિકનના બંને સૂત્રધારોનો તેમણે આભાર માન્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પ્રીતિ શાહે કર્યું. ગુજરાતી ભાષાના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.